સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન હોવા છતાં પણ તે મમ્મી અને સાસુના હાથનું ભોજન ખાવાનું ચૂકતો નથી
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાનાની ફેવરિટ ડિશ કઈ છે એ વિશે તેણે જણાવ્યું છે. તે પંજાબી હોવાથી ખાવાનો ખૂબ શોખીન છે. સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન હોવા છતાં પણ તે મમ્મી અને સાસુના હાથનું ભોજન ખાવાનું ચૂકતો નથી. તે દર વર્ષે દિવાળી અને વર્ષના અંતે ચંડીગઢ જાય છે. એ વિશે આયુષમાને કહ્યું કે ‘મારી મમ્મી અને મારાં સાસુ મારી મનપસંદ ફેવરિટ ડિશ બનાવીને મારી ટેવ બગાડે છે અને હું એને ખૂબ એન્જૉય કરું છું. દરરોજ હું શું ખાઉં એ નક્કી કરવું મારા માટે અઘરું બની જાય છે. રાજમા-ચાવલ, સરસોં કા સાગ, મક્કી કી રોટી, ગાજરનો હલવો. મને એ બધું ખાવું ગમે છે, કેમ કે એ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ વખતના વેકેશનમાં પણ ચંડીગઢમાં એ પ્રેમ મારા પર વરસે એને લઈને હું ઉત્સુક છું.’
ફૅમિલી સાથે સમય પસાર કરવાનું મહત્ત્વ જણાવતાં આયુષમાને કહ્યું કે ‘મને એવું લાગે છે કે પરિવાર સાથે સમય પસાર કરવો અગત્યનું છે. લોકોએ પોતાના રૂટ્સ હંમેશાં યાદ રાખવાં જોઈએ અને મારા માટે તો ચંડીગઢ છે. હું આજે જે કાંઈ છું એ મારા પેરન્ટ્સ અને આ સુંદર શહેરને કારણે છું. હું મુંબઈમાં હોવા છતાં પણ મને મારા ઘર તરફ જોરદાર આકર્ષણ રહે છે. શૂટિંગ, પ્રમોશન્સ, બ્રૅન્ડ વગેરેને કારણે શેડ્યુલ ખૂબ બિઝી હોય છે. એથી જ્યારે પણ શકું તો હું મારી ફૅમિલી પાસે ચંડીગઢ જાઉં છું. એ ખરેખર મજેદાર અને તરોતાજા કરનારું છે.’