ડિરેક્ટર બનવા અનુરાગ બાસુની ઇમલી પડતી મૂકી કંગનાએ
કંગના રનૌત (ફાઈલ ફોટો)
કંગના રનોટે હાલમાં જ તેના મેન્ટર અનુરાગ બાસુની ‘ઇમલી’ હાલપૂરતી પડતી મૂકી છે. તેમણે ‘ગૅન્ગસ્ટર’ અને ‘લાઇફ ઇન અ... મેટ્રો’માં સાથે કામ કર્યું હતું. તેઓ ત્રીજી વાર ‘ઇમલી’માં સાથે કામ કરવાનાં હતાં. જોકે કંગનાએ તેની ડિરેક્ટર તરીકેની પોતાની ફિલ્મને ડિરેક્ટ કરવા માટે આ ફિલ્મ છોડી દીધી છે. આ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે મેં ‘પંગા’ અને ‘ઇમલી’ને સાથે જાહેર કરી હતી ત્યારે અનુરાગની ફિલ્મનું શૂટિંગ ૨૦૧૮ના નવેમ્બરમાં શરૂ થવાનું હતું. જોકે મારે ‘મણિકર્ણિકા...’ને ડિરેક્ટ અને રીશૂટ કરવી પડી હોવાથી મારે ‘ઇમલી’ની તારીખો બદલવી પડી. હું પણ હવે ડિરેક્ટર બનવા પર ધ્યાન આપી રહી છું. આ દરમ્યાન ‘પંગા’નું શૂટિંગ શરૂ થઈ ગયું હોવાથી એ હું છોડી શકું એમ નથી. અનુરાગ અને મેં એ વિશે વાત કરી છે. મને ખૂબ જ દુ:ખ છે, કારણ કે ‘ઇમલી’ દ્વારા હું મારા મેન્ટર અનુરાગ બાસુ સાથે ફરી કામ કરવાની હતી. જોકે હું બે-ત્રણ અઠવાડિયાંમાં મારા ડિરેક્શન હેઠળની ફિલ્મની જાહેરાત કરવાની છું. આ ફિલ્મે મારો ઘણો સમય લીધો છે અને મેં એ અનુરાગને પણ જણાવ્યું હતું. તે મારી પરિસ્થિતિ સમજી શક્યો એની મને ખુશી છે. અમે ફરી સાથે કામ કરીશું, પરંતુ હાલમાં મારું ધ્યાન મારી ડિરેક્ટર તરીકેની ફિલ્મ પર છે.’
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રણબીર કપૂર-આલિયા ભટ્ટ પર આ શું બોલી કંગના? જુઓ ઈન્ટરવ્યુ
કંગના સાથે કામ કરવું મારી નિયતિમાં છે : અનુરાગ બાસુ
કંગના રનોટે ‘ઇમલી’ છોડતાં અનુરાગ બાસુએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં ફરી સાથે કામ કરશે. ‘ગૅન્ગસ્ટર’ અને ‘લાઇફ ઇન અ... મેટ્રો’ બાદ તેઓ ‘ઇમલી’માં ફરી સાથે કામ કરવાનાં હતાં. જોકે કંગનાએ તેની ડિરેક્ટર તરીકેની ફિલ્મને કારણે ‘ઇમલી’ છોડી દીધી છે. આ વિશે વધુ જણાવતાં અનુરાગે કહ્યું હતું કે ‘તેણે ફિલ્મ નથી છોડી. અમે ગયા નવેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા. જોકે ત્યાર બાદ તેની ‘મણિકર્ણિકા...’નું શેડ્યુલ ચેન્જ થઈ ગયું હતું. ત્યાર બાદ હું મારી અન્ય ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો અને તે તેની ‘પંગા’માં વ્યસ્ત હતી. અમારી તારીખોને લઈને ઘણું કન્ફ્યુઝન થઈ રહ્યું છે. જોકે તેની સાથે કામ કરવું મારી નિયતિમાં છે. મને ખાતરી છે કે અમે ફરી સાથે જલદી કામ કરીશું.’

