વિશ્વની વિશાળ ભાષા સંસ્કૃત પાસે ૧૦૨ અબજ, ૭૮ કરોડ, ૫૦ લાખ શબ્દો છે
પ્રતીકાત્મક તસવીર
સંસ્કૃત જ નહીં, સંસ્કૃત સાથે જોડાયેલી અસંખ્ય એવી વાતો પણ આપણે જાણતા નથી જે જાણવી બહુ જરૂરી છે. સંસ્કૃતની કેટલીક વૈજ્ઞાનિક વાતો કહેવાનું શરૂ કરતાં પહેલાં મારે એ કહેવું છે કે એક સમય હતો જ્યારે આ જગતમાં સૌથી વધારે બોલાતી કોઈ ભાષા હતી તો એ સંસ્કૃત હતી. આજે પણ જોઈએ છીએ કે ફિલ્મ અને ટીવી-સિરિયલમાં ભગવાન રામ, કૃષ્ણ, મહાદેવ અને કર્ણ જેવાં પાત્રો હિન્દી કે પછી ચૅનલનું જે ભાષા-માધ્યમ છે એ ભાષામાં વાત કરે છે, પણ હકીકત એ છે કે આ મહાનુભાવો અને દેવોની બોલચાલની ભાષા સંસ્કૃત હતી અને તેઓ સંસ્કૃતમાં જ વાતચીત કરતા અને સંસ્કૃત સાથે જ તેમનો નિર્વાહ ચાલતો.
દરેક ભાષા પાસે પોતાનો શબ્દકોશ હોય છે. ગુજરાતી ભાષાનો શબ્દકોશ ગોંડલના રાજવી ભગવતસિંહજી મહારાજની આગેવાની હેઠળ બન્યો હતો. મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે ગુજરાતીનો એક શબ્દકોશ બને, જે ઇચ્છાને માન આપીને મહારાજાએ એક આખી કમિટી બનાવીને શબ્દકોશની રચનાનું કામ શરૂ કરાવ્યું હતું, જેની એક અલગ સ્ટોરી છે અને જો તક મળશે તો એની પણ વાતો ભવિષ્યમાં કરીશું. અત્યારે આપણી વાત સંસ્કૃત પર થઈ રહી છે. સંસ્કૃતનો કોઈ શબ્દકોશ અત્યારે બજારમાં નથી મળતો અને એ છાપવા માટે પણ કોઈ પ્રકાશક તૈયાર થાય એમ નથી. એનું કારણ છે કે સંસ્કૃત પાસે રહેલું શબ્દભંડોળ. તમે માનશો નહીં, પણ સંસ્કૃત પાસે ૧૦૨ અબજ, ૭૮ કરોડ, ૫૦ લાખ શબ્દો છે. આટલું વિશાળ શબ્દભંડોળ દુનિયામાં એકપણ ભાષા પાસે નથી અને એ વાત માત્ર શાસ્ત્રો દ્વારા જ કહેવાતી નથી, પણ ઑફિશ્યલી આ વાતને ભાષાવિદ્વાનો દ્વારા સ્વીકારવામાં આવી છે. ‘ગલ્ફ ન્યુઝ’ અને ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ જેવાં વિશ્વનાં ખ્યાતનામ અખબારો પણ સ્વીકારી ચૂક્યાં છે કે દુનિયામાં સૌથી વધારે શબ્દો જો કોઈ ભાષામાં પાસે હોય તો એ ભાષા સંસ્કૃત છે. દુબઈના ‘ગલ્ફ ન્યુઝ’એ તો સંસ્કૃતના શબ્દભંડોળની વિશાળતા સમજાવવા માટે લખ્યું હતું કે જો ૧૨ માણસો દરરોજ ૧૬ કલાક સુધી કમ્પ્યુટર પર સંસ્કૃતના શબ્દો ટાઇપ કરવા બેસે તો તેને આ બધા શબ્દો પૂરા કરવામાં ૧૦૦ વર્ષ લાગી જાય.
ADVERTISEMENT
સંસ્કૃતનું અસ્તિત્વ દુનિયાના ૭૮ જેટલા દેશોમાંથી મળ્યું છે. ૪૬થી વધુ દેશોમાંથી મળેલી સંસ્કૃતની મૅન્યુસ્ક્રિપ્ટ પર રિસર્ચ કરવાનું કામ અત્યારે અમેરિકામાં ઑફિશ્યલી ઑલરેડી ચાલી રહ્યું છે, જેનો પહેલો રિપોર્ટ ગયા વર્ષે નાસાએ પબ્લિશ કર્યો. નાસાએ આપેલા રિપોર્ટ મુજબ મળેલા એ સંસ્કૃત સાહિત્યમાંથી અનેક નવાં રિસર્ચ થઈ શકે એમ છે, જેમાંનું એક રિસર્ચ એ પરગ્રહવાસીઓ પરનું છે. આ સંસ્કૃતની તાકાત છે અને આપણે આ તાકાતવર ભાષાને કોરાણે મૂકીને બેસી ગયા છીએ. બેસી ગયા છીએ અને અંગ્રેજી પાછળ લાળ ટપકાવતા ભાગી પણ રહ્યા છીએ. અંગ્રેજી સામે મારો કોઈ વિરોધ નથી, હોવો પણ ન જોઈએ, પણ સંસ્કૃત સામેના દુર્લક્ષનો વિરોધ તો અચૂક છે અને એ હોવો પણ જોઈએ. સંસ્કૃત એક જોરૂકી ભાષા છે અને આ જોરૂકી ભાષા વિશે વધુ વાતો કરીશું આપણે આવતી કાલે.