જૅકલિનના કેસની સુનાવણી ૨૦ ડિસેમ્બર સુધી સ્થગિત
જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી
નોરા ફતેહીએ જૅકલિન ફર્નાન્ડિસ પર માનહાનિનો કેસ કર્યો છે. નોરાનું કહેવું છે કે તેની છબી ખરડાવવા અને તેની કરીઅર ખરાબ કરવા માટે જૅકલિને તેની વિરુદ્ધ આરોપો લગાવ્યા છે. બન્નેના સંબંધો સુકેશ ચન્દ્રશેખર સાથે હોવાની ચર્ચા છે. બન્નેને સુકેશે મોંઘી ગિફ્ટ્સ આપી છે. સાથે જ બસો કરોડના મની લૉન્ડરિંગના કેસને લઈને નોરા અને જૅકલિનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ઘણી વખત પૂછપરછ પણ કરી છે. નોરાએ એમ પણ આરોપ લગાવ્યો છે કે જૅકલિન તેના વ્યક્તિગત સ્વાર્થને પોષવા માટે તેના માટે અપમાનજનક વાતો કહી રહી છે.
જૅકલિન ફર્નાન્ડિસના બસો કરોડના મની લૉન્ડરિંગના કેસમાં ૨૦ ડિસેમ્બર સુધી સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. ગઈ કાલે તે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી. સુકેશ ચન્દ્રશેખર સાથે જોડાયેલા આ કેસમાં જૅકલિનની અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી ૨૪ નવેમ્બરે થઈ હતી. એ દરમ્યાન આરોપ પર પક્ષ માંડવા અને દલીલ માટે વકીલે સમયની માગણી કરી હતી. એથી ગઈ કાલે જૅકલિન તેના વકીલ સાથે કોર્ટમાં હાજર રહી હતી. હવે આ કેસની સુનાવણી ૨૦ ડિસેમ્બરે થશે.