ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતાં જ તેમના પ્રશંસકો દુખી થયા છે. તેઓ ગુજરાતી લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવીના દીકરા છે.
ડિરેક્ટર સંજય ગઢવી
‘ધૂમ’ અને ‘ધૂમ 2’ ડિરેક્ટ કરનારા ડિરેક્ટર સંજય ગઢવીનું ગઈ કાલે કાર્ડિઍક અરેસ્ટને કારણે અવસાન થયું છે. એવું જાણવા મળ્યું છે કે તેઓ સવારે મૉર્નિંગ વૉક માટે નીકળ્યા હતા અને એ જ વખતે તેમને રસ્તામાં હાર્ટ-અટૅક આવ્યો હતો. એથી તરત તેમને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતાં જ તેમના પ્રશંસકો દુખી થયા છે. તેઓ ગુજરાતી લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવીના દીકરા છે. સંજય ગઢવીએ ‘તેરે લિએ’ ડિરેક્ટ કરીને ડિરેક્શનમાં ઝંપલાવ્યું હતું. ત્યાર બાદ તેમણે ‘મેરે યાર કી શાદી હૈ’ બનાવી હતી. બાદમાં ‘ધૂમ’ અને ‘ધૂમ 2’ ડિરેક્ટ કરીને ખાસ્સી સફળતા મેળવી હતી. ગઈ કાલે તેમના અવસાનના સમાચાર ફેલાતાં જ અભિષેક બચ્ચને તેમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. સંજય ગઢવીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેક બચ્ચને કૅપ્શન આપી હતી, ‘આ ફોટો મેં ત્યારે લીધો હતો જ્યારે અમે સાઉથ આફ્રિકામાં ‘ધૂમ 2’નો ક્લાઇમૅક્સ શૂટ કરી રહ્યા હતા. અમે ‘ધૂમ’ અને ‘ધૂમ 2’માં સાથે કામ કર્યું હતું. સંજુ, મેં જ્યારે ગયા અઠવાડિયે તમારી સાથે વાત કરી ત્યારે આપણે શૂટિંગની જૂની વાતો યાદ કરી હતી. મેં સપનામાં પણ કદી નહોતું વિચાર્યું કે મારે તમારા વિશે આવી પોસ્ટ લખવી પડશે. હું અતિશય શોકમાં છું. તમે મારા પર ત્યારે ભરોસો કર્યો જ્યારે મને વિશ્વાસ નહોતો. તમે મને મારી પહેલી હિટ ફિલ્મ આપી હતી. એ હું કદી નહીં ભૂલું અને એની લાગણી હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. તમારી ફ્રેન્ડશિપને હું હંમેશાં યાદ કરતો રહીશ. તમારા આત્માને શાંતિ મળે.’ તો બીજી તરફ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જૉન એબ્રાહમે પોસ્ટ કર્યું કે ‘તમારી સાથે ‘ધૂમ’ના સેટ પર જે સમય પસાર કર્યો એ યાદ આવે છે. રેસ્ટ ઇન પીસ સંજય ગઢવી.’