ડિવૉર્સની અફવા પર અભિષેક કહે છે, ‘મારે એ વિશે કાંઈ ચર્ચા નથી કરવી`
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ડિવૉર્સ લેવાનાં છે એવો એક વિડિયો વાઇરલ થયો છે. એ વિડિયોમાં અભિષેક પોતે ડિવૉર્સને લઈને પુષ્ટિ કરે છે. જોકે એ અફવાને હવે અભિષેકે નકારતાં જણાવ્યું કે હું મૅરિડ છું. ૨૦૦૭માં બન્નેનાં લગ્ન થયાં હતાં. અભિષેક અને ઐશ્વર્યાના સંબંધ છેલ્લા થોડા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે. તેમની વચ્ચેનો મતભેદ ત્યારે દેખાયો જ્યારે ગયા મહિને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની સાથે અભિષેક હતો. બીજી તરફ ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે હતી. એટલું જ નહીં, ફૅમિલી-ફોટોમાં પણ આ મા-દીકરી બન્ને નહોતાં એથી બચ્ચન પરિવારમાં સંબંધ વણસેલા છે એવું સ્પષ્ટ દેખાતું હતું. હવે અભિષેકનો જે વિડિયો વાઇરલ થયો છે એને જોતાં લાગે છે કે આ કદાચ ડીપફેક વિડિયો હોઈ શકે છે. ડીપફેક વિડિયોના માધ્યમથી સેલિબ્રિટીઝનો અવાજ, ઇમેજ અને વિડિયોનો ઉપયોગ કરી શકાય છે. એ વિડિયોમાં અભિષેક કહી રહ્યો છે કે જુલાઈમાં ઐશ્વર્યાએ અને મેં ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું છે.
હવે ડિવૉર્સની અફવા પર અભિષેક કહે છે, ‘મારે એ વિશે કાંઈ ચર્ચા નથી કરવી. દુઃખની વાત એ છે કે તમે આખા પ્રકરણને ખૂબ ચગાવી દીધું છે. હવે સમજમાં આવ્યું છે કે તમે આવું શું કામ કર્યું, કેમ કે તમારે સ્ટોરી ફાઇલ કરવાની હોય છે. એ પણ ઠીક છે. અમે સેલિબ્રિટીઝ છીએ એટલે અમારે એને માટે તૈયાર રહેવું જોઈએ. તમને સૌને જણાવી દઉં કે હું હજી પણ મૅરિડ છું.’