હું સેટ પર હંમેશાં ટાઇમ પર પહોંચું છું : વરુણ ધવન
વરુણ ધવન
વરુણ ધવનનું કહેવુ છે કે તે સેટ પર હંમેશાં સમયસર પહોંચી જાય છે. તે ટાઇમની વેલ્યુ સમજે છે. સમયનું પાલન કરતાં તે તેનાં ડૅડી ડેવિડ ધવન પાસેથી શીખ્યો છે. તે ‘કૂલી નંબર 1’માં સારા અલી ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ ૧૯૯૫માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘કૂલી નંબર વન’ની રીમેક છે. એને ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. એની રીમેકને પણ ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનાં સેટ પર સમયસર પહોંચવા વિશે વરુણ ધવને કહ્યું હતું કે ‘કલાકારની લાઇફમાં સમયની ખૂબ કિંમત છે. આજના સમયમાં તો ટાઇમની જ વૅલ્યુ છે અને સાથે જ પ્રોફેશનલિઝમ પણ ખૂબ અગત્યનું છે. તમે પણ ચાહો છો કે લોકો સમયસર પહોંચે અને અન્ય લોકોનાં સમયની પણ તમે કિંમત સમજો. જો હું સમયસર પહોંચવાનું કોઈના પાસેથી શીખ્યો હોઉં તો તે મારા ડૅડી છે. મારા ડૅડી દરેક ઠેકાણે સમય પહેલા પહોંચી જતા હતાં. શૂટનો ટાઇમ જો ૯ વાગ્યાનો રહેતો તો તેઓ ૮ વાગે સેટ પર પહોંચી જતા હતાં. સાથે જ અન્ય લોકો પણ ૯ વાગે આવી જતા હતાં. એથી હું પણ ટાઇમનું ચુસ્તપણે પાલન કરું છું. હું ડિરેક્ટરનો દીકરો હોવાથી એ વાત સમજી શકું છું કે સમયની બરબાદી ન થવી જોઈએ. એથી ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ હોય કે ‘કૂલી નંબર 1’ હોય હું હંમેશાં એ વાતનું ધ્યાન રાખુ છું કે હું સમયસર સેટ પર પહોંચી જાઉં. સાથે જ અન્ય લોકો પણ છે જે એ વાતની ખાતરી રાખે છે કે હું સેટ પર સમયસર પહોંચી જાઉં.’
સમય અને પૈસામાંથી શું વધુ કિમતી છે એ પૂછવામાં આવતા વરુણે કહ્યું હતું કે ‘સમય ખૂબ કિંમતી છે કારણ કે આપણે એ નથી જાણતાં કે આપણી પાસે કેટલો સમય બચ્યો છે. ખરેખર તો સમય બળવાન છે. પૈસા જ બધુ નથી.’
ADVERTISEMENT
વરુણ ધવને ઍસિડ-અટૅક સર્વાઇવર ફૅનમાં જીવવા માટે આશાની કિરણ જગાવી
ઍસિડ-અટૅક સર્વાઇવર ફૅનને વરુણ ધવને વિડિયો મેસેજ મોકલીને જીવન જીવવા માટે આશાની નવી કિરણ આપી છે. વરુણ ધવનની ૧૪ વર્ષની ફૅન મુસ્કાન નેપાળમાં રહે છે. મુસ્કાન ભણવામાં હોંશિયાર હોવાથી તેનાં પર તેની જ સ્કૂલનાં બે છોકરાઓએ ઍસિડથી હુમલો કર્યો હતો. તેનાં ચહેરા પર દાઝનાં ઉઝરડા જોઈને તેણે જીવવાની આશા જ ગુમાવી દીધી હતી. મુસ્કાન વરુણ ધવનની ફૅન છે એ વાતની જાણકારી ક્રિતી સૅનને તેને આપી હતી. મુસ્કાને ક્રિતી સાથે વિડિયો મારફતે વાત કરી હતી. એ દરમ્યાન ક્રિતીને જાણ થઈ હતી કે મુસ્કાન વરુણની ફૅન છે. એથી વરુણે તેને એક વિડિયો મેસેજ મોકલ્યો હતો. વિડિયોમાં તે મુસ્કાનને ભણવા માટે અને જીવનમાં આગળ વધવા માટે તેનું મનોબળ વધારી રહ્યો છે. વિડિયોમાં વરુણ કહી રહ્યો છે કે ‘મુસ્કાન તુ કેમ છે? ક્રિતીએ મને તારા વિશે જણાવ્યું હતું. હું તારી સાથે સંપર્કમાં રહી શકું એથી હું તારા માટે આ વિડિયો મોકલી રહ્યો છું. હું તને કહેવા માગુ છું કે તું આરામ કર અને જલદી જ સ્વસ્થ થઈ જા. મારો વિશ્વાસ છે કે તું ટૂંક સમયમાં તંદુરસ્ત બની જઈશ. મારી ઇચ્છા છે કે તું ફરીથી સ્ટડી શરૂ કરે અને તારા સપનાઓને પૂરા કરે. તને ભણવુ સારુ લાગે છે. એથી ભણવામાં સખત મહેનત કર. તારા પેરન્ટ્સને તારા પર ગર્વ થાય એવુ કામ કર. તું જ્યારે સ્વસ્થ થઈ જાય ત્યારે પ્રયાસ કરજે કે તું મને આવીને મળે. આપણે જરૂરથી મળીશું. આશા રાખુ છું કે આપણે ફૅસ-ટુ-ફૅસ મળી શકીએ. મારા તરફથી તને ભરપૂર પ્રેમ.’