‘વિક્રમ વેધા’માં મોટો રોલ જોઈતો હતો, પરંતુ ડિરેક્ટર્સ સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી ફિલ્મ સ્વીકારી : રાધિકા આપ્ટે
રાધિકા આપ્ટે
રાધિકા આપ્ટેએ જણાવ્યું છે કે તેને વિક્રમ વેધા’માં મોટો રોલ જોઈતો હતો, પરંતુ ડિરેક્ટર્સ પુષ્કર અને ગાયત્રી સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી તેણે ફિલ્મ સ્વીકારી હતી. આ ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં હતો. ફિલ્મમાં પ્રિયાના રોલમાં રાધિકા જોવા મળી હતી. ફિલ્મમાં તેની નાનકડી ભૂમિકા વિશે રાધિકા આપ્ટેએ કહ્યું કે ‘મેં આ ફિલ્મમાં કામ એટલા માટે કર્યું કેમ કે મારે ડિરેક્ટર્સ પુષ્કર અને ગાયત્રી સાથે કામ કરવું હતું. જોકે આખો અનુભવ મારા માટે મહત્ત્વનો છે. મેં કેટલીયે ફિલ્મો રિજેક્ટ કરી હતી, જેમાં મારો રોલ અગત્યનો હતો પરંતુ મને એની સ્ક્રિપ્ટ નહોતી પસંદ પડી. હા, મારી ઇચ્છા એટલી જરૂર હતી કે આ ફિલ્મમાં મને મોટો રોલ મળ્યો હોત તો સારું હોત.’