અક્ષયકુમારનો નિયમ છે કે તે સેટ પર આઠ કલાકની શિફ્ટ કરે છે અને એમાં તે કોઈ સમાધાન નથી કરવા માગતો
અક્ષયકુમાર
અક્ષયકુમારની શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ ‘સરફિરા’ના એક સીન માટે તેણે પોતાનો જૂનો નિયમ તોડ્યો હતો. અક્ષયકુમારનો નિયમ છે કે તે સેટ પર આઠ કલાકની શિફ્ટ કરે છે અને એમાં તે કોઈ સમાધાન નથી કરવા માગતો. આ ફિલ્મના ક્લાઇમૅક્સના શૂટિંગ વખતે આઠ કલાક પસાર થઈ ગયા હતા અને એ સીન પૂરો નહોતો થયો. એથી ડિરેક્ટરની વિનંતીને માન આપીને અક્ષયકુમાર એ સીક્વન્સને એ દિવસે પૂરી કરવા માટે તૈયાર થઈ ગયો હતો. એ વિશે ડિરેક્ટર સુધા કોંગારા કહે છે, ‘અક્ષય સરની એ પૉલિસી છે. તેમણે શરૂઆતથી જ મને જણાવ્યું હતું કે તે આઠ કલાક કામ કરશે અને એ આઠ કલાક દરમ્યાન તે એક અસિસ્ટન્ટ ડિરેક્ટરની જેમ સેટની બહાર નહીં જાય. જોકે આઠ કલાક પછી તે સેટ પર નહીં દેખાય. આવી રીતે તેમણે મને અગાઉથી ચેતવણી આપી હતી. જોકે અમે હંમેશાં એ કન્ડિશન પ્રમાણે જ કામ કર્યું છે. જોકે એ ક્લાઇમૅક્સના સીન વખતે આઠ કલાક પસાર થઈ ગયા હતા અને અમે એ દિવસે ફિલ્મ પૂરી કરી રહ્યા હતા. મારી પહેલી અસિસ્ટન્ટ ડિરેક્ટર તેમની પાસે ગઈ અને વિનંતી કરી કે અક્ષય સર, હજી દસ મિનિટ, હજી અડધો કલાક સર. અમે જાણીએ છીએ કે આઠ કલાક થઈ ગયા છે. ઘણા દિવસો અમે તમને પાંચ અને છ કલાકની અંદર જવા દીધા છે. તો અક્ષય સરે રિપ્લાય આપ્યો, ‘હા, કારણ કે મેં કામ વહેલાસર પૂરું કર્યું હતું. હું ફાસ્ટ કામ કરું છું.’
અસિસ્ટન્ટ ડિરેક્ટરે તેમને કહ્યું કે સર, પ્લીઝ અમને અડધો કલાક આપો અને તેમણે સ્વીટલી અમને એ અડધો કલાક આપ્યો હતો.’