કિંગ ખાનના ક...ક... કિરણવાળા ડાયલૉગને આપણે ત્યાં લોકોએ ખૂબ ચગાવ્યો અને એના થકી જ બોલતી વખતે હકલાતા કે અચકાતા લોકોની હાંસી ઉડાવનારાઓ પણ અઢળક છે.
સ્નેહલ મજુમદાર
કિંગ ખાનના ક...ક... કિરણવાળા ડાયલૉગને આપણે ત્યાં લોકોએ ખૂબ ચગાવ્યો અને એના થકી જ બોલતી વખતે હકલાતા કે અચકાતા લોકોની હાંસી ઉડાવનારાઓ પણ અઢળક છે. જોકે સફળતાના સૂરજને આંબવા માટે વાણીમાં ક્યારેક ઊપસી આવતી આ મર્યાદાનો બેખૌફ થઈને સામનો કરનારા પણ આપણે ત્યાં છે. આજે વર્લ્ડ સ્ટટરિંગ ડે છે ત્યારે મળીએ કેટલાક એવા જ નરબંકાઓને જેમણે વાણીની મર્યાદાને પ્રબળ ઇચ્છાશક્તિથી દૂર કરીને જીવનને વધુ મજબૂતી સાથે જીવી બતાવ્યું છે
ક્યારેક કોઈક સામે બોલતાં અચકાઈ જવાય, પણ એ કંઈ બહુ મોટી વાત નથી જો તમારા ઇરાદા મોટા હોય
ADVERTISEMENT
‘નાની પાલખીવાલાને સ્ટટરિંગનો પ્રૉબ્લેમ હતો અને છતાં તેમણે ભારતના બેસ્ટ ઍડ્વોકેટની સાથે ભારતમાં બેસ્ટ સ્પીકર તરીકેનું માન મેળવ્યું છે. તેમની સ્પીચ એટલી લોકપ્રિય હતી કે બ્રેબર્ન સ્ટેડિયમમાં લાખો લોકો તેમને સાંભળવા ભેગા થતા. વિન્સ્ટન ચર્ચિલ સ્ટૅમર કરતા અને જુઓ કેટલા ગ્રેટ લીડર હતા.’
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની ૨૦૨૩-૨૦૨૬ની કારોબારી સમિતિના અધ્યક્ષ અને સંતૂર વાદનમાં વૈશ્વિક નામના ધરાવતા ઉસ્તાદ સ્નેહલ મજુમદાર વાતને આગળ વધારતાં કહે છે, ‘લગભગ ત્રીજા-ચોથા ધોરણમાં મને સમજાયું કે ક્યારેક હું બોલતાં અચકાઉં છું પણ પછી એ વાતને મેં ક્યારેય મહત્ત્વ નથી આપ્યું. ત્યારે તો એવી અવેરનેસ પણ નહોતી અને મારા કેસમાં મેં જોયું હતું કે અમુક જ લોકોની સામે આવું થતું, એ પણ ખૂબ જ માઇલ્ડ લેવલે. અફકોર્સ, એનાથી મારી જર્નીને કોઈ અસર ક્યારેય નથી થઈ. મારે એ માટે ક્યારેય કોઈની મશ્કરીનો ભોગ પણ નથી બનવું પડ્યું. હું માનું છું કે સ્ટટરિંગનાં કારણો બહુ જ વ્યક્તિગત હોય છે. ઘણી વાર તમારું મગજ ખૂબ તેજ દોડતું હોય અને તમારી જબાન એ સ્પીડ પ્રમાણે ન દોડી શકે તો પણ વ્યક્તિની વાણી અચકાઈ જાય. કોઈને બ્રીધિંગ ઇશ્યુ હોય તો પણ પૂરતો શ્વાસ ન મળતો હોવાથી બોલવામાં હાંફે અને અચકાય. ઘણી વાર ઘરમાં કોઈને જોઈને બાળક શીખે અને સ્ટૅમરિંગ કરે. હું તો સ્કુલ અને કૉલેજમાં સ્પીચ આપતો, મ્યુઝિકના પ્રોગ્રામ કરતો અને બહુ જ ફ્લુઅન્ટ્લી બોલતો. મને પબ્લિક સ્પીકિંગનો ડર તો ક્યારેય રહ્યો જ નથી. અને મિ. બીન વિશે તમને ખ્યાલ હશે. એ શો બન્યો જ હતો તેમની સ્ટૅમરિંગની અવસ્થાને કારણે. ડાયલૉગ નહોતા બોલી શકતા એટલે ઍક્ટરે અરીસામાં જોઈને જુદા જુદા લોકોના ચહેરા બનાવવા ચેનચાળા શરૂ કર્યા અને આપણને મિ. બીન મળ્યા. અહીં તમે તો જ અટકો જો તમારા ઇરાદા કાચા હોય અન્યથા માત્ર વાણીમાં ક્યારેક આવતી સો કૉલ્ડ ત્રુટિને કારણે કોઈને ક્યારેય આગળ વધવામાં તકલીફ ન પડે. એમાંય આજે તો જરાય નહીં જ્યારે ખૂબ બધા પર્યાયો ઊભા થયા છે.’
એક સમયે ટિકિટ લેવા લાઇનમાં ઊભા રહેતા ત્યારે સ્ટેશનનું નામ રટતા અને છતાં અચકાતા એ ભાઈ આજે ઍક્ટિંગ અને ઍન્કરિંગ કરે છે
કાંદિવલીમાં રહેતા ઉમેશ વિંચી સિન્ગિંગ અને ઇવેન્ટ ઑર્ગેનાઇઝિંગમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી ચૂક્યા છે. પોતાના ઍક્ટિંગના શોખને પણ તેમણે જીવ્યો છે પરંતુ એક સમય હતો જ્યારે દરેક વાક્યનો પહેલો અક્ષર બોલતાં જ ઉમેશભાઈ અચકાઈ જતા. નાનપણના એ દિવસોની વાત કરતાં ઉમેશભાઈ કહે છે, ‘મને યાદ છે કે સ્કૂલમાં જ્યારે રીડિંગનો ક્લાસ હોય અને બધાએ એક પછી એક પૅરેગ્રાફ વાંચવાના હોય ત્યારે મારો વારો આવે એ પહેલાં હું મનમાં ફફડતો. મારે શું વાંચવાનું આવશે એની તૈયારીઓ પણ કરી હોય અને છતાં પહેલો અક્ષર બોલું અને અચકાઉં અને આખો ક્લાસ મારા પર હસે. મને યાદ છે એ દિવસો કે લિટરલી બીજા સ્ટુડન્ટ્સ રીતસર મારા ટર્નની રાહ જોતા હોય. એ ડર મારામાં પેસી ગયો હતો કે પબ્લિકલી બહુ બધા લોકોની વચ્ચે મારે બોલવાનું હોય તો હું હકલાતો. એવું જ ટિકિટ લેવા જતો હોઉં ત્યારે પણ થયું છે. ટિકિટની લાઇનમાં ઊભો હોઉં. બોરીવલીથી અંધેરીની રિટર્ન ટિકિટ લેવાની હોય અને હું મારો નંબર ન આવે ત્યાં સુધી મનમાં અંધેરી રિટર્ન બોલવાની પ્રૅક્ટિસ કરતો હોઉં. એ પછીયે જ્યારે મારે ટિકિટ આપનાર ભાઈ સામે બોલવાનું આવે અને હું અં....અં... બોલું અને એ દરમ્યાન મારી પાછળ ઊભી રહેલી વ્યક્તિ મારા પર અકળાય.’
આવા અઢળક અનુભવો પછી એક વાર ઉમેશભાઈએ નક્કી કર્યું કે ગમે તે થાય, હવે હું આને મારી નબળાઈ નહીં બનવા દઉં. એ કિસ્સાને યાદ કરતાં તેઓ કહે છે, ‘મને ઍક્ટિંગનો શોખ હતો અને ઍક્ટિંગમાં તો ડાયલૉગ બોલવાનું મહત્ત્વ હોય અને એમાંય બધાની સામે. મને યાદ છે કે કાન્તિ મડિયાની એક ઍક્ટિંગ વર્કશૉપ જેવું સેશન અટેન્ડ કરેલું જેમાં તેમણે ઍક્ટિંગમાં ડાયલૉગ-ડિલિવરી, આરોહ-અવરોહ જેવી ઘણી બાબતો તેમણે સમજાવી હતી. એ વખતની વાતોનો મારા પર એવો પ્રભાવ પડ્યો કે મેં મનોમન નક્કી કરી લીધું કે હવે તો હું આ સ્ટૅમરિંગ સામે જીત મેળવીને રહીશ. ભલે લોકો હસે તો હસે પણ હું પાછળ નહીં પડું. ખરેખર એવું થયું કે શરૂઆતમાં જ્યારે નાટકોમાં મને રોલ મળતા તો મારા ભાગે ભાગ્યે જ એક-બે ડાયલૉગ આવતા, પણ હું અટક્યો નહીં. એ પછી તો મ્યુઝિક, ઍન્કરિંગ, ઇવેન્ટ્સ જેવું ઘણું કામ કર્યું. મારા બિઝનેસમાં હું ઇન્ડિયન નેવીને અમુક વસ્તુઓની સપ્લાય કરતો. એની મીટિંગમાં પણ નેગોશિએશન વખતે પૂરા આત્મવિશ્વાસ સાથે બેસતો. જે ઉમેશ હકલાતો હતો તેને મેં નજરઅંદાજ કરવાનું શરૂ કર્યું અને અંતે તેની હાર થઈ. હવે હકલાવું શું હોય એ જાણે હું જાણતો જ નથી એ સ્તર પર એનાથી છુટકારો મળી ગયો છે.’
પહેલાં લોકો સિરિયસલી નહોતા લેતા એમ છતાં અટક્યા વિના કામ ચાલુ કર્યું અને પ્રિન્ટિંગ લાઇનમાં કાઠું કાઢ્યું
મીરા રોડમાં રહેતા લલિત પ્રેમારામ કસવાને આજે પણ ઇમોશનલ થઈને કોઈ વાત કરવાની હોય તો ખચકાટ થાય છે, કારણ કે તેમને ડર હોય છે કે અમુક શબ્દો બોલવામાં તેઓ અચકાશે. પ્રિન્ટિંગ લાઇનમાં અગ્રણી સ્થાન બનાવનારા લલિતભાઈની જર્નીમાં પણ ઘણા ઉતારચડાવ આવ્યા જ છે. તેઓ કહે છે, ‘ભણવામાં અવ્વલ હતો પણ છતાં એક્સ્ટ્રૉવર્ટ થવામાં ડર લાગતો એટલે મનની વાત મનમાં દબાવીને રાખતો. બોલવાનું આવે અને એમાં જો અચકાઉં તો લોકો શું વિચારશે એનો ભય હતો, પણ ધીમે-ધીમે એ બાબતોને મહત્ત્વ આપવાને બદલે કરીઅર પર ફોકસ કર્યું. ગ્રાફિક ડિઝાઇનિંગનું ભણ્યો. પોતાનો પ્રિન્ટિંગનો બિઝનેસ ઘરેથી જ શરૂ કર્યો. શરૂઆતમાં એમાં પણ એવું થતું કે કોઈ ક્લાયન્ટ સાથે વાત કરવામાં બોલતાં અચકાય તો લોકો તેને ગંભીરતાથી ન લે. કામ કરાવી લે અને પેમેન્ટ ટાઇમ પર ન આપે, પણ ધીમે-ધીમે તેમનામાં એ પ્રોફેશનલિઝમ આવી જતું હોય છે. અફકોર્સ, ઘણી વાર હું મારા ફ્રેન્ડ્સ કે ફૅમિલી સામે પણ મનમાં કહેવાનું ઘણું હોય પણ કહી નથી શકતો અને એમાં એવું પણ લોકો સમજી બેસે છે કે મારી જ ભૂલ છે, પણ હવે એનેય મેં ઍક્સેપ્ટ કરી લીધું છે. બેસ્ટ રિવેન્જ એ મૅસિવ સક્સેસ છે એ જ ગોલ સાથે હું આગળ વધી રહ્યો છું.’
ઘરેથી જે પ્રિન્ટિંગ બિઝનેસ શરૂ કર્યો હતો એમાં એવો ગ્રોથ થયો કે લલિતે હજાર ફીટની ઑફિસ રાખી છે. એમાં કરોડોનાં મશીન્સ છે અને અલાયદો સ્ટાફ કામ કરે છે. ‘ક’ શબ્દ બોલવાનો હોય ત્યારે વધુ અચકાતા લલિતભાઈ કહે છે, ‘બહુ જ ગુસ્સામાં, બહુ જ એક્સાઇટમેન્ટમાં કે બહુ જ ઇમોશનલ હોઉં ત્યારે ખચકાટ વધુ થાય છે પણ હવે એ વાત મારા નજીકના લોકોને સમજાઈ ગઈ છે અને એટલું જ પૂરતું છે. હું હવે એને લિમિટેશન નહીં પણ મારી સ્ટ્રેન્ગ્થની જેમ જોઉં છું.’
નિષ્ણાત શું કહે છે?
એક જમાનામાં બાળક તોતડું બોલે અથવા બોલતાં અચકાય તો પોપટે એઠું કરેલું પેરુ ખવડાવે અથવા જીભ નીચે તજનો ટુકડો મૂકે એવા તુક્કાઓ થતા. આજે એવું નથી થતું. ઑડિયોલૉજિસ્ટ અને સ્પીચ લૅન્ગ્વેજ પૅથોલૉજિસ્ટ દેવાંગી દલાલ કહે છે, ‘આજના સમયે ઘણી એક્સરસાઇઝ અને બાળકને કાઉન્સેલિંગ કરીને તેને કૉન્ફિડન્ટ કરવાની મેથડોલૉજી આપણી પાસે છે. ત્યારે તો લોકોને આની ખબર પણ નહોતી પડતી. આજે પેરન્ટ્સ પણ ખૂબ અવેર થયા છે. આજે સ્ટૅમરિંગના કેસ પણ વધુ આવે છે. બે મુખ્ય કારણ કહીશ એનાં. ઓવર-ડિમાન્ડિંગ પેરન્ટ્સ અને એને કારણે બાળકમાં આવતી ઍન્ગ્ઝાયટી. બીજી બાજુ લાઇફસ્ટાઇલ પણ બદલાઈ છે. ફૅમિલી નાનાં છે. પેરન્ટ્સ વર્કિંગ છે. બાળપણમાં એકલતા છે એટલે બાળકો સામે એક્સપ્રેશનના પર્યાયો ઘટ્યા છે જેણે આ પ્રકારના સ્પીચને લગતા પ્રૉબ્લેમ્સ વધાર્યા છે. એન્વાયર્નમેન્ટને કારણે બાળકને થતી સાઇકોલૉજિકલ ઇફેક્ટની બિહેવિયર પર પડતી અસર એટલે સ્ટૅમરિંગ. એનાથી બચવાનો સિમ્પલ રસ્તો, બાળકને સમય આપો. તેને આત્મવિશ્વાસ આપો અને તેને અવેરનેસ સાથે બોલતાં શીખવો; એ જતું રહેશે.’