કરજમાં ડૂબેલી જૅકી ભગનાણીની કંપનીને નિરાંત આપીને અક્ષયકુમારે કહ્યું...
ફાઇલ તસવીર
જૅકી ભગનાણી અને વાશુ ભગનાણીની પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટ કરજના બોજ નીચે દબાયેલી છે. એથી અક્ષયકુમારે પોતાનું પેમેન્ટ હોલ્ડ પર રાખવા કહ્યું છે. એ બૅનર હેઠળ બનેલી ફિલ્મોના કાસ્ટ અને ક્રૂ-મેમ્બર્સનો પગાર ઘણા વખતથી બાકી છે. પૂજા એન્ટરટેઇનમેન્ટે ‘ગનપત’, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મિશન રાનીગંજ’ પ્રોડ્યુસ કરી હતી. આ ત્રણેય ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે ફ્લૉપ થઈ હતી. કંપની પર ૨૫૦ કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે ૮૦ ટકા સ્ટાફ પણ ઓછો કરી દીધો છે. એવામાં તેમને સપોર્ટ કરવા અક્ષયકુમાર આગળ આવ્યો છે. તેણે જણાવ્યું છે કે જ્યાં સુધી બધાનો પગાર પૂરો ન ચૂકવવામાં આવે ત્યાં સુધી તેનું પેમેન્ટ હોલ્ડ પર રાખવામાં આવે. એ વિશે જૅકી ભગનાણી કહે છે, ‘અક્ષય સરે તાજેતરમાં જ મારી સાથે આ વિષય પર ચર્ચા કરી છે. અક્ષય સરે સામે ચાલીને ક્રૂને સપોર્ટ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી ફિલ્મના તમામ કાસ્ટ અને ક્રૂ-મેમ્બર્સને તેમનું પૂરું પેમેન્ટ ન મળી જાય ત્યાં સુધી તેનું પેમેન્ટ ન આપવામાં આવે. આ સમજદારી દેખાડવા માટે અને અમારી પડખે ઊભા રહેવા માટે અમે અક્ષય સરના આભારી છીએ.’