છેલ્લા થોડા સમયથી નવાઝુદ્દીનની લાઇફ ચર્ચાનો વિષય બની છે.
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના ભાઈ શમાસ સિદ્દીકી અને વાઇફ આલિયા સિદ્દીકી વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. છેલ્લા થોડા સમયથી નવાઝુદ્દીનની લાઇફ ચર્ચાનો વિષય બની છે. આલિયા સતત નવાઝુદ્દીન પર વિવિધ આરોપ કરી રહી છે અને તેની વિરુદ્ધ તેણે પોલીસ-ફરિયાદ પણ કરી છે. આ બધાથી કંટાળીને નવાઝુદ્દીને પણ કેસ કર્યો છે. બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ પોતાની અપીલ પર નવાઝુદ્દીને કહ્યું કે ‘તેના ભાઈ અને આલિયા પર સ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવે જેથી તેઓ કોઈ નિવેદન ન આપે. એનાથી મારી પ્રતિષ્ઠા પર કોઈ ઠેસ ન પહોંચે. સાથે જ શમાસ અને આલિયા પર સોશ્યલ મીડિયામાં પણ કોઈ કન્ટેન્ટ શૅર કરતાં અટકાવવામાં આવે.’ આ સિવાય આ બન્ને તેની લેખિત માફી માગે એવી નવાઝુદ્દીને માગણી કરી છે. શમાસ પર બેઈમાનીના આરોપ લગાવતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘મેં ૨૦૦૮માં મારા ભાઈને મારા મૅનેજર તરીકે કામ આપ્યું હતું. તે ઑડિટિંગ, ઇન્કમ ટૅક્સ ફાઇલિંગ જેવાં વિવિધ કામ કરતો હતો. એવામાં હું ફિલ્મો પર ધ્યાન આપતો હતો. બાદમાં શમાસ મારી સાથે ચીટિંગ કરવા લાગ્યો હતો.’
શમાસે જણાવ્યું હતું કે મેં નવાઝુદ્દીનના નામે પ્રૉપર્ટી ખરીદી છે, પણ નવાઝુદ્દીને કહ્યું કે તેણે એ પ્રૉપર્ટી જૉઇન્ટ નામે ખરીદી હતી; જેમાં ફ્લૅટ, સેમી-કમર્શિયલ પ્રૉપર્ટી, બુલઢાણામાં જમીન, શહાપુરમાં ફાર્મહાઉસ, દુબઈમાં પ્રૉપર્ટી અને ૧૪ ગાડીઓ સામેલ છે. નવાઝુદ્દીનનું કહેવું છે કે સોશ્યલ મીડિયામાં જે પ્રકારે તેના વિશે શમાસ અને આલિયા વિડિયો શૅર કરે છે એને કારણે તે બહાર જતાં અચકાય છે. આ જ કારણ છે કે તેની આવનારી ફિલ્મો પણ પોસ્ટપોન થઈ રહી છે એથી નવાઝુદ્દીને તેમની વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે.