લોકસભાનું ઇલેક્શન હરિયાણાની કર્નાલ સીટ પરથી લડશે એ અફવાનો અંત આણ્યો સંજય દત્તે
સંજય દત્તની તસવીર
સંજય દત્તે સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે તે પૉલિટિક્સમાં એન્ટ્રી નથી કરવાનો. હાલમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે તે કૉન્ગ્રેસ જૉઇન કરવાનો છે અને લોકસભાનું ઇલેક્શન લડશે. તે કૉન્ગ્રેસમાંથી હરિયાણાની કર્નાલ સીટ પરથી ઇલેક્શન લડશે એવી વાતો ચાલી હતી. સંજય દત્તના ફૅમિલી બૅકગ્રાઉન્ડના લીધે તે પૉલિટિક્સમાં જોડાશે એવી ચર્ચા હંમેશાં ચાલતી રહે છે. તેના પિતા સુનીલ દત્ત પણ કૉન્ગ્રેસના સંસદસભ્ય હતા. તેની બહેન પ્રિયા દત્ત પણ કૉન્ગ્રેસની સંસદસભ્ય રહી ચૂકી છે. સંજય દત્ત પોતે પણ ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તે ઇલેક્શન નહોતો લડી શક્યો, પરંતુ તેને પાર્ટીનો જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યો હતો, પરંતુ એ પદ પણ તેણે છોડી દીધું હતું અને પૉલિટિક્સને પણ અલવિદા કહી દીધું હતું. ત્યાર બાદ ઘણી વાર તે જોડોઈ રહ્યો હોવાની ચર્ચા આવી હતી, પરંતુ તે નહોતો જોડાયો. હાલમાં ચાલી રહેલી અફવા પર પૂર્ણવિરામ મૂકતાં સંજય દત્તે ટ્વીટ કર્યું હતું કે ‘હું પૉલિટિક્સમાં જોડાઈ રહ્યો છું એ તમામ અફવાઓનો હું અંત આણી રહ્યો છું. હું કોઈ પાર્ટીમાં નથી જોડાઈ રહ્યો કે નથી ઇલેક્શન લડી રહ્યો. જો હું પૉલિટિક્સમાં જવાનું નક્કી પણ કરું તો સૌથી પહેલો હું હોઈશ જે એના વિશે જાહેરાત કરશે. ન્યુઝમાં હાલમાં મારા વિશે જે ચાલી રહ્યું છે એના પર વિશ્વાસ ન કરવો.’