‘૩ એક્કા’ની ત્રિપુટી કરાવશે ધમાલ : ધીમે-ધીમે આગળ વધતી જુગારની રમતની આસપાસ ફરતી વાર્તામાં મળશે નવા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન
Film Review
‘૩ એક્કા’માં મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી અને યશ સોની (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
ફિલ્મ : ૩ એક્કા
કાસ્ટ : મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, ઇશા કંસારા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા, હિતુ કનોડિયા, ચેતન દૈયા, પ્રેમ ગઢવી, ઓમ ભટ્ટ, રાહુલ રાવલ, તુષારિકા રાજ્યગુરુ
ADVERTISEMENT
લેખક : ચેતન દૈયા, પાર્થ ત્રિવેદી
દિગ્દર્શક : રાજેશ શર્મા
પ્રોડ્યુસર : આનંદ પંડિત, વૈશલ શાહ
રેટિંગ : ૩/૫
પ્લસ પોઇન્ટ : અભિનય, ડાયલોગ્સ, કૅમેસ્ટ્રી, બીજીએમ
માઇનસ પોઇન્ટ : ફિલ્મની ગતી, સ્ક્રીનપ્લે, પ્રિડિક્ટેબલ સ્ટોરી
ફિલ્મની વાર્તા
‘૩ એક્કા’ની વાર્તા ફરે છે ત્રણ ખાસ મિત્રોની આસપાસ. સામાન્ય પરિવારમાંથી આવતો કલરવ ઉર્ફે કલર (મલ્હાર ઠાકર) તેની પૈસાદાર ગર્લફ્રેન્ડ માનસી (કિંજલ રાજપ્રિયા)ના પિતાએ આપેલી ચેલન્જ સ્વીકારે છે અને તેમની પુત્રી સાથે લગ્ન કરવા માટે ત્રણ મહિનામાં ૫૦ લાખ કમાવવાનો જુગાડ કરવામાં લાગી જાય છે. કલરવના બે ખાસ મિત્રો છે. શેરબજાર અને જુગારનો નિષ્ણાત કબીર ઉર્ફે બાબા (યશ સોની) અને પરંપરાગત-સંસ્કારી પરિવારનો નોકરિયાત મિત્ર ભાર્ગવ ઉર્ફે ભૂરિયો (મિત્ર ગઢવી). ઇવેન્ટ મેનેજમેન્ટની નોકરી કરતાં કલરવ માટે આટલી મોટી રકમ ભેગી કરવી શક્ય ન હોવાથી તેઓ એક શક્તિશાળી શાહુકાર (હિતુ કનોડિયા) પાસેથી લોન લે છે, જે વ્યાજ સાથે ચૂકવવાની છે, પરંતુ વ્યાજે લીધેલા પૈસા પણ શેરમાર્કેટમાં ડૂબી જાય છે એટલે ત્રણેય મિત્રો મળીને સાતમ-આઠમને દિવસે જુગાર રમવાનો પ્લાન બનાવે છે. બાબાએ તેની પ્રેમિકા જાહ્નવી (ઈશા કંસારા)ને કયારેય જુગાર નહીં રમવાનું વચન આપ્યું હોય છે, પણ ભાઈબંધને મદદ કરવા માટે તે જુગાર રમવા તૈયાર થઈ જાય છે. જુગારની જગ્યાના જુગાડ માટે ભૂરીયાની સાદી-ભોળી પત્ની કવિતા (તર્જની ભાડલા)ને પણ મિત્રો ફસાવે છે. જુગાર રમીને ઝડપી કમાણી કરવાનો ત્રણેય મિત્રો પ્રયાસ કરે છે, જે કેટલીક આનંદી અને અણધારી ઘટનાઓ તરફ દોરી જાય છે.
પરફોર્મન્સ
ફિલ્મના ૩ એક્કા મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવી ખરેખર એક્કા સાબિત થયા છે. ત્રણેનો અભિનય અને કૅમેસ્ટ્રી જોરદાર છે. મલ્હાર ઠાકર તેની કાયમી અમદાવાદી શૈલીમાં બૉયફ્રેન્ડનું પાત્ર સારી રીતે ભજવે છે. તો જુગારનો બાદશાહ યશ સોનીની અદાઓ અને અભિનય ખરેખર ગમી જશે. ખાસ વાત મિત્ર ગઢવીના કૉમિક ટાઇમિંગ, અભિનય અને એક્સપ્રેશનની કરવી જ રહી. ભૂરિયાનું પાત્ર છેક સુધી મોજ કરાવે છે. કેમિયો કહી શકાય એવા હિતુ કનોડિયાના પાત્રના દરેક ડાગલોગ પર તાળીઓનો ગડગડાટ સંભળાય છે. તો સપોર્ટિંગમાં ચેતન દૈયા, પ્રેમ ગઢવી, ઓમ ભટ્ટ, રાહુલ રાવલ, તુષારિકા રાજ્યગુરુએ પોતાના પાત્રો સુપેરે નિભાવ્યાં છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની સ્ક્રિપ્ટ ચેતન દૈયા અને પાર્થ ત્રિવેદીએ લખી છે. ફિલ્મની વાર્તા બહુ સરસ છે, પણ સ્ક્રીનપ્લે થોડો નબળો છે. પ્રથમ હાફની વાત કરીએ તો, સ્ટોરી અને કૅરેક્ટર બિલ્ડઅપ કરવામાં થોડોક સમય લાગે છે. જોકે, અભિનયને કારણે ધીમો સ્ક્રીનપ્લે ઇગ્નોર કરી શકાય, પરંતુ પ્રથમ હાફમાં શરૂ થયેલી જુગારની બાજી બીજા હાફમાં બહુ લાંબી લાગે છે તેને કારણે ફિલ્મની ગતિ ધીમી પડે છે. બાકી, શરૂઆતથી ફિલ્મની વાર્તા પ્રિડિક્ટેબલ છે. તેમ છતાં અમુક નાના ટ્વિસ્ટ અને ટર્ન દર્શકોનું મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ તમારા મોઢા પર સ્મિત લાવશે અને હા સાથે જ બોલિવૂડની એક સુપરહિટ ફિલ્મની યાદ પણ અપાવશે.
૩ એક્કાનું દિગ્દર્શન રાજેશ શર્માનું છે. મોટાભાગની ફિલ્મની વાર્તા એક પોળમાં આવેલા ઘરમાં જ ફરે છે. સામાન્ય વાર્તાને મજેદાર બનાવવા દિગ્દર્શકે સારો ટચ આપ્યો છે.
મ્યુઝિક
ફિલ્મના બીજીએમની વાત કરીએ તો, કેદાર-ભાર્ગવે મ્યુઝિક આપ્યું છે, જે ખરેખર વાર્તામાં ચાર ચાંદ લગાડે છે. ફિલ્મમાં બે ત્રણ ગીતો છે, પરંતુ આદિત્ય ગઢવી અને ભાર્ગવ પુરોહિતના સ્વરમાં ગાયેલું ‘ટેહુંક’ ગીત હોઠો પર વળગી રહે તેવું છે.
ફિલ્મ જોવી કે નહીં?
‘છેલ્લો દિવસ’ની ત્રિપુટી મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીને ફરીવાર સ્ક્રીન પર એકસાથે મસ્તી કરતાં જોવા માટે થિયેટર સુધી જવું જોઈએ. અને હા… ફિલ્મમાં તમને ‘છેલ્લો દિવસ’ના કેટલાક એક્ટર્સનો કેમિયો સરપ્રાઈઝ પૅકેજમાં મળશે.