‘આદિપુરુષ’ના ટીઝરને જોઈને ભડક્યા લોકો
‘આદિપુરુષ’નું પાત્ર ભજવવાનો ડર લાગતો હતો પ્રભાસને
‘આદિપુરુષ’માં રાઘવનો રોલ કરવાનો પ્રભાસને ડર લાગતો હતો. આ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર રવિવારે સાંજે અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભવ્યતાથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જાનકીના રોલમાં ક્રિતી સૅનન, લંકેશના રોલમાં સૈફ અલી ખાન અને લક્ષ્મણની ભૂમિકા સની સિંહ દેખાશે. ફિલ્મને આવતા વર્ષે ૧૨ જાન્યુઆરીએ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ અને ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં રાઘવના રોલ વિશે પ્રભાસે કહ્યું કે ‘આ પાત્ર ભજવવા માટે ખરેખર હું ડરી રહ્યો હતો. ત્રણ દિવસ સુધી ડરીને મેં ઓમ રાઉતને કૉલ કર્યો હતો. અમે આ ફિલ્મને ખૂબ પ્રેમ અને સન્માનપૂર્વક બનાવી છે. હવે અમને ભગવાન રામના આશીર્વાદ જોઈએ છે. જય શ્રી રામ.’
‘આદિપુરુષ’ના ટીઝરને જોઈને ભડક્યા લોકો
ADVERTISEMENT
‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ તો થયું, પરંતુ એને જોઈને લોકો રોષે ભરાયા છે. લોકોનું કહેવું છે કે આ એક ઍનિમેટેડ ફિલ્મ છે. તેમનું માનવું છે કે એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આકર્ષક નથી અને કાર્ટૂન જેવો લુક આવે છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બનાવનારાઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક લોકોએ તો એની સરખામણી ‘પોગો’ ચૅનલ સાથે કરી છે. ડિરેક્ટર ઓમ રાઉતે અગાઉ લોકોને વચન આપ્યું હતું કે આ ફિલ્મમાં કદી ન જોઈ હોય એવી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જોવા મળશે. એથી એનું ટીઝર જોઈને લોકોને છેતરાયા હોવાનો એહસાસ થાય છે. ટ્વિટર પર લોકો કહી રહ્યા છે કે ૭૦૦ કરોડનું આ ટેમ્પલ રન છે. તો કેટલાય એમ પણ કહી રહ્યા છે કે હિન્દુઓની ઇચ્છા પ્રમાણે ભગવાન રામના પાત્રને જો કોઈ ન્યાય આપી શકે એમ હોય તો એ એસ. એસ. રાજામૌલી છે.