આ ફિલ્મ ૧૯૯૦ના દાયકાનાં હિન્દીભાષી રાજ્યો પર આધારિત છે
અજય દેવગન અને સિદ્ધાર્થ રૉય કપૂર
અજય દેવગન અને સિદ્ધાર્થ રૉય કપૂર કૉમેડી ડ્રામા ‘ગોબર’ને પ્રોડ્યુસ કરવા માટે જઈ રહ્યા છે. આ ફિલ્મને જાણીતા ઍડ ફિલ્મમેકર સબલ શેખાવત દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મને શબલ અને સમ્ભિત મિશ્રા દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ ૧૯૯૦ના દાયકાનાં હિન્દીભાષી રાજ્યો પર આધારિત છે. આ ફિલ્મને સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં પશુઓના એક ડૉક્ટરે એક સ્થાનિક હૉસ્પિટલમાં ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે એના પર આધારિત છે. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર એક વ્યક્તિની આ કૉમેડી સ્ટોરી છે. આ ફિલ્મને વર્ષના અંતમાં રિલીઝ કરવામાં આવશે અને એ માટે હજી કોઈ ઍક્ટરને પસંદ કરવામાં નથી આવ્યો. આ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘અમારી ‘ગોબર’ની સ્ટોરી ખૂબ જ અનોખી, અદ્ભુત, મજેદાર અને મનોરંજક છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ દર્શકોને થિયેટર્સમાં ખેંચી લાવશે. અમે ઇચ્છીએ છીએ કે દર્શકો થોડા રિલૅક્સ બની હસે અને મજા લેવાની સાથે થોડો વિચાર પણ કરે. સિદ્ધાર્થ કન્ટેન્ટ અને ફિલ્મ પ્રોડ્યુસને ખૂબ જ બારીકાઈથી જુએ છે અને એથી જ આ કોલૅબરેશન મજેદાર બનશે.’
આ વિશે સિદ્ધાર્થ રૉય કપૂરે કહ્યું હતું કે ‘અમારી ‘ગોબર’ એક સામાન્ય વ્યક્તિની વીરતાની સ્ટોરી છે. એમાં એક નિર્ભીક વ્યક્તિ કેવી રીતે ભ્રષ્ટાચાર સામે લડે છે અને લોકોને સંદેશો આપે છે કે એક સામાન્ય વ્યક્તિ પણ કંઈ પણ કરી શકે છે. આ એક સિચુએશનલ કૉમેડી છે જેમાં ભ્રષ્ટાચારની દુનિયાને સામે લાવવામાં આવી રહી હોવાથી એ સ્પેશ્યલ છે. હું અજયની પસંદગીને રિસ્પેક્ટ કરું છું. હું અજય અને અજય દેવગન ફિલ્મ્સ સાથે કામ કરવા માટે ઉત્સુક છું.’

