યુથ પાસે દરેક વાતના જવાબ છે ત્યારે એ જ યુથ માનસિક રીતે પડી ભાંગે એ કેમ?
પ્રતીકાત્મક તસવીર
આજકાલ આયેશા નામની અમદાવાદની એક દીકરીની બહુ વાતો થઈ રહી છે. બને કે મુંબઈના ગુજરાતીઓને તેના વિશે વધારે ખબર ન હોય અને એવું પણ બની શકે કે સોશ્યલ મીડિયા પર જે ઍક્ટિવ હોય તેને આયેશા વિશે ખબર પણ હોય. આયેશા અત્યારે હયાત નથી, એ સહજ તમારી જાણ માટે. આયેશાએ ગયા અઠવાડિયે સાબરમતીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું, પણ જીવન ટૂંકાવતાં પહેલાં તેણે એક વિડિયો બનાવ્યો અને એ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો. અથાક ઉત્સાહ સાથે જીવી રહેલી એ યુવતીના અવાજમાં રહેલો ઉત્સાહ, તેના અવાજમાં રહેલો થનગનાટ અને તેની આંખોમાં રહેલો ઉલ્લાસ ભલભલાના શરીરમાં તાકાત ભરી દે એવો છે અને એ પછી પણ, આ વિડિયો બનાવ્યા પછી તરત જ તેણે સભાનતા સાથે સુસાઇડ કરી લીધું. જીવન જીવવાની અઢળક લાલસા તેના શબ્દોમાં છલકે છે અને એ પછી પણ એ છોકરી મોતની તરફ આગળ વધે છે. મુદ્દો એ છે કે કઈ દિશામાં જઈ રહ્યો છે આપણો સમાજ અને કઈ દિશામાં જઈ રહ્યું છે આ યુથ?
જીવન જીવવા માટે છે, પ્રશ્નોના નિરાકરણ માટે છે અને પ્રશ્ન જન્મતા જ હોય છે નિરાકરણ માટે અને એ પછી પણ એક એવી યુવા જે ભલભલા પ્રશ્નોનું સૉલ્યુશન લાવી શકે એમ છે તે જાતે જ પોતાની જિંદગીનો અંત આણે છે. આ નાસીપાસ માનસિકતાને સૌકોઈએ એક વખત સમજવી જોઈશે. તેના પતિની ભૂલ શું હતી અને તેના પતિએ યુવતીને કેવો માનસિક ત્રાસ આપ્યો એ કાયદાકીય મુદ્દા છે એટલે આપણે એની ચર્ચા અત્યારે નથી કરવી. આપણે એ ચર્ચા પણ નથી કરવી કે તેના પતિનો વાંક છે કે નહીં. વાંક છે, છે અને છે જ; પણ પૉઇન્ટ એ છે કે શું એ યુવતીએ જે પગલું ભર્યું એ ઉચિત હતું ખરું?
ADVERTISEMENT
ના, ના અને ના. સમજવું જોઈશે સૌકોઈએ કે જવાની પ્રક્રિયા બે-ચાર કે છ મિનિટની જ છે, પણ આપણા ગયા પછી પાછળ સૌકોઈએ જીવવાનું છે. આપણે આ રીતે જવાનો નિર્ણય લઈને સૌના જીવનને કેવું દોઝખ બનાવી દઈએ છીએ. જો તમે તમારા પરિવારને પ્રેમ કરતા હો, તમારાં અબ્બુ-પપ્પા, અમ્મી-મમ્મીને ચાહતા હો તો કોઈ એકની ખાતર એ લોકોને આખી જિંદગી રડતાં મૂકીને ન જઈ શકો. ક્યારેય નહીં અને કોઈ કાળે નહીં. પહેલાંના સમયની વાત અને અત્યારના સમયની વાતમાં જમીન-આસમાનનો તફાવત છે. પહેલાં ડિવૉર્સ લેવાની વાત કરવી એ પણ શરમ ગણાતી. હવે એવું નથી રહ્યું ત્યારે લગ્નજીવનના મુદ્દાને તમે જીવન-મરણનો પ્રશ્ન માની લો એ ખરેખર નિંદનીય છે. તમે સૉલ્યુશન લાવો અને આપણે ત્યાં તો ગાઈવગાડીને કહેવાઈ રહ્યું છે કે આપણા યુથ પાસે બધી વાતના જવાબ છે. કઈ વાત સાચી માનવાની. લોકોનો યુથ પ્રત્યે જે વિશ્વાસ છે એ વાતને કે પછી આયેશાએ નાસીપાસ થઈને જે પગલું ભર્યું એ વાતને?
સૉલ્યુશનનો આ સમય છે, નહીં કે નાસીપાસ થવાનો. જવાબ મેળવવાનો આ સમય છે, નહીં કે જવાબ નહીં હોવાની વાતથી ડરવાનો. આયેશાનાં અબ્બુ-અમ્મી અત્યારે ચોધાર આંસુએ રડે છે. તમે પણ રડશો, જો એક વખત સોશ્યલ મીડિયા પર તમે પણ આયેશાનો અંતિમ વિડિયો જોશો તો. જુઓ એક વાર, જરૂરી છે સૌકોઈ માટે.

