આ ફિલ્મમાં તેની સાથે જેનિલિયા દેશમુખ અને દર્શિલ સફરી પણ જોવા મળશે
ફાઇલ તસવીર
આમિર ખાન થોડા સમય પહેલાં દિલ્હીમાં તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું શૂટિંગ કરી રહ્યો હતો. હવે તેણે વડોદરામાં એ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે જેનિલિયા દેશમુખ અને દર્શિલ સફરી પણ જોવા મળશે. ધોમધખતા તાપમાં ફિલ્મની ટીમ સતત શૂટિંગ કરી રહી છે, જેથી સમયસર શેડ્યુલ પૂરું થઈ જાય. આ ફિલ્મમાં ડાઉન સિન્ડ્રૉમ પર પ્રકાશ પાડવામાં આવશે. આ એક અનુવાંશિક કન્ડિશન છે. એને કારણે વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસમાં સમય લાગે છે. જોકે આવા લોકોની યોગ્ય કાળજી લેવામાં આવે તો તેઓ પણ સ્વસ્થ જીવન જીવી શકે છે. આ વિષયને ખૂબ સંવેદનશીલતા સાથે આમિર દેખાડવાનો છે. તે લોકોને સમાજમાં કેવા પ્રકારના પડકારનો સામનો કરવો પડે છે એને આ ફિલ્મ દ્વારા દેખાડશે. ૨૦૦૭માં આવેલી ‘તારે ઝમીન પર’ની આ સીક્વલ છે.