હાર્ટ એટેક આવવાથી અભિનેત્રીનું વર્ષ ૨૦૧૭માં નિધન થયું હતું
રીમા લાગૂની ફાઈલ તસવીર
બૉલીવૂડની ‘માતા’ તરીકે ઓળખાતી અભિનેત્રી રીમા લાગૂની આજે પુણ્યતિથિ છે. વર્ષ ૨૦૧૭માં આજના દિવસે એટલે કે ૧૮ મેના રોજ તેમનું હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હતું. અંધેરીની કોકિલાબેન હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અનેક ટીવી સિરિયલો સહિત અભિનેત્રીએ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
રીમા લાગૂને ફિલ્મોમાં ભજવેલા માતાના પાત્રને લીધે હંમેશા યાદ કરવામાં આવે છે. હિન્દી ફિલ્મોમાં માતાને હંમેશા રડતી, આંસુ પાડતી અને ઉદાસ જ બતાવવામાં આવતી હતી. પરંતુ અભિનેત્રીએ આ છાપ બદલી હતી. તેમણે ઝિંદાદિલ અને મોર્ડન વિચારો ધરાવતી માતાનું પાત્ર સ્ક્રિન પર ભજવ્યું અને લોકોના દિલમાં જગ્યા મેળવી. ફક્ત ફિલ્મોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ રીમા લાગૂ આધુનિક માતા હતા અને બધુ જ એકલે હાથે સંભાળ્યું હતું.
ADVERTISEMENT
અભિનેત્રીનું સાચ્ચું નામ નયન ખદબડે હતું. તેમનો જન્મ ૨૧ જૂન ૧૯૫૮ના રોજ થયો હતો. તેમની માતા મંદાકિની ખદબડે સુપ્રસિદ્ધ મરાઠી અભિનેત્રી હતા. સ્કુલ અને કોલેજના સમયથી જ રીમાને અભિનયમાં રસ હતો. હાઈસ્કુલનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ રીમાએ પ્રોફેશનલી અભિનયની શરુઆત કરી હતી. કારકિર્દિની શરુઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. અનેક વર્ષો સુધી મરાઠી થિયેટરમાં કામ કર્યા બાદ વર્ષ ૧૯૮૦માં ફિલ્મ ‘કલયુગ’ દ્વારા સહાયક અભિનેત્રી તરીકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ રીમા લાગૂની મુલાકાત પૉપ્યુલર મરાઠી અભિનેતા વિવેક લાગૂ સાથે થઈ અને બન્નેએ લગ્ન કરી લીધા હતા. તેમેન એક દીકરી મૃણ્મયી લાગૂ છે. જોકે, લગ્નના થોડાક વર્ષો બાદ બન્ને વચ્ચે વિવાદો થવા લાગ્યા અને પરીણામે રીમા લાગૂ પતિથી અલગ થઈ ગયા. પતિથી છુટા પડ્યા બાદ તેમણે દીકરીને એકલા હાથે મોટી કરી.
ચાર દશકાની કારકિર્દીમાં રીમા લાગૂએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારો અજય દેવગન, શાહરુખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત વગેરે સાથે કામ કર્યું હતું. તેમણે દરેક અભિનેતાની માતાનું પાત્ર ભજવ્યું હતું. પછી તેઓ બૉલીવૂડની ‘માતા’ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. રીમાએ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાનની માતાની ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ લોકપ્રિયતાના જુદા જ શિખર સર કર્યા હતા.
અભિનેત્રી મૃત્યુના કેટલાક કલાકો પહેલા સુધી શૂટિંગ કરી રહ્યાં હતા. રાત્રે ઘરે આવ્યા અને અચાનક અડધી રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન તયું હતું.
રીમા લાગૂએ કારકિર્દિમાં ૯૫ કરતા વધુ ફિલ્મો અને અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેમની સિરિયલ ‘તૂ તૂ મૈં મૈં’ અને ‘શ્રીમાન શ્રીમતી’ સુપરહીટ હતી.

