૨૦૨૦માં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘અભય સાથે કામ કરવું પીડાદાયક અને અઘરું છે.
અભય દેઓલ
અભય દેઓલે ‘દેવ D’ના મેકર અનુરાગ કશ્યપને જૂઠો અને ઝેરીલો વ્યક્તિ કહ્યો છે. ૨૦૨૦માં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘અભય સાથે કામ કરવું પીડાદાયક અને અઘરું છે. તેને ‘દેઓલ’ હોવાના લાભ અને લક્ઝરીઝ જોઈતી હતી. અમે જે ફિલ્મ બનાવી રહ્યા હતા એનું બજેટ ખૂબ ટાઇટ હતું, એવામાં તે ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાયો અને આખી ટીમ પહાડગંજમાં રોકાઈ હતી. આ જ કારણ છે કે કેટલાય ડિરેક્ટર્સ તેને છોડીને ચાલ્યા ગયા છે.’
તેના આ સ્ટેટમેન્ટ પર હવે ચોખવટ કરતાં અભયે કહ્યું કે ‘અનુરાગે જાહેરમાં જઈને મારા વિશે ઘણુંબધું જૂઠું કહ્યું છે. એક ખોટી બાબત એ પણ છે કે મેં ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાની ડિમાન્ડ કરી હતી. ખરું કહું તો તે જ મારી પાસે આવ્યો અને કહ્યું કે ‘તું દેઓલ હોવાથી તું અમારી સાથે ન રહી શકે. એથી હું તને હોટેલમાં રહેવાની સગવડ કરી આપીશ.’ તેણે આવું જ મને કહ્યું હતું. પ્રેસમાં જઈને તેણે એમ કહ્યું કે મેં ડિમાન્ડ કરી હતી. મારા સારાપણાનો તમે ગેરફાયદો ઉઠાવો છો અને બાદમાં તમે એના પર રીઍક્ટ કરો છો. અનુરાગે મને પાઠ ભણાવ્યો છે. બાદમાં મેં તેને દૂર કર્યો, કારણ કે મને મારી લાઇફમાં આવા ઝેરીલા વ્યક્તિની જરૂર નથી. લાઇફ ખૂબ નાની છે અને ઘણુંબધું એક્સપ્લોર કરવાનું બાકી છે. તે જૂઠો અને ઝેરીલો વ્યક્તિ છે. હું લોકોને તેના વિશે ચેતવું છું.’
ADVERTISEMENT
બાદમાં અનુરાગે તેની પાસે માફી માગતો મેસેજ પણ મોકલ્યો છે. એ વિશે અભયે કહ્યું કે ‘તે મને કહે છે કે ‘તને મારા પર ગુસ્સો છે. તારે મારા પર ભડકવું છે.’ અને હું કહું છું કે મને એની કોઈ પરવા નથી. એ વાતને ૧૨ વર્ષ પસાર થઈ ગયાં છે. તું હવે મારા દિમાગમાં પણ નથી. તેણે મને કહ્યું કે ‘મને માફ કર, કારણ કે મારા દિવસો ખરાબ હતા.’ મેં તેને કહ્યું કે મેં તને માફ કરી દીધો છે.’

