કંગના રનૌત જ્યાંથી ચૂંટણી લડે છે ત્યાંથી પૉલિટિકલ પાવર છોડીને હીરો બનવા આવ્યો હતો આયુષ શર્મા
આયુષ શર્મા , કંગના રનૌત
‘લવયાત્રી’ અને ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ બાદ આયુષ શર્માની ‘રુસલાન’ ફિલ્મ આવી રહી છે. આયુષના દાદા પંડિત સુખરામ કૅબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તેના પપ્પા અનિલ શર્મા હિમાચલ પ્રદેશના રાજકારણમાં જાણીતું નામ છે. આયુષ શર્માએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી પાસે રાજકારણમાં જવાનો ઑપ્શન હતો, પરંતુ નાનપણથી ફિલ્મમાં કામ કરવાનું પસંદ હતું. ‘હીરો’ શબ્દ મને ખૂબ ગમતો. એ શબ્દ હું બહુ વાપરતો.’
આયુષે કહ્યું હતું, ‘અત્યારે ચૂંટણીનો માહોલ છે પણ પૉલિટિકલ કૅમ્પેન કે રૅલી માટે મને ત્યાં કોઈ નથી બોલાવતું, કેમ કે મારા દાદા અને પપ્પા ખુદ જાણીતા છે. મારા દાદા હવે નથી એમ છતાં તેમનો ફોટો હજી ત્યાં લગાવવામાં આવે છે. લેગસી છે તેમની અને તેમના માટે હું ચડ્ડી પહેરીને રસ્તા પર ફરતા બાળક જેવો છું. ત્યાંના લોકો માટે પણ હું હજી બાળક જ છું.’આયુષ શર્મા હિમાચલ પ્રદેશના મંડીથી આવે છે જ્યાં અત્યારે BJPનાં ઉમેદવાર તરીકે કંગના રનૌત ઊભી છે. આયુષ શર્માએ કંગનાને ‘ઑલ ધ બેસ્ટ’ કહ્યું છે. આયુષે કહ્યું હતું, ‘પ્રીતિ ઝિન્ટા, અનુપમ ખેર અને કંગના રનૌત હિમાચલ પ્રદેશનાં છે. ત્રણેએ ખૂબ મહેનત કરી છે. કંગના રનૌતે પોતાની સફર આગવી રીતે ખેડીને પોતાનું નામ બનાવ્યું છે. તેમનું નામ મોટું છે અને હિમાચલમાં તેમના માટે ખૂબ આદરભાવ છે. લોકો તેમને પ્રેમ કરે છે. હું તેમને ઑલ ધ બેસ્ટ કહીશ, બાકી તો લોકો પર છે કે તેઓ કોને વોટ આપવાનું પસંદ કરે છે.’