સુશાંત સિંહ રાજપૂતના ફ્લૅટમાં શિફ્ટ થયા બાદ અદાએ કહ્યું...
અદા શર્મા
સુશાંત સિંહ રાજપૂત બાંદરાના જે ફ્લૅટમાં ભાડેથી રહેતો હતો એમાં હવે અદા શર્મા પાંચ વર્ષ માટે ભાડા પર રહેવા ગઈ છે. અદાને અહીં પૉઝિટિવ વાઇબ્સ મળે છે એવું તેનું કહેવું છે. આ અપાર્ટમેન્ટમાં તે ચાર મહિના પહેલાં રહેવા ગઈ છે. આ એ જ મકાન છે જેમાં સુશાંતે ૨૦૨૦ની ૧૪ જૂને કથિતરૂપે સુસાઇડ કર્યું હતું. તેના અવસાન સાથે જોડાયેલી ગુથ્થી હજી સુધી ઉકેલાઈ નથી. છેલ્લા ઘણા સમયથી એવી અફવા હતી કે અદાએ એ મકાન ખરીદી લીધું છે. જોકે એ વિશે તેણે હંમેશાં મૌન રાખ્યું હતું. હવે આ ઘરમાં રહેવા જવા વિશે અદા કહે છે, ‘હું આ ફ્લૅટમાં ચાર મહિના પહેલાં જ શિફ્ટ થઈ છું. જોકે હું મારા પ્રોજેક્ટ ‘બસ્તર’ અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી ‘ધ કેરલા સ્ટોરી’ને પ્રમોટ કરવામાં બિઝી હતી. ત્યાર બાદ હું મથુરામાં એલિફન્ટ સૅન્ક્ચ્યુઅરી જોવા ગઈ હતી. હવે મને સમય મળ્યો છે અને હું અહીં ફાઇનલી સેટલ થઈ છું. હું પાલી હિલમાં આવા જ મકાનમાં રહેતી હતી. હું પહેલી વખત એ ઘરમાંથી બહાર નીકળી છું. હું વાઇબ્સને લઈને ખૂબ સંવેદનશીલ હોઉં છું અને આ મકાન મને પૉઝિટિવ વાઇબ્સ આપે છે. કેરલા અને મુંબઈનું અમારું ઘર વૃક્ષો, પંખીઓ અને ખિસકોલીઓથી ઘેરાયેલું હોય છે. એથી મને એવું ઘર જોઈતું હતું જ્યાં હું પંખીઓને દાણા નાખી શકું.’

