ફિલ્મ-રિવ્યુ - દબંગ 3: ચુલબુલ નહીં સોશ્યલ પાન્ડે
દબંગ 3
સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે બૉક્સ-ઑફિસ પર અન્ય કોઈ ફિલ્મ રિલીઝ નથી થતી. ૨૦૧૦માં આવેલી ‘દબંગ’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘દબંગ ૩’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મને પ્રીક્વલ કહેવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં ફિલ્મ ફ્લૅશબૅકમાં જાય છે.
સ્ટોરી-ટાઇમ
ADVERTISEMENT
સલમાન ખાનને ચુલબુલ પાન્ડે અને રૉબિનહૂડ પાન્ડે તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે કઈ રીતે બન્યો એ આ ફિલ્મમાં દેખાડવામાં આવે છે. ફિલ્મની શરૂઆતમાં જ સલમાન એટલે કે ચુલબુલ પાન્ડે ગુંડાઓ પર રેઇડ મારે છે અને એક લાંબી ઍક્શન સીક્વન્સ દેખાડવામાં આવે છે. આ ઍક્શન બાદ સ્ટોરી થોડી આગળ ચાલે છે અને ફિલ્મના વિલન સુદીપ કિચ્ચાની એન્ટ્રી પડે છે. તેની એન્ટ્રી સાથે ફિલ્મ ફ્લૅશબૅકમાં જાય છે. આ સમયે સલમાન ચુલબુલ પાન્ડે કે રૉબિનહૂડ પાન્ડે નહીં, પરંતુ એક સીધોસાદો ધાકડ ચંડ પાન્ડે હોય છે. તે બેરોજગાર હોય છે અને ખુશી (સઈ માંજરેકર)ને જોયા બાદ તેની સાથે લગ્ન કરવા માગતો હોય છે. તેઓ પ્રેમમાં પડ્યા બાદ ખુશી તેને ચુલબુલ નામ આપે છે અને અહીંથી ચુલબુલ પાન્ડેની શરૂઆત થાય છે. સલમાનની સાથે સુદીપ કિચ્ચા એટલે કે બાલી પણ ખુશીના એકતરફી પ્રેમમાં પડે છે. જોકે તેને પ્રેમ ન મળતાં તે ખુશી અને તેની ફૅમિલીનું ખૂન કરી નાખે છે. (આ કોઈ સ્પૉઇલર નથી અને ફિલ્મમાં એવું કંઈ સસ્પેન્સ પણ નથી.) દુઃખનાં વાદળોથી ઘેરાયેલા સલમાનને એક પોલીસ-ઑફિસર મદદ કરે છે અને તે પોલીસમાં ભરતી થાય છે. અહીંથી તે ચુલબુલ પાન્ડે બને છે. ચુલબુલ બન્યા બાદ તે બાલી સાથે બદલો લેવા માગે છે અને આ જ છે ફિલ્મની સ્ટોરી.
ડિરેક્શન અને સિનેમૅટોગ્રાફી
સલમાન ખાનની ‘વૉન્ટેડ’ને ડિરેક્ટ કરનાર પ્રભુ દેવાએ જ ‘દબંગ ૩’ને પણ ડિરેક્ટ કરી છે. પ્રભુ દેવાએ તેનાથી બનતા તમામ એક્સપરિમેન્ટ્સ આ ફિલ્મમાં કર્યા હોય એવું લાગે છે. ડિરેક્શનની દૃષ્ટિએ ફિલ્મમાં ખૂબ જ લોચા છે અને એનું કારણ ફિલ્મની સ્ટોરી પણ છે. ફિલ્મની સ્ટોરીમાં જ પ્રૉબ્લેમ હોવાથી ડિરેક્શનને કારણે પણ ઘડી-ઘડી જમ્પ લાગે છે. ‘દબંગ’, ‘ફૅશન’ અને ‘હિરોઇન’ જેવી ફિલ્મોના સિનેમૅટોગ્રાફર મહેશ લિમયેએ જ આ ફિલ્મની સિનેમૅટોગ્રાફી કરી છે. જોકે ‘દબંગ’ સિરીઝની અત્યાર સુધીની આ સૌથી ખરાબ સિનેમૅટોગ્રાફી છે. તેમ જ આજકાલ બૉલીવુડની ઍક્શન ફિલ્મો એટલે કમ્પ્યુટર ગ્રાફિક્સ ઇમૅજિનરી (CGI) એવું બની ગયું હોય એમ લાગે છે. ફિલ્મના CGIથી લઈને કૅમેરાવર્ક પણ ખૂબ જ કંગાળ છે. સાઉથની ફિલ્મોમાં મહિલાની કમરને લઈને ઑબ્સેશન જોવા મળે છે અને એ આ ફિલ્મમાં પણ જોવા મળશે. સોનાક્ષી સિંહા અને સઈની કમર પર વારંવાર કૅમેરા લઈ જવામાં આવે છે.
સ્ટોરી અને સ્ક્રીનપ્લે અને ડાયલૉગ
સ્ટોરીને પ્રીક્વલ કહેવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં ફ્લૅશબૅક છે. ૧૬૨ મિનિટની આ ફિલ્મમાં કન્ટિન્યુએશન ખૂબ જ કંગાળ છે. સ્ટોરી વારંવાર તૂટતી જોવા મળે છે. આ સ્ટોરી બીજા કોઈએ નહીં, આપણા ભાઈજાને જ લખી છે. આ ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ પ્રભુ દેવા, આલોક ઉપાધ્યાય અને સલમાન ખાને લખ્યો છે. ‘દબંગ’ સિરીઝનો અથવા તો કહો કે સલમાનની અત્યાર સુધીની ફિલ્મોનો આ સૌથી કંગાળ સ્ક્રીનપ્લે હતો. બની શકે કે સલમાને પહેલી વાર હાથ અજમાવ્યો હોવાને કારણે હોઈ શકે. ‘દબંગ’ના ડાયલૉગ ખૂબ જ અસરકારક હતા, પરંતુ અહીં એટલાં જ દર્દનાક છે. ક્લાસ અને માસ, ટી-સ્પૂન, ઢોકતે અને ભોંકતે તેમ જ ઘર તોડા મૈં સર તોડુંગા જેવા વાહિયાત ડાયલૉગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઍક્ટિંગ
સલમાન ખાન તેની લાર્જર-ધૅન-લાઇફ પાત્રો માટે જાણીતો છે. જોકે અહીં તેની વિચિત્ર હરકત થોડા સમય બાદ કંટાળાજનક લાગે છે. શર્ટલેસ તેનો ટ્રેડમાર્ક છે, પરંતુ ફાઇટમાં ઘણાં દૃશ્યોમાં તેના ચહેરાને છુપાવી દેવામાં આવ્યો છે જેથી તેના બૉડીડબલનો ઉપયોગ કર્યો હોય તો નવાઈ નહીં. સઈ માંજરેકરનું પાત્ર સોનાક્ષી સિંહા એટલે કે રજ્જો કરતાં વધુ છે. જોકે તેની પાસે ડાયલૉગ કરતાં નજરો અને ચહેરાનાં એક્સપ્રેશન દ્વારા વધુ કામ કરાવવામાં આવ્યું છે. ‘દબંગ’ જેવી ફિલ્મ દ્વારા નવી હિરોઇનની ઍક્ટિંગ સ્કિલ પારખવી મુશ્કેલ છે, કારણ કે ફિલ્મની દરેક સ્ક્રીનમાં ફોકસ ફક્ત અને ફક્ત સલમાન પર હોય છે. જોકે તેની પાસે જેટલા ડાયલૉગ હતા એના પરથી તેની ડાયલૉગ ડિલિવરી એટલી જામતી નથી. પહેલા બે પાર્ટની જેમ આ ફિલ્મમાં પણ સોનાક્ષી પાસે વધુ સ્ક્રીન-ટાઇમ નથી. તે એકાદ-બે ડાયલૉગ બોલવા, મેલોડ્રામા કરવા અને ગીત ગાવા પૂરતી જોવા મળે છે. બાલીનું પાત્ર ભજવનાર સુદીપ કિચ્ચા ખૂબ જ જોરદાર લાગી રહ્યો હતો, પરંતુ પ્રભુ દેવાએ તેને જોઈએ એટલો ખૂનખાર નથી બનાવ્યો. તેને વધુ સ્ક્રીન-ટાઇમ આપવાની જરૂર હતી. તેમ જ વિલન તરીકે તેને વધુ એક્સપ્લોર કરવો જરૂરી હતો.
મ્યુઝિક
ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે, પરંતુ ગીતો એટલાં જ કંટાળાજનક છે. સ્ટોરીમાં મનફાવે ત્યાં ગીતો મૂકવામાં આવ્યાં છે. આ ગીતો ફક્ત અને ફક્ત ફિલ્મને લાંબી કરવામાં મદદરૂપ છે એ સિવાય એનું ફિલ્મમાં કોઈ કામ નથી. પ્રમોશનલ સૉન્ગ ‘મુન્ના બદનામ હુઆ’ પણ સ્ટોરી સાથે બંધબેસતું નથી. સલમાનની તેની દીકરીની ઉંમરની હિરોઇન વરીના હુસેન સાથેની કેમિસ્ટ્રી જામતી નથી. તેમ જ સલમાનની ઘણી ફિલ્મોનાં ગીતોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્લસ પૉઇન્ટ
સલમાન ખાન અને તેની ઍક્શન.
માઇનસ પૉઇન્ટ
ફિલ્મની લંબાઈથી લઈને એનું કન્ટિન્યુએશન અને ગીતો બધું જ માઇનસ પૉઇન્ટ છે. જરૂર વગરની લાંબી લડાઈ, જરૂર વગરની કૉમેડી સિચુએશન ઊભી કરવાનો પ્રયત્ન વગેરે.
સલમાન કે નામ પે કુછ ભી
સલમાન ખાનની ફિલ્મ હોવાથી કંઈ પણ દેખાડવામાં આવે તો ચાલી જાય એવું ફિલ્મમેકરનું માનવું હોય એમ લાગે છે. ફિલ્મની શરૂઆતમાં સલમાન ગર્લ ટ્રાફિકિંગને અટકાવતો જોવા મળે છે, પરંતુ એ સબ પ્લૉટ જરૂર વગરનો લાગે છે. આ ટ્રાફિકિંગ ડૉલી બિન્દ્રા કરતી હોય છે, પરંતુ તેનું સ્ટોરીમાં આગળ કોઈ પાત્ર જ નથી. સુદીપ કિચ્ચાને સલમાને ખાઈમાં કાર સાથે ફેંકી દીધો હોય છે, પરંતુ તે કેવી રીતે બચી જાય એ દેખાડવામાં નથી આવ્યું. તેમ જ તે બચી ગયો હોય તો તે સલમાન સાથે બદલો લેવા કેમ નથી આવતો? સલમાનને ફક્ત પોલીસની ટ્રેઇનિંગ લેતો દેખાડવામાં આવે છે અને તેને સીધું પોસ્ટિંગ તેના જ ઘર પાસે મળી જાય છે?
સોશ્યલ મેસેજથી ભરેલી ફિલ્મ
ફિલ્મની શરૂઆતમાં સલમાન ગર્લ ટ્રાફિકિંગને અટકાવતો જોવા મળે છે. ત્યાર બાદ તે એ વિશે અને મહિલા બીજી મહિલાનો રિસ્પેક્ટ નથી કરતી એ વિશે લાંબું લચક ભાષણ આપતો જોવા મળે છે. ત્યાર બાદ તે દહેજ વિશે પણ મેસેજ આપે છે. એક તરફ દહેજપ્રથા બંધ કરવાની વાત ચાલી રહી છે ત્યારે સલમાન બીજી તરફ છોકરીના ઘરવાળાને દહેજ આપતો દેખાડવામાં આવે છે. ખરેખર? આ સાથે જ પર્યાવરણ બચાવો, પાણી બચાવો જેવા વારંવાર મેસેજ આપવામાં આવે છે. પાન-માવા ખાઈને ગમે ત્યાં થૂંકવું નહીં. તેમ જ સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવા પણ મેસેજ આપવામાં આવ્યા છે. ક્લાઇમૅક્સના અંતમાં તે બળાત્કાર, મર્ડર અને ઍસિડ અટૅક જેવા મુદ્દા પર પણ ડાયલૉગ બાજી કરતો જોવા મળે છે. આટલું ઓછું હોય ત્યાં એન્ડ-ક્રેડિટમાં પણ તે નોટબંધી વિશે કહેતો જોવા મળે છે. બૉલીવુડની એક મસાલા ફિલ્મમાં આ તમામ મેસેજને મારી મચેડીને બેસાડવામાં આવ્યા છે.
આખરી સલામ
ભાઈના ફૅન્સને ફિલ્મના રિવ્યુથી ફરક નથી પડતો, પરંતુ આ ફિલ્મ જોયા બાદ તેઓ પણ એક વાર કહેશે કે વગર કામના ગીતનો સમાવેશ કરવો જરૂરી છે?

