તેને થયેલા બે કડવા અનુભવને લઈને તેણે ઘણા સવાલ કર્યા છે, ‘સેલિબ્રિટીઝ સાથે જ કેમ આવું થાય છે?’
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાને હાલમાં જાહેરમાં ભારે કડવો અનુભવ થયો છે. પોતાના અનુભવને તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એ વખતે ફોટોગ્રાફર્સને તેની મદદ કરવાનું પણ સૂઝ્યું નહોતું. તેની દીકરી જિયાને પણ ગાર્ડનમાં એક મહિલાએ કિસ કરી હતી છતાં પ્રીતિએ ગુસ્સે થવાને બદલે શાંત રહેવાનું પસંદ કર્યું હતું. તેણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે, જેમાં તે પોતાની કારમાં જઈ રહી છે, પરંતુ એક દિવ્યાંગ વ્યક્તિ વ્હીલચૅર પર બેસીને તેની પાસે પૈસાની માગણી કરી રહ્યો છે. એટલું જ નહીં, તેની કારનો પીછો કરી રહ્યો હતો. આ ઘટનાથી તે ચોંકી ગઈ છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી, ‘આ અઠવાડિયે મારી સાથે થયેલી બે ઘટનાએ મને ચોંકાવી દીધી છે. પહેલી ઘટના મારી દીકરી જિયાને લઈને છે. એક મહિલા તેનો ફોટો લેવાનો પ્રયાસ કરી રહી હતી. અમે તેને નમ્રતાપૂર્વક ફોટો લેવાની ના પાડી તો તે ત્યાંથી ચાલી ગઈ. ત્યાર બાદ અચાનક તેણે મારી દીકરીને આંચકી લીધી અને તેના મોઢા પર કિસ કરીને નાસી ગઈ અને કહેતી ગઈ, ‘ખૂબ ક્યુટ બેબી હૈ...’ આ મહિલા એક સમૃદ્ધ વિસ્તારમાં રહે છે અને આ ઘટના ગાર્ડનમાં મારાં બાળકો જ્યારે રમી રહ્યાં હતાં ત્યારે બની હતી. જો હું સેલિબ્રિટી ન હોત તો હું તેને ખૂબ ખરાબ રીતે ખખડાવી નાખત, પરંતુ મેં મારી જાતને શાંત રાખી, કેમ કે હું કોઈ સીન ઘડવા નહોતી માગતી.’
બીજી ઘટના વિશે તેણે લખ્યું કે ‘મારી ફ્લાઇટ હતી અને આ હૅન્ડિકૅપ વ્યક્તિ સતત મને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘણાં વર્ષોથી તે મને પૈસા માટે પરેશાન કરે છે અને હું તેને આપું પણ છું. આ વખતે પણ તેણે જ્યારે પૈસા માગ્યા ત્યારે મેં તેને કહ્યું કે સૉરી આજે મારી પાસે કૅશ નથી, માત્ર ક્રેડિટ કાર્ડ છે. મારી સાથે જે મહિલા હતી તેણે તેને પૈસા આપ્યા ત્યારે તેણે એ પૈસા પાછા તેના પર ફેંક્યા, કારણ કે તેને આટલા પૈસા પૂરતા નહોતા લાગ્યા અને તે ભડકી ગયો હતો. તમે જોઈ શકો છો કે તે મારી ગાડીનો પીછો કરી રહ્યો છે અને આક્રમક બની રહ્યો છે. ફોટોગ્રાફર્સને આ બધું જોઈને મજા પડી રહી હતી. મારી મદદ કરવાને બદલે તેઓ હસતા હતા. કોઈએ તે વ્યક્તિને મારી કારને ફૉલો કરતાં અટકાવ્યો નહીં કે અમને હેરાન કરવાની ના પણ ન પાડી. એ વખતે કદાચ ઍક્સિડન્ટ પણ થઈ શક્યો હોત અને મારા પર દોષનો ટોપલો ઢોળવામાં આવત. સેલિબ્રિટી હોવાથી મને સવાલ કરવામાં આવત. બૉલીવુડની ટીકા કરવામાં આવત અને ઘણીબધી નેગેટિવિટી ફેલાવવામાં આવત. સમય આવી ગયો છે કે લોકો પણ સમજે કે અમે પણ ઇન્સાન છીએ. ત્યાર બાદ મમ્મી અને પછી સેલિબ્રિટી છું. આજે હું જ્યાં પહોંચી છું ત્યાં સુધી પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. દેશના અન્ય લોકોની જેમ મને પણ મારી મરજી પ્રમાણે રહેવાનો અધિકાર છે. એથી કોઈને પણ જજ કરતાં પહેલાં અને દરેક બાબત માટે સેલિબ્રિટીઝની નિંદા કરતાં પહેલાં વિચારજો. દરેક સિક્કાની બે બાજુ હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે મારાં બાળકો કોઈ પૅકેજ ડીલનો ભાગ નથી. તેમને સ્પર્શ ન કરવો. મારાં બાળકોને એકલાં છોડી દો અને તેમનો ફોટો લેવા કે સ્પર્શ કરવા કે પછી આંચકી લેવા માટે તેમની નજીક ન આવો. તેઓ હજી નાનાં છે અને તેમની સાથે નાનાં બાળકો જેવો જ વ્યવહાર કરવો, સેલિબ્રિટીઝ જેવો નહીં. આશા છે કે જે ફોટોગ્રાફર્સ અમારી પાસે ફોટો, વિડિયો અને બાઇટની રિક્વેસ્ટ કરે છે તેઓ પણ સન્માન, માનવતા અને મૅચ્યોરિટી દેખાડે. સાથે જ ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો એનું શૂટિંગ કરવા કે હસવાને બદલે મદદ માટે આગળ આવે, કારણ કે હંમેશાં આવી બાબત મજાકની નથી હોતી.’
ગુવાહાટીમાં કામાખ્યાદેવીનાં દર્શન કર્યાં
પ્રીતિ ઝિન્ટાએ ગુવાહાટીમાં કામાખ્યાદેવીના મંદિરે જઈને દર્શન કર્યાં હતાં. તેણે મંદિરની અંદરનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એમાં તેણે પિન્ક ડ્રેસ પહેર્યો છે અને માથા પર દુપટ્ટો ઓઢી રાખ્યો છે. વિડિયોમાં મંદિરની ઝલક અને તળાવ પણ દેખાય છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી, ‘ગુવાહાટી જવાનું મારું મુખ્ય કારણ કામાખ્યાદેવીનું ફેમસ મંદિરની મુલાકાત લેવાનું હતું. મારી ફ્લાઇટ મોડી પડી હતી અને આખી રાત હું જાગી હતી. જોકે મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ મને એ ઉજાગરો લેખે લાગ્યો હતો. મને પાવરફુલ વાઇબ્રેશન્સનો અને અસીમ શાંતિનો અનુભવ થયો હતો. આ મૌન અને આભારની ક્ષણ આપણી આસપાસની ગડમથલ અને નિર્ણય લેવા માટે તૈયાર કરે છે. એને માટે હું આભારી છું. જે લોકો ગુવાહાટી જાય તેમણે આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલવું નહીં. એને જોઈને તમે બાદમાં મને થૅન્ક યુ પણ કહેશો. જય કામાખ્યાદેવી, જય માતા દી.’