ઑસ્કર અવૉર્ડ માટેના પ્રચાર-અભિયાન અંતર્ગત આમિરે નામ બદલ્યું પોતાની ફિલ્મનું
લૉસ્ટ લેડીઝ
આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે તેમની ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું નામ બદલીને ‘લૉસ્ટ લેડીઝ’ કરી નાખ્યું છે. આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર નવા શીર્ષક સાથેનું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. ‘લાપતા લેડીઝ’ને ઑસ્કર અવૉર્ડ્સ માટેની બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ કરવામાં આવી છે. ઑસ્કર અવૉર્ડ માટે ફિલ્મને પ્રમોટ કરવા માટે રીતસર અભિયાન ચલાવવું પડે છે અને એના ભાગરૂપે જ એનું ટાઇટલ બદલવામાં આવ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે એ વધુ પ્રસ્તુત લાગે. અમેરિકા સ્થિત ભારતના વિશ્વવિખ્યાત શેફ વિકાસ ખન્નાએ તાજેતરમાં ન્યુ યૉર્કમાં બંગલો નામની પોતાની રેસ્ટોરાંમાં ઑસ્કર અવૉર્ડ માટેના કૅમ્પેનના ભાગરૂપે જ ‘લૉસ્ટ લેડીઝ’નું સ્ક્રીનિંગ રાખ્યું હતું.