એને કારણે તેને ૪૮ દિવસ નૉન-સ્ટૉપ બ્લીડિંગ ચાલુ રહ્યું હતું
અદા શર્મા
અદા શર્માએ અલગ-અલગ પ્રોજેક્ટ માટે ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કરવું પડ્યું હતું. એને કારણે સ્ટ્રેસ વધી જતાં ૩૨ વર્ષની અદા એન્ડોમેટ્રિઓસિસનો શિકાર બની હતી. આ એક એવી બીમારી છે, જેને કારણે લાંબા સમય સુધી બ્લીડિંગ ચાલુ રહે છે અને પીઠમાં અને પેટમાં પણ દુખાવો અસહ્ય થાય છે. સાથે જ ગર્ભાશયની દીવાલ જાડી બનવા માંડે છે. પોતાની આ તકલીફ વિશે અદા કહે છે, ‘મારે ફિલ્મો માટે અલગ દેખાવાનું હતું. ‘ધ કેરલા સ્ટોરી’ના ફર્સ્ટ હાફમાં મારે પાતળા દેખાવાનું હતું જેથી હું કૉલેજમાં જતી યુવતી દેખાઉં. ‘કમાન્ડો’ માટે તાકાતવર દેખાવાનું હતું. ‘સનફ્લાવર’માં હું બાર-ડાન્સર બની હતી. એથી મારે કામુક અને સેક્સી દેખાવાનું હતું. તો ‘બસ્તર’માં મારે લોકોને નિયંત્રણમાં રાખવાના હતા એથી મારે હેલ્ધી દેખાવાનું હતું. આવી રીતે ફિલ્મો મારા માટે તનાવથી ભરેલી હતી. મને સમજમાં નહોતું આવતું કે મારા રોલને રિયલ લાઇફથી કઈ રીતે અલગ રાખું. કેટલીક વખત તો હું એમાં ઊંડી ઊતરી જતી હતી. હું એટલી તો સ્ટ્રેસમાં આવી ગઈ કે હું એન્ડોમેટ્રિઓસિસનો ભોગ બની હતી. એને કારણે મારા પિરિયડ્સ નૉન-સ્ટૉપ ચાલ્યા હતા અને મારા તો ૪૮ દિવસ સુધી સતત રહ્યા હતા.’

