આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ માટે તૈયાર છે ત્યારે એ ફિલ્મની પ્રમોશન-ઇવેન્ટમાં આમિરે દીકરાની સફળતા માટે સ્મોકિંગ છોડી દેવાની જાહેરાત કરીને લોકોનાં દિલ જીતી લીધાં
‘લવયાપા’ ૭ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે
આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ માટે તૈયાર છે ત્યારે એ ફિલ્મની પ્રમોશન-ઇવેન્ટમાં આમિરે દીકરાની સફળતા માટે સ્મોકિંગ છોડી દેવાની જાહેરાત કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે. આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચમાં આમિરે જણાવ્યું હતું કે ‘મેં હવે સ્મોકિંગ છોડી દીધું છે. સાચી વાત તો એ છે કે સ્મોકિંગ મને ખૂબ ગમતું હતું અને એ મામલે ખોટું બોલવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. હું આટલાં વર્ષોથી સિગારેટ પીતો હતો અને એ પછી પાઇપ પીતો હતો. તમાકુને હું એન્જૉય કરું છું, પણ મને ખબર છે કે એ સ્વાસ્થ્ય માટે જરાય સારું નથી. કોઈએ સ્મોકિંગ ન કરવું જોઈએ.’
સ્મોકિંગ છોડવાના પોતાના નિર્ણય વિશે આમિરે જણાવ્યું કે ‘મને એ કહેતાં ખૂબ આનંદ થાય છે કે મેં મારી આ ખરાબ આદત છોડી દીધી છે. જેઓ સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે તેમને પણ હું કહીશ કે કૃપા કરીને સ્મોકિંગ છોડી દો. આ સારી આદત નથી. મને તો આ છોડવા માટે સારું કારણ મળી ગયું છે. મને લાગ્યું કે મારા દીકરાની કારકિર્દી શરૂ થઈ રહી છે એથી મેં મારા મનમાં મન્નત (માનતા) લીધી અને દીકરાની સફળતા માટે મારા મનગમતા સ્મોકિંગને ન્યોછાવર કરી દીધું.’
ADVERTISEMENT
આમિરે પોતાની મન્નત વિશે જણાવતાં કહ્યું કે ‘હવે આ ફિલ્મ ચાલે કે ન ચાલે તો પણ એક પિતા તરીકે મેં મારા હૃદયમાં પ્રતિજ્ઞા લઈ લીધી છે કે હું સ્મોકિંગ છોડી દઈશ અને હું આશા રાખું છું કે બ્રહ્માંડમાં ક્યાંક આનાથી કંઈક પરિવર્તન થાય. મારા દીકરા માટે દુઆ કરજો.’
જુનૈદ અને ખુશીની બીજી ફિલ્મ
આમિર ખાનના દીકરા જુનૈદ ખાને ફિલ્મ ‘મહારાજ’થી પોતાના અભિનયની શરૂઆત કરી છે. આ ફિલ્મ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ‘લવયાપા’ની હિરોઇન ખુશી કપૂરે પણ ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનય અને OTT ડેબ્યુ કર્યું છે. અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત ‘લવયાપા’ ૭ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.