સુંદર પર્વતીય, કમનીય, વાંકોચૂકો, ઊંચો-નીચો રસ્તો વટાવતાં-વટાવતાં અમે પહોંચ્યા મિલફર્ડ સાઉન્ડ. દસેક કિલોમીટરના અંતરે અગાધ સાગર અને અહીં ૫૫૦૦ ફુટ ઊંચું શિખર, ગજબનાક કુદરતનાં કારનામાંને તસવીરોમાં કંડારવાં હોય તો ન્યુ ઝીલૅન્ડ જવું જ પડે
શ્રી કુદરત શરણમ્ મમ
મિલફર્ડનું શાશ્વત સૌંદર્ય અને માઇટર પીક
હોમર ટનલ પરનું સિગ્નલ લાલ હતું એટલે થોડો પગ છૂટો કરવા બહાર નીકળ્યા. અહીં બરફ પડવાનું શરૂ થઈ ગયું હતું. બરફની શુભ્રતા કાંઈક અલગ જ આભા પ્રસરાવી રહી હતી. અનેક ફોટો લીધા. કાંઈ પણ કહો, બરફની પૃષ્ઠભૂમિ હોય તો ફોટો, જો ફાવે તો, અતિસુંદર રીતે લઈ શકાય છે. થોડી ટિપ્સ આપું. આમ જુઓ તો આંખોને જે સુંદર અને લોભામણું લાગે એ એટલું જ અસરકારક રીતે કૅમેરામાં કંડારવું દરેક વખતે શક્ય હોતું નથી અને એમાં પણ બરફમાં ફોટોગ્રાફી કરવી હોય ત્યારે તો ખાસ. કુદરતી પ્રકાશ, શુભ્ર બરફ પરથી વધારે તીવ્ર રીતે પરાવર્તિત થાય છે એટલે જો થોડો ખ્યાલ ન રાખો તો પ્રકાશ બમણો પરાવર્તિત થઈને ફોટોને ઓવર-એક્સપોઝ કરી નાખે એવી શક્યતા ખરી. આવા ફોટોમાં સામેથી આવતો પ્રકાશ, ચહેરાને થોડો ઘેરો અથવા કહો કે ડાર્ક કરી મૂકે છે. ફોટોગ્રાફીની ભાષામાં કહીએ તો એકદમ જ કડક ફોટો મળતો નથી. આમાં એક ધ્યાન રાખવું કે પોર્ટ્રેટ ફોટોગ્રાફી વખતે વ્યક્તિથી થોડા દૂર જઈને અપૅરચ્યરને (AF) વધારે ખોલી નાખવું એટલે કે f4.5 અથવા f5.6 પર ગોઠવવું અને પછી ચહેરા પર જ ફોકસ કરવું. આ DSLRની વાત છે. વ્યક્તિનો ચહેરો એકદમ ચોખ્ખો આવશે અને પૃષ્ઠભૂમિમાં હિમની ઝાંખી ચાદર જેને ફોટોગ્રાફીમાં ‘બ્લર્ડ’ કહેવાય એવું આવશે. આ બધાં સંયોજનો એક સુંદરમજાનું ચિત્ર ઊપજાવે છે અને ફોટો વધુ સારી રીતે નીખરીને આવે છે. હવે તો મોબાઇલમાં જ એટલા ચડિયાતા કૅમેરા, સૉફ્ટવેર આવે છે કે ઘણી વખત મોબાઇલ ફોટોગ્રાફી SLR ફોટોગ્રાફી કરતાં સુગમ પણ પડે છે અને પરિણામ પણ સારાં આવે છે. આ બન્ને ફોટોગ્રાફીની આવડતની વાત ફરી ક્યારેક. અત્યારે આગળ વધીએ.
એકાદ કિલોમીટર લાંબી હોમર ટનલ શાંતિથી વટાવીને આગળ વધતાં મિલફર્ડ સાઉન્ડ ફક્ત ૧૮ કિલોમીટરના અંતરે જ આવલું છે. સુંદર પર્વતીય, કમનીય, વાંકોચૂકો, ઊંચો-નીચો રસ્તો વટાવતાં-વટાવતાં અમે પહોંચ્યા મિલફર્ડ સાઉન્ડ. પાર્કિંગ લૉટમાં વૅન પાર્ક કરીને ઊતર્યા ત્યાં તો મારી નજર એક બોર્ડ પર પડી અને હું ચોંકી ઊઠ્યો. ઘડિયાળમાં બપોરે ૨.૨૦ દેખાઈ રહ્યા હતા અને છેલ્લી ફેરી, શિયાળાના હિસાબે હતી ૨.૩૦ વાગ્યાની! અરે બાપ રે, ભાગો. મંજયને ભગાવ્યો. જલદી ટિકિટ લઈ લો, નહીં તો રખડી પડીશું. અમે બધાં પણ ઝડપથી ચાલતાં, ભાગતાં મુખ્ય મકાનમાં પહોંચી ગયાં. ટિકિટ-કાઉન્ટર બંધ જ થઈ રહ્યું હતું, પરંતુ અમારા ભાઈસાહેબે ટિકિટ લઈ લીધી હતી. અહીં બેથી ત્રણ પ્રાઇવેટ કંપનીઓને કૉન્ટ્રૅક્ટ આપેલો છે એ બધી કંપનીઓનાં અલગ-અલગ સમયપત્રક હોય છે. શિયાળામાં છેલ્લી ફેરી હતી, સધર્ન ડિસ્કવરી નામની કંપનીની, જેની અમને ટિકિટ મળી હતી. સુંદર મોટુંમજાનું જહાજ હતું. જાણે અમારી જ રાહ જોવાઈ રહી હોય એમ જેવા અમે ગોઠવાયાં કે તરત જહાજ ઊપડ્યું.
ADVERTISEMENT
આ દોઢ કલાક જેવી મુસાફરી હોય છે. સુંદરમજાનું એક માળવાળું જહાજ હતું. લોઅર ડેક પર બેસવાની સગવડ હતી અને અપર ડેક એકદમ જ ખુલ્લો. ફોટોગ્રાફી કરો કે મિલફર્ડનો અદ્ભુત નઝારો જુઓ. બધું જ ખુલ્લું, અમે બધાં પહેલાં નીચે ફર્યાં. બેસવાની ઘણી જ સારી સગવડ હતી, પરંતુ મારો ફોટોગ્રાફર જીવ તલપાપડ થઈ રહ્યો હતો. સુંદર કૅબિન્સ, ખુરસીઓ પણ પીંજરા જેવી લાગતી હતી. મેં ઉપર જવાનું એલાન કર્યું અને બધાની રાહ જોયા વગર અપર ડેક પર સરકી ગયો. ફોટોગ્રાફી એક ‘તકવાદી’ શોખ છે. તક ચૂક્યા અને ક્યારેક જિંદગીભરનો અફસોસ રહી જાય એવું પણ બને, બન્યું છે મારી સાથે, એટલે આમાં કોઈની ભાઈબંધી નહીં, કોઈ સગાવાદ નહીં, એકદમ જ નિઃસ્પૃહ થઈ જવું. કોઈ મારા નથી, હું કોઈનો નથી એ સિદ્ધાંત ફોટોગ્રાફી માટે તો પાળવો જ રહ્યો. નેચર ફોટોગ્રાફીમાં તો ખાસ, ગમે ત્યારે કોઈ પણ તક આવી શકે. કાયમ તૈયાર રહેવું, જાગ્રત રહેવું. સારા ભાવથી ‘સ્વાર્થી’ બનવું. આ એક નિયમ રાખવો. આવું ‘નિર્દોષ સ્વાર્થીપણું’ ક્યારેક અતિશય ફળદાયી નીવડે છે. ચાલો આગળ એટલે કે ઉપર વધીએ.
અપર ડેક પર પહોંચતાં જ મિલફર્ડ તમને જાણે કે ઘેરી વળે છે, બાથમાં લઈ લે છે. આજુબાજુ ઝળૂંબતા પહાડો અને વચ્ચેથી પસાર થતા જળમાર્ગ પર સરકી રહેલી તમારી બોટ. આગળ લખ્યા મુજબ તાસ્માન સાગરમાં વિલીન થતા આ જળમાર્ગની લંબાઈ છે ૧૫ કિલોમીટર અને જ્યાં આ જળમાર્ગનું મુખ ખૂલે છે એ પૉઇન્ટ ડેલ પૉઇન્ટ તરીકે ઓળખાય છે. તાસ્માન સાગર ખેડીને આવો તો ડેલ પૉઇન્ટનો અતિશય સાંકડો પટ્ટો જોઈને અંદર આવેલી વિશાળતાનો કૅપ્ટન કુકની જેમ કોઈને ખ્યાલ પણ ન જ આવે. એક વાર નહીં, ત્રણ ત્રણ વાર આ પ્રવેશદ્વારને અવગણવામાં આવ્યું હતું. આ તો આભાર માનો મા પ્રકૃતિનો કે તોફાનથી બચવા કૅપ્ટન જૉન ગ્રોનોનું જહાજ અહીંથી અંદર પ્રવેશી ગયું અને જગતને મિલફર્ડ મળ્યું. વાહ કુદરત, તારી કરામત! વાતાવરણમાં ઠંડક હતી. આકાશમાં વાદળાં છવાયેલાં હતાં. ખુશનુમા માહોલ. ફોટો લેવાઈ રહ્યા હતા. લેન્સ બદલાઈ રહ્યા હતા ત્યાં જ કોઈકે એક શિખર દેખાડીને કહ્યું, ‘માઇટર પિક.’ આંખો સામે જ લગભગ ૫૫૦૦ ફુટ ઊંચું શિખર દેખાઈ રહ્યું હતું. જરા વિચારો કે દસેક કિલોમીટરના અંતરે અગાધ સાગર અને અહીં ૫૫૦૦ ફુટ ઊંચું શિખર! ગજબની ભૌગોલિક રચના, ગજબનાક કુદરતનાં કારનામાં. આશ્ચર્ય થાય જ થાય. જળધોધ તો વળી સંખ્યાબંધ. આમાં પણ વળી પાછા બે પ્રકાર. બારમાસી અને ઋતુઓ પ્રમાણે રચાતા પ્રપાત. બારમાસી જળપ્રપાતમાં આવે સ્ટર્લિંગ ફૉલ અને લેડી બોવેન ફૉલ. એ બન્ને છે મિલફર્ડના સૌથી વિખ્યાત બારમાસી જળપ્રપાત. અચરજ થાય દરિયાની વચ્ચોવચ ટાપુ, એમાં પાછા આવા હજારો ફુટ ઊંચા પર્વતો અને વળી બારમાસી જળપ્રપાત. મા પ્રકૃતિને સાચા દિલથી પ્રણામ. તમારી નજરો ભરાઈ જાય એવા છૂટક-છૂટક અસંખ્ય પ્રપાતો પણ નજરે ચડે. બપોરે ત્રણ વાગ્યા હતા, પરંતુ જરાય વર્તાઈ રહ્યું નહોતું. અમારી બોટ પાણી પર સરકી રહી હતી. વાતાવરણ એકદમ જ ખુશનુમા. થોડું આગળ વધ્યા અને સામે દેખાતા સ્ટર્લિંગ ફૉલે અમારું ધ્યાન ખેંચ્યું. નજરો પાણીની ધારાને પકડીને ઊંચે... હજી ઊંચે... વધુ ઊંચે... લગભગ ૫૦૦ ફુટની ઊંચાઈએથી નીચે ખાબકતો આ ધોધ, ભવ્યતાનો પર્યાય જોઈ લો. એમાં વળી બોટ નજીક અને નજીક સરકી રહી હતી. કાબેલ ખલાસીઓ પોતાની સમગ્ર કુશળતાનો પરચો આપી રહ્યા હતા. નીચે ધસી આવતો પાણીનો જથ્થો પવનને હિસાબે વિસ્તરણ પામીને અનેક ધારાઓમાં વહેંચાઈને જોશભેર નીચેની ભેખડ પર પછડાઈ રહ્યો હતો. જાણે ભેખડનો ચૂરો કરી નાખવો હોય, કચુંબર કરી નાખવું હોય એટલા જોશથી. નિનાદ જાણે કોઈ શંખનાદ અને ભેખડ પર પછડાઈને ઊઠતી પાણીની આ સિકરો. બોટ રચાતાં જતાં વમળોને અતિક્રમી આગળ અને આગળ પરમ સમીપે જઈ રહી હતી. પ્રવાસીઓ ખુશખુશાલ, કિલકારીઓ સાથે સિકરોમાં ભીંજાઈ રહ્યાં હતાં. ૫૦૦ ફુટ ઉપરથી ધસી આવતી આવી વિપુલ જળરાશિને માણવાની મજા જ કંઈ ઑર છે. આમ ને આમ સરકતાં-સરકતતાં અમને ભીંજવતાં-ભીંજવતાં બોટ આગળ વધતી ચાલી. છેક તાસ્માન સાગરના પ્રવેશદ્વાર એટલે કે ડેલ પૉઇન્ટ સુધી પહોંચી અને પાછી વળી. એ જ સુંદર પવન અને સુંદર નઝારા. પાછાં ફરતાં લેડી બોવેન ફૉલ પણ માણ્યો. કિનારે ઊતર્યાં અને ગાડી તરફ વધ્યાં. વાચકમિત્રો, અહીં એક વાત જરૂરથી લખીશ. મિલફર્ડ દુનિયાની આઠમી અજાયબી હોય એટલું સુંદર તો નથી જ નથી. શ્રીમાન રુડયાર્ડ કિપ્લિંગે કહ્યું અને દુનિયાએ માની લીધું. ઘેલા-ઘેલા થઈ ગયા. ચોમાસામાં આપણા બધાના લાડીલા મહારાષ્ટ્રનું સૌંદર્ય, આ મિલફર્ડ કરતાં પણ ચડી જાય એટલું અલૌકિક હોય છે. જેણે મહારાષ્ટ્ર ચોમાસામાં એક વાર જોઈ લીધું હોય તેઓ આ મિલફર્ડથી પ્રભાવિત ન જ થાય. હું પણ અપવાદ નહોતો. આપણા મુંબઈગરાને પર્વતો, ઝરણાં અને જળધોધની નવાઈ નથી. શ્રીમાન રુડયાર્ડને, મારું ચાલે તો, ચોમાસામાં મહારાષ્ટ્રમાં બોલાવું. ખંડાલા, માળસેજ ઘાટ, કર્જત એ બધાનો વરસાદી વૈભવ દેખાડું અને પછી મહાશયને પૂછું આઠમી અજાયબી વિશે. ખરેખર મિલફર્ડ સાઉન્ડ સરસ છે, સુંદર છે, પરંતુ આઠમી અજાયબી કહી શકો એટલું સુંદર નથી જ નથી. આ મિલફર્ડ ત્રણ નદીઓની ઊપજ છે.
ક્લેડો, આર્થર અને હેરિસન નદીઓ મિલફર્ડમાં વહે છે અને પછી સાગરમાં વિલીન થઈ જાય છે. આમાંની હેરિસન નદીના એક બિંદુ પર મિલફર્ડ ડિસ્કવરી સેન્ટર આવેલું છે. અહીં જ પાણીની નીચેની સૃષ્ટિને માણવા, જાણવા એક અન્ડરવૉટર વેધશાળા પણ બંબાઈ છે. અમે તો મોડાં પડ્યાં હતાં, પરંતુ સમય કાઢીને આ વેધશાળાની મુલાકાત લેવા જેવી ખરી. આમ મિલફર્ડ આપણને મુંબઈગરાને એક વાર ચાલે, પરંતુ આફરીન પોકારી જાવ એવું તો નથી જ. આગળ લખ્યું એમ, આવા બીજા ૬ સાઉન્ડ્સ એટલે કે ફ્યૉર્ડ આવેલા છે આ વિસ્તારમાં. મિલફર્ડથી ત્રણ ગણા લાંબા અને દસ ગણા વિશાળ, સૌથી ઊંડા ‘ડાઉટફુલ સાઉન્ડ’ની વાત પણ એકદમ જ ન્યારી છે. મિલફર્ડથી અનેકગણા સુંદર અને સમૃદ્ધ આ વિસ્તાર સુધી પહોંચવાનો કોઈ ચોક્કસ રસ્તો જ નથી અને એટલે જ આ સાઉન્ડ કટ્ટર કુદરતપ્રેમીઓને આકર્ષે છે. હજી પણ ‘અછૂતા’ રહેલા આ વિસ્તારની મુલાકાતે મિલફર્ડથી દસમા ભાગના પ્રવાસીઓ પણ આવતા નથી. ભૌગોલિક ગૂંથણી લગભગ સરખી, પરંતુ મા પ્રકૃતિની વધારે નજીક એવા આ વિસ્તારની મુલાકાત બાકી રહી મારા ન્યુ ઝીલૅન્ડના ભવિષ્યના પ્રવાસ વખતે. મિલફર્ડ પતાવ્યું અને બહાર નીકળ્યાં ત્યારે લગભગ પાંચ વાગી ગયા હતા અને ઘણા ઓછા પ્રવાસીઓ હવે નીકળવાના બાકી હતા. અમે નીકળ્યાં.
અલગ જ લીલો રંગ ધરાવતા કેઆ (Kea)નો પ્રદેશ. કેઆની સવારી.
હોમર ટનલ વટાવી. શુભ્ર બરફના સથવારે ધવલ સંધ્યાનું સૌંદર્ય કંઈક વિશેષ ખીલી ઊઠ્યું હતું. ગાડી ઊભી ન રાખું તો મારી અંદરનો પ્રવાસી લાજી મરે. આમ પણ ઉતાવળ શું હતી? બ્લૅક આઇસનો હવે ડર નહોતો અને સીધાં હોટેલ પર જ પહોંચવાનું હતું. પહોંચી જઈશું. આવી તક ન છોડાય. ઊતર્યાં. ફોટો લીધા અને જેવા વૅન પાસે પહોંચ્યા, વૅનની બરાબર ઉપર બેઠેલા મહેમાને અમારું ધ્યાન ખેંચ્યું. અમારા બધાના ચહેરા ખીલી ઊઠ્યા. કેઆ નામના પક્ષીએ જાણે અમને આવકારવા એક મીઠો ટહુકો કર્યો. આ એક પ્રકારના ન્યુ ઝીલૅન્ડમાં મળી આવતા પોપટની પ્રજાતિ છે. અતિશય સુંદર એવી આ પ્રજાતિ માણસોની હાજરીથી એટલી બધી ટેવાઈ ગઈ છે કે એને માણસોનો ડર લાગતો જ નથી. અમારી હાજરીથી તો એ હજી વધુ રંગમાં આવી ગયું. અમને તો નવાઈનું જોણું થયું. એને ઉડાડવાના ઘણા પ્રયત્ન કર્યા છતાં ઊડવાનું નામ જ ન લે. એના પણ ફોટો પાડ્યા. અંધારું ઘેરાઈ રહ્યું હતું. ગાડીમાં બેઠાં અને જેવા બધા દરવાજા બંધ થયા કે પક્ષી ઊડી ગયું. એકદમ બિન્દાસ અને મળતાવડાં આ પંખીઓ ન્યુ ઝીલૅન્ડની શાન છે એમ ચોક્કસ કહી શકાય. સાંજ બેસી રહી હતી. મેદાનો આવ્યાં. અનેક પાતળાં વાદળાં જમીનથી લગભગ દસેક ફુટની ઊંચાઈએ પથરાયેલાં હતાં. આ અદ્ભુત નઝારાને કેવી રીતે વર્ણવું? વિશાળ ખુલ્લાં ઘાસિયાં મેદાનો, ૧૦ ફુટની ઊંચાઈએ સ્થિર પાતળાં વાદળનું પોત, ધુમ્મસિયું પારદર્શક પોત. બાજુમાં અથવા પોતની વચ્ચેથી દેખા દેતું કોઈ વૃક્ષ અને છેક પાછળ પર્વતમાળાની પૃષ્ઠભૂમિ. ફરી ઊતરી પડ્યાં. ફોટો લીધા. છોકરાઓએ તો રસ્તા પર બેસીને ફોટો પડાવ્યા. આળોટીને વિડિયો ઉતાર્યા. વાહનો નહીંવત્.
પંદરેક મિનિટ વિતાવી અને નીકળી પડ્યાં. ઘણું લાંબે જવાનું હતું. ડિનર પણ બાકી હતું. જંગલનો રસ્તો પસાર કર્યો. હવે અંધારું બેસી ગયું હતું. લાંબા વળાંકવાળા રસ્તા અને પ્રકાશનો શેરડો પાથરતી આગળ વધતી જતી અમારી વૅન. થોડું ચડાણ આવ્યું, ગાડીએ ડાબો વળાંક લીધો અને ડાબી બાજુના ખુલ્લાં મેદાનોમાંથી પ્રગટ થતો ચંદ્રમા જોઈને બ્રેક્સ લાગી ગઈ અને આ તો વળી પૂર્ણિમા અથવા ચૌદશનો ચંદ્ર. સંપૂર્ણ ગોળ. જાણે મેદાનોનું તળ ભેદીને ઉદય પામી રહેલી લાલિમા. કુદરતપ્રેમી વાચકોને ખબર જ હશે કે ઊગતો ચંદ્રમા ક્યારેય સફેદ કે ધવલ હોતો નથી. ઉદય વખતે લાલાશ ધરાવતો ચંદ્ર જાણે આથમી રહેલી સંધ્યાની લાલાશ ઉધાર લઈને આપણને અભિભૂત કરવા ધીમે-ધીમે એનો જાદુ પ્રસરાવે છે, પ્રગટે છે, ઉત્થાન પામે છે. ચંદ્રની ઊર્ધ્વગતિ જોવા જેવી હોય છે. પહેલાં લાલાશ, પછી થોડી પીળાશ અને પછી ધવલ. નક્કર ધવલ. અત્યારે અમારી આંખો સામે જે ભજવાઈ રહ્યું હતું એ તો હજી તખતા પર ચંદ્રમાનું પદાર્પણ જ હતું. ચંદ્રપ્રકાશથી મેદાનો જીવંત થઈ ઊઠ્યાં. અમારામાંથી કોઈ પણ એવું નહીં હોય જે મંત્રમુગ્ધ બનીને આ કુદરતી પ્રક્રિયાને માણી ન રહ્યું હોય. હું તો એટલો બધો ભાવવિભોર થઈ ગયો હતો કે જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. કૅમેરા પણ યાદ ન આવ્યો. ગાડીમાં બેઠાં, ગાડી ચાલુ કરી ત્યારે કૅમેરા પર ધ્યાન ગયું, પણ અફસોસ. ખેર, ફરી કોઈ વખત. આપણા કચ્છમાં, રાજસ્થાનમાં, સુંદરવનમાં પણ આવા જ ચંદ્રોદયનો સાક્ષી રહ્યો છું.
એક નાનું નગર આવ્યું. ડિનર પતાવ્યું. ઘડિયાળના કાંટા ૮ દેખાડી રહ્યા હતા. ઠંડી લાગી રહી હતી. બધાં ગોઠવાયાં અને હવે નૉન-સ્ટૉપ ક્વીન્સ ટાઉન પહોંચવાનું નક્કી કર્યું. કૉફીનો ગ્લાસ સાથે લીધેલો એ ગોઠવ્યો અન વૅન મારી મૂકી. વાહનોની નહીંવત્ આવન-જાવન. ચાંદનીમાં બધું ખૂબ સુંદર લાગી રહ્યું હતું. ચંદ્રમા હજી નીચે હતો એટલે અનેક વળાંકો પર, ક્યારેક ડાબે તો ક્યારેક સામે, તો વળી જમણે એમ સંતાકૂકડી ચાલી રહી હતી. બધાંની વિકેટ ટપકવા માંડી. ચંદ્રમાની હળવી થપકીની અસર જાણે. છેલ્લી વિકેટ બીનાની પડી. જાગવાની ભલામણ કરીને તેણે પણ નિદ્રાદેવીનું શરણું લીધું. હવે ખરી મહેફિલ જામી. હું, કૉફી, રસ્તો અને મા પ્રકૃતિ. ગજબનું સાંનિધ્ય. મૂક સંવાદ ચાલી રહ્યો હતો. ચોમેર વિખેરાયેલી વિશાળતામાં એક પ્રકાશનું ટપકું લઈને હું જાણે ટહેલવા નીકળી પડ્યો હતો. કોઈ ઉપરથી નઝારો જુએ તો ગાઢા અંધકારમાં, અંધારું ઓઢીને એક શેરડો આગળ વધી રહેલો દેખાય. અંધકારમાંથી પ્રગટીને અંધકારમાં જ વિલીન. ફક્ત એક જ સાતત્ય... શેનું? યાત્રાને સતત પ્રકાશિત રાખતો તેજપૂંજ. ભલે એ પૂંજનું અજવાળું થોડા વિસ્તાર પૂરતું જ સીમિત હોય, પરંતુ સતત ગતિશીલ, કાર્યરત. મનોમંથન આને જ કહેવાયને? ગાડી એકધારી ગતિએ આગળ વધી રહી હતી અને દૂરથી એ ડોકાણું. આભાસ? ના, ના, કોઈ આભાસ નહીં. એ છે જ. હકીકતમાં છે. કૉફીનો ગ્લાસ મુકાઈ ગયો. સ્ટિયરિંગ પર હાથની પકડ સહજ રીતે થોડી તંગ થઈ ગઈ અને હવે કળાયું. ઠંડી વધતાં, રાત પડતાં જ એક મોટું વાદળું નીચે આવી ચડ્યું હતું. રાતવાસો પૃથ્વીની સંગાથે. આજે ગોઠડી માંડવાની નિયત હશે, કદાચ? હેડલાઇટ્સના પ્રકાશમાં ધુમ્મસ ચમકી રહ્યું હતું. ધુમ્મસની આપણને ક્યાં નવાઈ છે? લોનાવલા, નાશિક, મહાબળેશ્વર, ભંડારદરા, માળશેજ ઘાટ... ધુમ્મસ સાથેનો ઘરોબો તો ઘણો જૂનો છે. ચાલો, ન્યુ ઝીલૅન્ડના ધુમ્મસને પણ માણીએ. એક જ ચિંતા હતી. વાદળાની લંબાઈ કળાતી નહોતી. કેટલો વિસ્તાર હશે? કેટલું ગાઢું હશે એનો અંદાજ નહોતો આવી રહ્યો, પણ અહીં ક્યાં છૂટકો જ હતો? કૉફીનો એક ઘૂંટડો ભર્યો. ઊંડો શ્વાસ લીધો અને પ્રવેશી ગયાં. ધાર્યું હતું એટલું ગાઢું નહોતું, પરંતુ ધુમ્મસ હતું.
ફૉગ લાઇટ્સ ચાલુ કરી. થોડી રાહત થઈ. દસેક ફુટની વિઝિબિલિટી હતી એટલે આમ તો વાંધો નહોતો, પરંતુ ગતિ મેં થોડી ઘટાડી નાખી. પાર્કિંગ લાઇટ્સ ચાલુ કરી નાખી એટલે પાછળ કદાચ કોઈ વાહન આવી ચડે તો અમારી હાજરીનો અંદાજ આવી જાય. વાહ, જબરદસ્ત અનુભવ. અમે વાદળામાં જ હતાં. ફૉગ લાઇટ્સના પ્રકાશમાં ધુમ્મસ જાણે ધૂમ્રશેર બની ગયું. વાદળાની કેદ જોઈ લો જાણે. ચારે બાજુથી વીંટળાઈ વળ્યું હતું. મેં મનોમન કિલોમીટર જોઈ લીધા હતા. પંદરેક મિનિટ વીતી હશે. થોડું ધુમ્મસ વધ્યું એટલે સમજાયું કે મધ્યમાં અમારી ગાડી પહોંચી ગઈ છે. પાછળથી એક જોરદાર શેરડો આવ્યો. કોઈ ટ્રક હતી, ૮થી ૧૦ લાઇટ હશે, કદાચ. ધુમ્મસ પણ ચમકી ઊઠ્યું. ટ્રકે મને ઓવરટેક કરીને આગળ ગોઠવાઈ ગઈ. એણે તરત જ પાર્કિંગ લાઇટ્સ ચાલુ કરી. આ એક સાંકેતિક ભાષા છે, જેનો અર્થ મને અનુસરો એવો પણ થાય છે. વૅન એની પાછળ-પાછળ ચલાવ્યા કરી. બીજી લગભગ ૧૫-૨૦ મિનિટ પછી ધુમ્મસ ઓછું થયું અને અમે આરપાર.
હેડલાઇટ્સ ચાલુ-બંધ કરી, ટ્રક-ડ્રાઇવરનો આભાર વ્યક્ત કર્યો અને તે આગળ વધી ગયો. તેને સારથિ કહી શકાય? હું મનોમન વિચારતો રહ્યો. વૅન ચાલતી રહી. વાદળાની લંબાઈ ૨૫ કિલોમીટર જેટલી હશે. રોમાંચની પરાકાષ્ઠા.
વાંધો ન જ આવત, પરંતુ આવા સારથિના સાથથી હામ વધી જાય એ ચોક્કસ. અજાણ્યા દેશમાં, અજાણ્યા રસ્તા પર, અજાણ્યા રાહબર રસ્તો પાર કરાવી દે, કેવો સંયોગ? ગજબનો યોગાનુયોગ. આને જ ઋણાનુબંધ કહેતા હશે. સારથિ કે શામળિયો? ન્યુ ઝીલૅન્ડમાંએ રાતે મને નરસિંહ મહેતા સાંભર્યા, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે...’ શ્રી કુદરત શરણમ્ મમ. ક્વીન્સ ટાઉનનો આખરી દિવસ અને આગલા પડાવ વિશે આવતા અઠવાડિયે.