સેમ સેક્સ રિલેશનશિપને લઈને હું ભારતની ફૅમિલીઝને મેસેજ આપું છું:આયુષ્માન
આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે તેની આવનારી ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ દ્વારા સેમ સેક્સ રિલેશનશિપ વિશે ભારતની ફૅમિલીઝ અને પેરન્ટ્સને મહત્ત્વનો સંદેશ આપી રહ્યો છે. આયુષ્માન પોતાની ફિલ્મો દ્વારા અગત્યના સંદેશ આપતો આવ્યો છે. આનંદ એલ. રાયની ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ગે-સંબંધો પર પ્રકાશ પાડનારી છે. આવા વિષય સાથે કોઈ સુપરસ્ટારે ફિલ્મ કરી હોય એવું બન્યું નથી. આ ફિલ્મ મારફત તે ભારતની LGBTQ (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર ઍન્ડ ક્વેશ્ચનિંગ) કમ્યુનિટી માટે કંઈક પરવિર્તન લાવવા માગે છે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારો જન્મ અને ઉછેર એક નાનકડા શહેરમાં થયો હોવાથી આ સંદર્ભે મને પૂરતી જાણકારી અને સમજ નહોતી. આ ફિલ્મ દ્વારા LGBTQ વિશેના મારા વિચારોમાં પણ વિકાસ થયો છે. આ કમ્યુનિટી સાથે જોડાયેલી અને સમાજમાં ફેલાયેલી ધારણા વિશે ધીમે-ધીમે મને માહિતી મળી હતી. એ જાણીને તો મને ખૂબ આઘાત પણ લાગ્યો હતો.’
સાથે જ ધારા ૩૭૭ને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર આયુષ્માને કહ્યું હતું કે ‘માનવજાતનો જન્મ સમાનતા સાથે થયો છે. તેમની સાથે સમાન વર્તન કરવું જોઈએ. આઝાદ દેશમાં તેઓ કોણ છે, કોને પ્રેમ કરે છે અને તેમની પસંદ શું છે એના વિશે વધુ સવાલો ન કરવા જોઈએ. જોકે દુ:ખની વાત એ છે કે આવું કંઈ પણ થતું નથી. સાથે જ સારો સમાજ વિકસિત કરવાની માત્ર પ્રક્રિયા જ હાથ ધરવામાં આવે છે અને હંમેશાં એના પર કામ ચાલી રહ્યું હોય છે. આપણો દેશ સમય સાથે વિકસિત થયો છે અને ધારા ૩૭૭ પર લીધેલા ઐતિહાસિક નિર્ણયને લઈને હું સુપ્રીમ કોર્ટનો આભારી છું. આ ચુકાદો પસાર કરવામાં આવતાં જ મને મારા દેશ પર ખૂબ ગર્વ થયો હતો.’