એજાઝ ખાને એક ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાનના દીકરા અને રાજ કુન્દ્રાને કારાવાસ દરમ્યાન કરેલી મદદ વિશે જણાવ્યું
એજાઝ ખાન
એજાઝ ખાન અનેક ટીવી-સિરિયલ અને શોમાં જોવા મળ્યો છે. તે ફિલ્મોમાં નેગેટિવ શેડ્સના રોલ પણ ભજવી ચૂક્યો છે. એજાઝનું વ્યક્તિગત જીવન પણ અનેક વિવાદોમાં રહ્યું છે. એજાઝનું નામ ડ્રગ્સના કેસમાં પણ આવ્યું છે. જ્યારે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન રેવ પાર્ટીના મામલે જેલમાં હતો ત્યારે એજાઝ પણ આર્થર રોડ જેલમાં અલગ બૅરેકમાં હતો. એજાઝે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જેલના અનુભવ વિશે વાત કરી હતી.
એજાઝે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘જેલમાં ૩૫૦૦થી વધુ કેદીઓ વચ્ચે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અનસેફ હતો. મેં તેની મદદ કરી હતી. મેં તેને બિસલેરી વૉટર-બૉટલ અને સિગારેટ પૂરી પાડી હતી. જેલમાં તમે કોઈને માટે આનાથી વધુ શું કરી શકો? અને હા, મેં તેને ગુંડા અને માફિયાઓથી પણ બચાવ્યો હતો. તેને સામાન્ય બૅરેકમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેના જીવને ખતરો હતો.’
ADVERTISEMENT
એજાઝ ખાન કોરોના મહામારી આસપાસ જ આ કેસમાં ફસાયો હતો. એ દરમ્યાન શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પણ પૉર્નોગ્રાફીના કેસમાં જેલમાં હતો. એજાઝે રાજ સાથેના પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું કે ‘રાજ કુન્દ્રા મને દરરોજ મેસેજ કરતો હતો. તે કડક દેખરેખમાં હતો. જ્યારે રાજ જેલમાં આવ્યો ત્યારે મને ત્યાં ૭ મહિના થઈ ચૂક્યા હતા. મેં જ તેની મદદ કરી હતી. બિસ્કિટ, બિસલેરીની પાણીની બૉટલ કે સિગારેટ એવું બધું જેલમાં મેળવવું સરળ નહોતું. રાજે મને પાણી માટે પૂછ્યું. નૉર્મલ પાણી જ મળતું હતું, બિસલેરી નહીં. જોકે તેણે બીમાર પડી જવાની ભીતિથી નૉર્મલ પાણી નહોતું પીધું.’

