સુશાંત પ્રકરણવાળી વિવાદાસ્પદ રિયા ચક્રવર્તીના ચૅટ-શોમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટે કરી રસપ્રદ વાતો
આમિર ખાન
રિયા ચક્રવર્તીએ તેનો ચૅટ-શો ‘ચૅપ્ટર 2’ શરૂ કર્યો છે. એના પહેલા એપિસોડમાં સુસ્મિતા સેન આવી હતી. હવે બીજા એપિસોડમાં આમિર ખાન દેખાવાનો છે. આ શોની નાનકડી ઝલક રિયાએ શૅર કરી છે. એમાં આમિર કહે છે કે તેને હવે ફિલ્મોથી હટી જવું છે. અગાઉ પણ તે કહી ચૂક્યો છે કે તેને રિટાયર થવું છે. તેણે તેના દીકરા જુનૈદ ખાનને પ્રોડક્શન હાઉસની જવાબદારી સંભાળવા કહ્યું હતું. થોડા સમય પહેલાં આમિરે એમ પણ જણાવ્યું હતું કે તે ફિલ્મો બનાવીને યંગ ટૅલન્ટ્સને તક આપવા માગે છે, તેમને પ્લૅટફૉર્મ પૂરું પાડશે. હવે રિયાનો આ શો શુક્રવારે તેની યુટ્યુબ ચૅનલ પર ઑન-ઍર થવાનો છે. શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. એમાં આમિરને રિયા પૂછે છે કે તમે જ્યારે અરીસામાં પોતાને જુઓ તો એમ વિચાર આવે કે હું કેટલો હૅન્ડસમ છું. એનો જવાબ આપતાં આમિર કહે છે, ‘મને એવું લાગે છે કે શાહરુખ ખાન, સલમાન ખાન અને હૃતિક રોશન ખરેખર સારા દેખાય છે. લોકો તો મારાં કપડાંની મજાક ઉડાવે છે. લોકો એમ કહે છે કે યે પતા નહીં ક્યા પહનકે આ જાતા હૈ. મુઝે ફિલ્મોં સે હટના હૈ.’
આ સાંભળીને રિયાને વિશ્વાસ નથી બેસતો અને તે કહે છે કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવીએ અને એની વાત પર તો આમિર પણ હા પાડે છે.

