જાહેર કર્યું કે સિતારે ઝમીન પરનો ક્લાઇમૅક્સ વડોદરામાં શૂટ થશે
આમિર ખાન
પ્રજાસત્તાક દિન નિમિત્તે આમિર ખાને ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી સામે ત્રિરંગાને સલામી આપી હતી અને ત્યાર બાદ રાષ્ટ્રગીત ગાયું હતું. મુલાકાત બાદ આ સ્થળનાં વખાણ પણ કર્યાં હતાં અને દેશવાસીઓને આ સ્થળની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. આમિરે જણાવ્યું હતું કે ‘પ્રજાસત્તાક દિવસ મારા માટે ખૂબ ખાસ દિવસ હતો અને મને ખરેખર અહીં આવીને મજા પડી છે. આ ખરેખર અસાધારણ જગ્યા છે અને હું બધા લોકોને અહીં મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરું છું.’
સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે તેણે પોતાના આગામી પ્રોજેક્ટ ‘સિતારે ઝમીન પર’ વિશે વાત કરતાં માહિતી આપી હતી કે આ ફિલ્મનો ક્લાઇમૅક્સ વડોદરામાં શૂટ કરવામાં આવશે. ‘સિતારે ઝમીન પર’ એ આમિરની જ સુપરહિટ ‘તારે ઝમીન પર’ની સીક્વલ છે. ‘સિતારે ઝમીન પર’માં આમિર ખાન ૧૬ વર્ષ પછી ‘તારે ઝમીન પર’માં ઈશાનનો રોલ કરનાર દર્શિલ સફરી સાથે કામ કરશે. આમિર ખાનનું પ્લાનિંગ ૨૦૨૫ની નાતાલ વખતે આ ફિલ્મ રિલીઝ કરવાનું છે.
ADVERTISEMENT
ગુજરાત સાથેનો નાતો
ગુજરાત સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતાં આમિરે જણાવ્યું હતું કે ‘હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાની અનેક ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું અને એ સમયે હું તેમની સાથે ઘણી વખત ગુજરાત આવ્યો હતો. એ સમયની ઘણી યાદ હજી મારા મનમાં સચવાયેલી છે. એ સમયના વડોદરામાં અને અત્યારના વડોદરામાં ઘણો ફરક છે. હવે તો વડોદરામાં ઘણી લક્ઝુરિયસ ઇમારતો છે અને રસ્તાઓની હાલત પણ સારી છે. હું જ્યારે પહેલી વખત વડોદરા આવ્યો હતો ત્યારે મારી ઉંમર ૧૨ વર્ષની હશે. ત્યારના અને અત્યારના વડોદરામાં ઘણો તફાવત છે.’

