ફિલ્મની લોકોએ ખૂબ નિંદા કરી છે એથી ટ્વિટર પર મનોજ મુંતશિરે ટ્વીટ કર્યું
મનોજ મુંતશિર
‘આદિપુરુષ’ના ડાયલૉગ-રાઇટર મનોજ મુંતશિરે લોકોની માફી માગી લીધી છે. આ ફિલ્મને લઈને લોકોમાં ખાસ્સો રોષ ફેલાયો છે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રભાસે ભગવાન શ્રીરામની અને ક્રિતી સૅનને જાનકીની ભૂમિકા ભજવી છે. એ ફિલ્મની લોકોએ ખૂબ નિંદા કરી છે એથી ટ્વિટર પર મનોજ મુંતશિરે ટ્વીટ કર્યું કે ‘હું સ્વીકારું છું કે ફિલ્મ ‘આદિપુરુષ’થી લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. મારાં તમામ ભાઈઓ-બહેનો, વડીલો, પૂજ્ય સાધુ-સંતો અને શ્રીરામના ભક્તો સમક્ષ હું હાથ જોડીને કોઈ પણ શરત વિના માફી માગું છું. ભગવાન હનુમાનજી આપણા પર કૃપા વરસાવે. આપણને એકત્ર અને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.’
તેનું માફીનામું વાંચીને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું...
ADVERTISEMENT
એકે લખ્યું કે ‘જો સાચા દિલથી માફી માગો છો તો મળી જશે. જોકે તમે જે બીજ રોપ્યાં છે એનાં ફળ (પાપ) તો તમારે ભોગવવાં જ પડશે. શ્રી હનુમાનજી ન્યાય કરશે.’
અન્ય એકે લખ્યું, ‘ખૂબ મોડું કરી દીધું. ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ, થિયેટરમાંથી નીકળી ગઈ, જ્યારે ગુમાવવા માટે કાંઈ બચ્યું નહીં, લોકોનો આક્રોશ પણ ઠંડો પડી ગયો ત્યારે માફી માગી રહ્યા છો. આ કામ તો તમારે ફિલ્મ રિલીઝ થઈ એના થોડા દિવસોની અંદર જ માગવાની જરૂર હતી, પરંતુ તમે તો કલેક્શન ગણવામાં અને ફિલ્મનો બચાવ કરીને જખમો પર મીઠું ભભરાવવામાં જ વ્યસ્ત હતા. હવે ફિલ્મનો બિઝનેસ પૂરી રીતે ઠપ થઈ ગયો છે ત્યારે માફી માગી રહ્યા છો. ભલે મોડા આવ્યા, પણ આવ્યા તો ખરા.’
અન્ય એકે કમેન્ટ કરી, ‘દુરુસ્ત નહીં આયે, ફટેહાલ આયે હૈં તભી માફીનામે મેં ઇન કી ચીખેં નિકલ રહી હૈ.’
અન્ય એકે લખ્યું, ‘હિન્દુઓએ જ્યારે બહિષ્કાર કરવાની શરૂઆત કરી ત્યારે તમારી આંખો ખૂલી છે, કેમ કે પૈસા રળવા એ જ તમારો એકમાત્ર ઉદ્દેશ છે.’
અન્ય એકે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કમેન્ટ કરી, ‘તારું સર્વનાશ થશે, કેમ કે તેં ભૂલ નહીં, પાપ કર્યું છે. જાણીજોઈને તેં રામજી અને હનુમાનજીનું અપમાન કર્યું છે. સાથે જ બેશરમની જેમ તેં પોતાના પાપ પર પડદો પાડ્યો છે. હવે જ્યારે તારી કરીઅર બરબાદ થઈ ત્યારે તું માફી માગી રહ્યો છે.’

