મોહબ્બતેં માટે યશજી મારા માટે ફૉગ મશીન પકડીને ઊભા હતા: ફારાહ ખાન
ફારાહ ખાન
ફારાહ ખાનનું કહેવું છે કે તેના માટે એક વાર યશ ચોપડા ફૉગ મશીન પકડીને ઊભા રહ્યા હતા. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ‘મોહબ્બતેં’ને આજે ૨૦ વર્ષ થયાં છે. આ ફિલ્મને આદિત્ય ચોપડાએ ડિરેક્ટ કરી હતી અને એમાં તેના પપ્પા યશ ચોપડા અસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મ વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘મેં ‘મોહબ્બતેં’ પહેલાં ‘દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે’માં ‘રુક જા ઓ દિલ દિવાને’ને કોરિયોગ્રાફ કર્યું હતું. એ ખૂબ જ હિટ રહ્યું હતું. મેં યશરાજ ફિલ્મ્સ માટે ‘દિલ તો પાગલ હૈ’ કરી હતી જેમાં મેં લવ સૉન્ગ ‘ઢોલના’ અને મૂડ સૉન્ગ ‘ભોલી સી સૂરત’ને કોરિયોગ્રાફ કર્યાં હતાં. આદિએ મને જ્યારે કહ્યું કે ‘મોહબ્બતેં’નાં તમામ ગીત મારે કોરિયોગ્રાફ કરવાનાં છે ત્યારે મારી ખુશીનો પાર નહોતો.’
‘જોશ’માં ભાઈ-બહેનના પાત્ર ભજવ્યા બાદ શાહરુખ ખાન અને ઐશ્વર્યા આ ફિલ્મમાં પ્રેમીના રોલમાં જોવા મળવાનાં હતાં. આ વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘આદિએ શું દેખાડવું છે એને લઈને તે ખૂબ જ ક્લિયર હતો અને એથી મને ખૂબ જ મદદ મળી હતી. દરેક સૉન્ગના સ્ક્રીનપ્લે હતા. એને કમ્પોઝ જ એ રીતે કરવામાં આવ્યાં હતાં. પહેલો ઍક્ટ, બીજો ઍક્ટ અને ત્રીજો ઍક્ટ. આદિને જ ખબર હતી કે શરૂઆત કઈ છે, વચ્ચે શું આવશે અને ગીતનો અંત શું છે. અમને એ સમયે કંઈ ખબર નહોતી. ઐશ્વર્યાને શાહરુખ ખાન ઇમૅજિન કરી રહ્યો છે એ પણ અમને નહોતી ખબર. આ ગીતમાં શાહરુખને ઐશ્વર્યાનો આત્મા દેખાતો હતો. આ ગીતનું શૂટિંગ અમે લંડનમાં એકદમ ઠંડી અને વરસાદમાં કર્યું હતુ. ત્યાર બાદ અમે બે ગીત માટે સ્વિટ્ઝરલૅન્ડ ગયા હતા.’
ADVERTISEMENT
યશ ચોપડા વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘દરેક ગીતમાં યશજી સેટ પર હાજર રહેતા હતા. તેઓ આદિને અસિસ્ટ કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ સ્વીટલી ફૉગ મશીન પકડીને ઊભા રહેતા હતા અને જ્યારે ફૉગની જરૂર હોય ત્યારે જ ઑન કરતા હતા. મેં કોઈને એ પહેલાં ફિઝીકલી ફૉગ મશીન લઈને ઊભા રહેતા નહોતા જોયા. તેમ જ એ પહેલી વાર એવું બન્યું હતું કે ફૉગ મશીન ઑપરેટરે મારી ગાળ નહોતી સાંભળી, કારણ કે યશજી ખૂબ જ સુંદર રીતે એ કરી રહ્યા હતા. આ ‘મોહબ્બતેં’ની મારી ખૂબ જ અદ્ભુત યાદ છે.’

