લગ્નમાં રેખાને જોઈને ઐશ્વર્યાએ તેની સાથે વાતો પણ કરી હતી.
(તસવીર - સતેજ શિંદે)
અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર અનંત અંબાણીનાં લગ્નમાં ઉમળકાભેર સામેલ થયો હતો. જોકે તેમના કુટુંબમાં મતભેદ હોવાની ચર્ચા ફરી શરૂ થઈ છે. એનું કારણ છે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા તથા બાકીનો બચ્ચન પરિવાર આ ઇવેન્ટમાં અલગ અલગ આવ્યાં હતાં તથા રેડ કાર્પેટ પર તેમણે અલગથી ફોટો માટે પોઝ આપ્યો હતો એટલું જ નહીં, લગ્નમાં રેખાને જોઈને ઐશ્વર્યાએ તેની સાથે વાતો પણ કરી હતી. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદાએ સાથે ફોટો ક્લિક કર્યો હતો. એ ફૅમિલી-ફોટોમાંથી ઐશ્વર્યા અને આરાધ્યા બાકાત હતાં. તાજેતરમાં અભિષેક મમ્મી જયા બચ્ચન અને બહેન શ્વેતા સાથે કાશી વિશ્વનાથનાં દર્શને ગયો હતો. એવામાં અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે ‘ઑલ ઇઝ વેલ’ નથી લાગી રહ્યું.
અમિતાભ બચ્ચને કોના તરફ કરી ભેદી પોસ્ટ?
ADVERTISEMENT
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં શુક્રવારે લગ્નમાં હાજરી આપ્યા બાદ અમિતાભ બચ્ચને પોતાની લાગણી શનિવારે વહેલી સવારે સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. ઘણા સમય બાદ તેમણે આવી રીતે જાહેરમાં હાજરી આપી હતી. એથી તેમને અનેક જાણીતા અને ઓળખીતા લોકો સાથે મળવાની તક મળી હતી. પોતાની ખુશી બ્લૉગ પર વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને લખ્યું કે ‘ભવ્ય લગ્નમાંથી ઘરે પાછો ફર્યો છું અને અહેસાસ થયો કે લાંબા સમય બાદ જાહેરમાં હાજરી આપી હતી. ઘણા જૂના અને પરિચિત લોકોને મળીને પ્રેમનો ધોધ અને લાગણીનો સાગર ઊમટ્યો હતો. એવું લાગે છે કે એમાંના કેટલાયના ચહેરા ભલે થોડા બદલાઈ ગયા હોય, પરંતુ તેમની સાથે પસાર કરેલા સમય અને તેમના પ્રેમમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું.’
એક તરફ જૂના લોકોને મળીને મળેલા પ્રેમથી તેઓ ઇમોશનલ થયા હતા, તો બીજી તરફ તેમણે ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લીધા વગર આડકતરી રીતે ભેદી પોસ્ટ કરી હતી. અમિતાભ બચ્ચને લખ્યું કે ‘આ જ તો જીવન છે, પરસ્પર સંબંધ, પ્રેમ અને કાળજી. આ એક વિચિત્ર વસ્તુ છે કે આવી નાની-નાની બાબતો એકમેક માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. જોકે જેમની સાથે ઊંડાણપૂર્વક અથવા તો અર્થસભર સમય પસાર કર્યો હતો એ સંબંધ ક્યાંક ખોવાઈ જાય છે અને કાં તો ભુલાઈ જાય છે. ખરેખર તો એ ભુલાતા નથી, પરંતુ એને બાજુએ રાખવામાં આવે છે અને એને ત્યારે જ યાદ કરવામાં આવે છે જ્યારે એની જરૂર હોય છે.’