દીકરીના જન્મ બાદ હું મારી મમ્મીને બરાબર સમજી શકી હતી: કાજોલ
કાજોલ માતા તનુજા સાથે
કાજોલનું કહેવું છે કે તેની દીકરી નિસાના જન્મ બાદથી તે તેની મમ્મી તનુજાને બરાબર સમજી શકી હતી. કાજોલની દીકરી નિસાનો જન્મ ૨૦૦૩માં થયો હતો. નિસા બાદ તેણે એક દીકરાને પણ જન્મ આપ્યો હતો. કાજોલની ‘ત્રિભંગા : ટેઢી મેઢી ક્રેઝી’ નેટફ્લિક્સ પર હાલમાં જ રિલીઝ થઈ છે. એની સ્ટોરી ૩ મહિલાઓની છે. પોતાની મમ્મી તનુજા વિશે કાજોલે કહ્યું કે ‘મારી દીકરીનો જન્મ થયા બાદ જ હું મારી મમ્મીને સારી રીતે સમજી શકી હતી. હું હંમેશાં મારી મમ્મીને પ્રેમ કરતી આવી છું, તેની પ્રશંસા કરું છું અને વિચારું છું કે તે ખૂબ અદ્ભુત છે. મારી દીકરીનો જન્મ થયા બાદ મેં મારી મમ્મીને કૉલ કર્યો હતો અને આ આખી બાબત રડતાં-રડતાં તેને જણાવી હતી. તેણે કહ્યું હતું કે હું જાણું છું કે તું આજે પણ મને કેટલો પ્રેમ કરે છું. એ સમયે મને જાણ થઈ કે તે મને કેટલો પ્રેમ કરે છે. મેં તેને કહ્યું હતું કે આજે હું સમજી છું કે તેં મારા માટે કેટલું સમર્પણ કર્યું છે. આખી લાઇફ તેં મારા માટે કેવું ફીલ કર્યું હતું અને એનાથી તારી લાઇફ આખી બદલાઈ ગઈ હતી.’

