ઍક્ટર રહમાન અને એ. આર. રહમાન સાઢુભાઈ છે. તેમની પત્નીઓ સગી બહેનો છે.
એ. આર. રહમાન, સાયરા બાનુ
જગવિખ્યાત સંગીતકાર અને ગાયક એ. આર. રહમાને તેની મૂળ કચ્છી પત્ની સાયરા સાથે ૨૯ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લેવાની જાહેરાત કરી એ પછી એક ભાવુક પોસ્ટ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખી હતી. એમાં રહમાને લખ્યું હતું કે ‘લગ્નનાં ૩૦ વર્ષની મજલ કાપવાનું અમે ઇચ્છી રહ્યાં હતાં પણ હવે એવું લાગે છે કે દરેક વાતનો કોઈ અદૃશ્ય અંત હોય છે. તૂટેલા હૃદયના ભારથી કદાચ ભગવાનનું સિંહાસન પણ ડોલી જતું હશે. જોકે અમે વિખૂટાં પડી રહ્યાં છીએ એમાં પણ કોઈ અર્થ શોધવાનો પ્રયાસ કરીએ છીએ, પણ ટુકડાઓ કદાચ એમનું યોગ્ય સ્થાન ફરીથી શોધી શકશે નહીં.’
હનીમૂન વખતે પત્નીને એકલી મૂકીને બીજી રૂમમાં મ્યુઝિક કમ્પોઝ કરતો હતો રહમાન
ADVERTISEMENT
સંગીતકાર અને ગાયક એ. આર. રહમાને તેની પત્ની સાયરા સાથે છૂટાછેડા લેવાની જાહેરાત કરી એ પછી તેના એક સગા અને ઍક્ટર રહમાને જણાવ્યું હતું કે એ. આર. રહમાન જ્યારે હનીમૂન પર ગયા હતા ત્યારે પણ મ્યુઝિક કમ્પોઝ કરતા હતા.
ઍક્ટર રહમાન અને એ. આર. રહમાન સાઢુભાઈ છે. તેમની પત્નીઓ સગી બહેનો છે. એ. આર. રહમાન અને સાયરાના છૂટાછેડાની વાત આવતાં ઍક્ટર રહમાનનો સિદ્ધાર્થ કન્નને લીધેલો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે. આ ઇન્ટરવ્યુમાં ઍક્ટર રહમાને સંગીતકારના હનીમૂનની વાત કરતાં કહ્યું હતું કે એ. આર. રહમાનને મ્યુઝિકની સાધના એટલી ગમે છે કે હનીમૂન વખતે પણ સાયરા અને એ. આર. રહમાન અલગ-અલગ રૂમમાં સૂઈ ગયાં હતાં. આ મુદ્દે ઍક્ટર રહમાને કહ્યું હતું કે ‘મને યાદ છે કે જ્યારે તેમનાં લગ્ન થયાં હતાં ત્યારે તેઓ મારી સાળીને હનીમૂન પર હિલ સ્ટેશને લઈ ગયા હતા. મેં સાળીને રાતે ફોન કર્યો ત્યારે રાતે ૧૨ કે ૧ વાગ્યા હશે. તેણે મને પકહ્યું કે હું તો ક્યારની સૂઈ ગઈ છું. મેં પૂછ્યું કે એ. આર. રહમાન ક્યાં છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે મને ખબર નથી. તે બીજી રૂમમાં હતા અને વીણા પ્રૅક્ટિસ કરતા હતા. તેઓ કોઈ મ્યુઝિક કમ્પોઝ કરી રહ્યા હતા. તેઓ આ પ્રકારની વ્યક્તિ છે.’ આ મુલાકાતમાં તેણે વધુમાં કહ્યું કે એ. આર. રહમાન કોઈની સાથે વધુ વાતચીત કરતા નથી, તેઓ અંતર્મુખી છે અને ગૉસિપ કરતા નથી.