આ ફિલ્મ પચીસ ઑક્ટોબરે રિલીઝ થવાની છે.
અજય દેવગન
‘થૅન્ક ગૉડ’ના ડિરેક્ટર ઇન્દ્ર કુમારે જણાવ્યું છે કે અજય દેવગન સ્ક્રિપ્ટ વાંચ્યા વગર ફિલ્મ કરવા માટે રાજી થયો હતો. ઇન્દ્ર કુમાર ‘બેટા’, ‘રાજા’ અને ‘ગ્રૅન્ડ મસ્તી’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. ‘થૅન્ક ગૉડ’માં અજય દેવગનની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રીત સિંહ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ પચીસ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી એક રિયલ એસ્ટેટ બ્રોકરની છે જેનો ઍક્સિડન્ટ થાય છે અને તેની આંખ જ્યારે ખૂલે છે ત્યારે તે પોતાને સ્વર્ગમાં જુએ છે. જોકે ભગવાન તેની સાથે એક ગેમ રમે છે અને શરત મૂકે છે કે જો તે જીતી જશે તો તે પાછો ધરતી પર જઈ શકે છે. અજય દેવગન સ્ટોરી વાંચ્યા વગર જ ફિલ્મ કરવા રાજી થાય છે. એ વિશે ઇન્દ્ર કુમારે કહ્યું કે ‘હું જ્યારે પણ તેની પાસે સ્ક્રિપ્ટ લઈને જાઉં છું તો તે મારી સામે જુએ છે અને ફિલ્મ કરવાની હા પાડી દે છે. તે તો સ્ક્રિપ્ટ પણ વાંચતો નથી.’
ફિલ્મની આખી ટીમ ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી હતી. આ શો સોની ચૅનલ પર શનિવારે અને રવિવારે રાતે સાડાનવ વાગ્યે આવે છે. ઇન્દ્ર કુમારની પ્રશંસા કરતાં રકુલે કહ્યું કે ‘મેં અત્યાર સુધી જેની સાથે કામ કર્યું છે એમાં તેઓ સૌથી યુવા ડિરેક્ટર છે. અમે કોવિડ દરમ્યાન પણ શૂટિંગ કર્યું હતું, પરંતુ તેમને કોઈ પ્રકારનો ડર નહોતો. તેમની કામ કરવાની જે એનર્જી હતી એ પણ પ્રશંસનીય હતી. તેઓ હંમેશાં તેમની બધી એનર્જી સાથે શૂટ માટે તૈયાર રહેતા હતા.’