વીર ઝારાને 15 વર્ષ થતાં રાની મુખરજીએ શૅર કરી આ વાત
રાની મુખરજી
રાની મુખરજીએ ‘વીર ઝારા’ સાથે જોડાયેલી બાબત વિશે જણાવ્યું હતું કે ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન યશ ચોપડા કદી પણ મોનિટરમાં નહોતા જોતા. તેમજ ફિલ્મમાં કામ કરવું તેમના માટે ફૂડ ફેસ્ટિવલ જેવું હતું. તેઓ કેમેરા પાછળ ઉભા રહીને ઍક્ટર્સનુ નિરીક્ષણ કરતા હતાં. આ ફિલ્મમાં રાની મુખરજીની સાથે જ શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળી હતી. ‘વીર ઝારા’ ૨૦૦૪ની ૧૨ નવેમ્બરે રિલીઝ થઈ હતી.
ફિલ્મને પંદર વર્ષ થયા હોવાથી એ સાથે જોડાયેલી જાણી-અજાણી બાબતો પર પ્રકાશ પાડતા રાની મુખરજીએ કહ્યું હતું કે ‘હું જ્યારે પણ ‘વીર ઝારા’ વિશે વિચારુ છું તો મારા દિમાગમાં બે બાબતો આવે છે. પહેલી તો એ કે મને યશ ચોપડા સાથે કામ કરવાનું યાદ આવે છે. તેમની સાથે શૂટિંગ કરવુ એ પોતાનામાં જ એક મોટો અનુભવ છે કારણ કે તમે જ્યારે આવા માસ્ટર સાથે કામ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તેઓ કેટલા મહાન વ્યક્તિ હતાં. તેમની મહાનતા એ બાબતનું પણ પ્રમાણ છે કે તેઓ હંમેશાં કેમેરામૅનની પાછળ ઉભા રહીને અમને જોતા હતાં અને શૉટ્સને ઑકે કહેતા હતા. આ વસ્તુ મારા માટે નવી હતી, કારણ કે મેં જેટલા પણ ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે, તેઓ હંમેશાં મોનિટરની એકદમ નજીક બેસતા હતાં.
ADVERTISEMENT
યશ અન્કલ સાથે કામ કર્યા બાદ મને એ વાતનો અહેસાસ થયો કે તેઓ કુશળતાથી ઍક્ટર્સ પાસેથી કામ કઢાવતાં હતાં કારણ કે તેઓ કેમેરાની પાછળ ઉભા રહીને સતત અમારા કામનું નિરીક્ષણ કરતા હતાં. આ નિરક્ષણ બાજ જ તેઓ શૉટ્સને ઑકે કરતા હતા. એ મારા માટે ખરેખર અદ્ભુત હતું. તેઓ એક માત્ર એવા ડિરેક્ટર હતાં જે અમને હંમેશાં ભોજન કરાવતા અને એ વાતની પણ ખાતરી રાખતા હતાં કે અમે બધા ખુશ અને હસતા રહીએ.’
રાની મુખરજી અને શાહરુખ ખાને ‘કુછ કુછ હોતા હૈ’, ‘ચલતે ચલતે’ અને ‘પહેલી’માં ઑન-સ્ક્રીન રોમૅન્સ કર્યો હતો. જોકે ‘વીર ઝારા’ એક માત્ર એવી ફિલ્મ હતી, જેમાં તે શાહરુખની સામે એક દીકરી તરીકે આવતી હતી. શાહરુખે ફિલ્મનાં કેટલાક દૃશ્યોમાં વૃદ્ધનું પાત્ર ભજવ્યું હતું. યશ અંકલ બાદ બીજી વાત શાહરુખને વૃદ્ધ અવતારમાં જોવાની છે. આ વિશે રાની મુખરજીએ કહ્યું હતું કે ‘બીજી બાબત જે મને યાદ આવે છે એ છે શાહરુખને વૃદ્ધના અવતારમાં જોવા, જે અમારા બન્ને માટે ખરેખર વિચીત્ર વસ્તુ હતી. આ ફિલ્મ અગાઉ મેં હંમેશાં તેની સાથે રોમૅન્સ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે મારી સામે એક કાલ્પનિક દીકરી તરીકે જોવાનું હતું. મારે પણ તેને એક પિતાના રૂપમાં જોવાનું હતું. અમારા માટે આ થોડુ અઘરૂ હતું.
શાહરુખ સાથે રોમૅન્સ કરવો સરળ છે. એથી એ પાત્ર ભજવતી વખતે અમે અનેકવાર હસી પડતા હતાં. જોકે આદિત્ય ચોપડા અને યશ અન્કલ એ બાબતથી ચિડતા હતાં કારણ કે તેઓ ઇચ્છતાં હતાં કે અમે શોટ પર ધ્યાન આપીએ, પરંતુ હું અને શાહરુંખ સતત હસી પડતાં હતાં. આ બે વસ્તુ હું હંમેશાં યાદ કરું છું. સાથે જ યશ અન્કલ સાથે પંજાબમાં સમય પસાર કરવો એ પણ મારા માટે યાદગાર રહ્યું છે. પંજાબ એ તેમની જન્મભૂમિ હતી. ત્યાં જ તેમનો ઉછેર થયો હતો. આ ફિલ્મના શૂટિંગનો અનુભવ ખરેખર અવર્ણનીય રહ્યો છે.’
આ પણ જુઓ : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર
‘વીર ઝારા’માં કામ કરવુ એ ફૂડ ફેસ્ટિવલ જેવુ હતું. એવુ જણાવતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘દરરોજ અમને સેટ પર વિવિધ ભોજન મળતા હતાં. આલુ પરાઠા અને સફેદ માખણની મિજબાની અમને દરરોજ મળતી હતી. આ એક ફૂડ ફેસ્ટિવલ જેવુ હતું.’

