લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાનો દોષ પોતાને આપીને આમિર ખાને કહ્યું...
ફાઇલ તસવીર
આમિર ખાને ૨૦૨૨માં રિલીઝ થયેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતાનો દોષ પોતાને આપ્યો છે. તેનું કહેવું છે કે તેનો પર્ફોર્મન્સ સારો નહોતો એને કારણે ફિલ્મ સારી ચાલી નહીં. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ફિલ્મ ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક હતી. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લૉપ થવા વિશે આમિર કહે છે, ‘‘લાલ સિંહ ચઢ્ઢા’ જ્યારે સારી ચાલી નહીં તો મને મોટો ધક્કો લાગ્યો હતો. ઓરિજિનલ ખૂબ સફળ થઈ હતી. એનું રાઇટિંગ મેઇનસ્ટ્રીમ માટે નહોતું, પરંતુ ટૉમ હૅન્ક્સનો પર્ફોર્મન્સ ખૂબ સરસ હતો. મારા પર્ફોર્મન્સને કારણે ફિલ્મ પડી ભાંગી. મારો પર્ફોર્મન્સ સારો નહોતો. એમાંથી હું ઘણુંબધું શીખ્યો છું. આશા છે કે આગામી ફિલ્મમાં મારો પર્ફોર્મન્સ સુધરી જાય.’
૨૦૧૮માં તેની ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ પણ સારી નહોતી ચાલી. એને લઈને આમિર કહે છે, ‘જ્યારે ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ બની ત્યારે તો મને પણ એ નહોતી ગમી. મેં એ વિશે આદિત્ય ચોપડા સાથે પણ ચર્ચા કરી હતી. જોકે એ ટીમવર્ક હતું. એમાં અમારી ભૂલ થઈ ગઈ હતી.’
ADVERTISEMENT
ફિલ્મો છોડવાનો ફેંસલો લેતાં કિરણ ખૂબ રડી હતી : આમિર
આમિર ખાને જ્યારે ફિલ્મો છોડવાનો નિર્ણય તેની એક્સ-વાઇફ કિરણ રાવને સંભળાવ્યો તો તે ખૂબ રડી હતી. બન્ને ભલે અલગ થઈ ગયાં હોય, પરંતુ સાથે મળીને ફિલ્મો પર કામ કરે છે. ફિલ્મો છોડવાના ફેંસલા પર કિરણનું શું રીઍક્શન હતું એ વિશે આમિર કહે છે, ‘કિરણે કહ્યું કે તું ફિલ્મો માટે બન્યો છે અને જો તું ફિલ્મો જ છોડી દઈશ તો એ લાઇફ અને દુનિયા છોડવા સમાન છે. કિરણ ખૂબ રડી હતી. મેં તેને સમજાવી કે એવું નથી થવાનું. તને કંઈ ગેરસમજ થઈ છે.’