સુનીલ શેટ્ટીનું કહેવું છે કે ‘હેરાફેરી 3’ને લઈને અક્ષયકુમાર અને પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ મુદ્દો ઉકેલવો જોઈએ.
સુનિલ શેટ્ટી
સુનીલ શેટ્ટીનું કહેવું છે કે ‘હેરાફેરી 3’ને લઈને અક્ષયકુમાર અને પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ મુદ્દો ઉકેલવો જોઈએ. આ ફિલ્મમાં અક્ષયકુમારને બદલે કાર્તિક આર્યનને લેવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું હતું કે આ ફિલ્મમાં રાજુના રોલમાં કાર્તિક જોવા મળશે. જોકે બાદમાં જાણ થઈ કે કાર્તિકને એક નવા કૅરૅક્ટરમાં દેખાડવામાં આવશે. અનીસ બઝ્મી ફિલ્મને ડિરેક્ટ કરશે. આ ફિલ્મને લઈને ચાલી રહેલી વિવિધ અટકળો પર સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘કાર્તિક આર્યન એક બ્રિલિયન્ટ ચૉઇસ છે, પરંતુ એ રાજુના રોલમાં નથી દેખાવાનો. કાર્તિકને એક નવા રોલમાં રજૂ કરવામાં આવશે. તે આ નવા રોલમાં ગજબની એનર્જી લઈને આવશે. રાજુને કોઈ રિપ્લેસ ન કરી શકે. હવે રાજુ અને ફિરોઝભાઈએ ‘હેરાફેરી’ના મુદ્દાનું સમાધાન લાવવું જોઈએ.’
ફિલ્મમાં પરેશ રાવલ બાબુભૈયાના રોલમાં અને સુનીલ શેટ્ટી શ્યામના રોલમાં દેખાશે. ફિલ્મનાં કૅરૅક્ટર્સ વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે હિટ ફિલ્મો એ છે જેનાં પાત્રો હંમેશાં માટે યાદગાર બની જાય છે. ઉદાહરણ તરીકે રાજુ, શ્યામ અને બાબુભૈયા. ‘હેરાફેરી’ની સાદગી લોકોને ગમી ગઈ હતી. મને એની જાણ નથી કે આ ફિલ્મ કલ્ટ પુરવાર થશે, પરંતુ હું એટલું જાણું છું કે એની પ્રશંસા અચૂક કરવામાં આવશે. બાબુભૈયા ફિલ્મનો અગત્યનો ભાગ છે જે રાજુ અને શ્યામને કન્ટ્રોલ કરે છે. લોકોને એ વસ્તુ જ પસંદ પડી છે. ફિલ્મમાં અમે ઍક્ટિંગ નથી કરી, અમે જેવા છીએ એવા અમારી જાતને રજૂ કરી અને આ જ કારણ છે કે ‘હેરાફેરી’ હંમેશાં પસંદ પડી છે. સ્વચ્છ કૉમેડી હંમેશાં જાદુઈ કામ કરે છે અને નાનાં બાળકોથી માંડીને મોટી વયના લોકોને પણ એ ગમે છે. તમને ક્યાંય એવું નથી લાગતું કે ફાસ્ટ ફૉર્વર્ડ કરીને આગળ જોવામાં આવે.’