ખાસ ચીનને ધ્યાનમાં રાખીને અઢળક સૉફ્ટવેર એવાં બન્યાં છે જે માત્ર અને માત્ર ચાઇનીઝ ભાષામાં બનાવવામાં આવ્યાં છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતીનું પ્રમાણ ઘટ્યું છે. માન્યું અને સ્વીકાર્યું પણ ખરું, પણ એ સ્વીકાર ત્યારે જ વાજબી ગણાશે જ્યારે ગુજરાતી નહીં બોલવા પાછળનું કારણ એને માટેની શરમ ન હોય, એ હોવી પણ ન જોઈએ. અંગ્રેજી ન આવડવામાં જો તમને શરમ ન નડતી હોય તો પછી ગુજરાતી આવડે છે એ વાતમાં ગર્વ શું કામ ન લઈ શકાય? ગુજરાતી માતૃભાષા છે અને માતૃભાષા માટે માન-સન્માન હોવું જ જોઈએ. તમે જ કહો, ક્યારેય તમને તમારી મા માટે શરમ આવે છે ખરી અને ધારો કે આવતી હોય તો ખરેખર તમારે ડૂબી મરવું જોઈએ, પણ એવું જવલ્લેજ બને કે કોઈને પોતાની મા માટે શરમ આવતી હોય. મા માટે શરમ નથી આવતી તો પછી માતૃભાષા માટે શરમ શાની આવે અને આવવી પણ શું કામ જોઈએ? અંગ્રેજી એક ભાષા છે, એવી જ રીતે ગુજરાતી પણ એક
ભાષા છે.
જર્મન, જપાન, અરબી અને એવી અનેક ભાષાઓ છે જે ભાષા માટે સ્થાનિક લોકોને માન છે. તમે કલ્પના કરી શકો ખરા કે ચીનમાં અંગ્રેજી ન આવડતું હોય એવા અઢળક લોકો છે. ખાસ ચીનને ધ્યાનમાં રાખીને અઢળક સૉફ્ટવેર એવાં બન્યાં છે જે માત્ર અને માત્ર ચાઇનીઝ ભાષામાં બનાવવામાં આવ્યાં છે, જેથી ત્યાંની પ્રજા વાપરી શકે. આ તેમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ છે અને આ જ પ્રેમને લીધે અંગ્રેજીના જનકે પણ તેમની સામે ઝૂકવું પડ્યું છે. અંગ્રેજીનો વિરોધ નથી અને એવું કરવું પણ ન જોઈએ. અંગ્રેજી આજે ઇન્ટરનૅશનલ લૅન્ગ્વેજ તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે. જો દુનિયા સાથે અને જમાના સાથે તમારે તાલ મિલાવવો હશે તો એને અવગણી નહીં શકાય. અંગ્રેજી વિના નહીં ચાલે, પણ એના વિના ચાલશે જ નહીં એવું પણ નથી. જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો, જો તમે ગુજરાતી મીડિયમનું એજ્યુકેશન લીધું હોય અને અંગ્રેજીમાં પણ હોશિયાર હો તો પણ કંઈ ખોટું નથી, પણ અંગ્રેજીમાં તમારી કોઈ આવડત નથી, એમાં તમે ક્યાંય પારંગત નથી બન્યા અને માત્ર અને માત્ર ગુજરાતી શરમને લીધે તમે અવગણી રહ્યા છો તો એ બહુ ખોટું છે, ખરાબ છે, શરમજનક છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : શું તમે સંસારસંહિતા જાણો છો : તમારું સંતાન શું બોલે તો તમારે ચેતી જવું જોઈએ?
ભાષા તમને સપનાં આપે છે. ભાષા તમને સમૃદ્ધિ આપે છે અને ભાષા તમને વાચા આપે છે. વાત કહેવાની વાચા અને લાગણી વ્યક્ત કરવાની વાચા. આ વાચાને તમે ક્યારેય અવગણતા નથી. એક વખત વિચારજો કે સ્વરપેટીમાંથી સ્વર ચાલ્યો જાય તો એ તમે સ્વીકારી શકો ખરા? નહીંને, ગુજરાતી તમારી સ્વરપેટીનો સ્વર છે અને એ સ્વર તમે ગુમાવી રહ્યા છો. માની હૂંફ છોડીને ગર્લફ્રેન્ડની બાહોપાશમાં જનારો ક્યારેય સુખી નથી થતો. સુખી થવું હોય તો માની હૂંફ જ મલમનું કામ કરી શકે. ગુજરાતી માની હૂંફ છે અને એનો ઉપયોગ એ માની સમીપ રહેવા સમાન છે. માટે જ કહું છું કે માનો આદર કરજો, અનાદર નહીં. અન્યથા એવી પીડા સહન કરશો કે તમે કલ્પના સુધ્ધાં નહીં કરી હોય.