Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઊંચા ઊડતા માનવી માટે ઊંચાં ઘર

ઊંચા ઊડતા માનવી માટે ઊંચાં ઘર

03 September, 2023 12:30 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

માણસની આકાશ આંબવાની ઇચ્છામાંથી પેદા થયેલી ગગનચુંબી ઇમારતો હવે માણસને એક વેંત ઊંચે નહીં, એક કિલોમીટર ઊંચે પહોંચાડી રહી છે ત્યારે જાણીએ વિશ્વભરમાં આવેલી ઊંચી ઇમારતોનું અવનવું

હૉન્ગ કૉન્ગ

World Skyscraper Day

હૉન્ગ કૉન્ગ


સ્કાયસ્ક્રેપર શબ્દ ઊંચાં-ઊંચાં બિલ્ડિંગ્સ માટે જ શોધાયો કે વપરાતો થયો એવું નથી હં. વાસ્તવમાં આ શબ્દ તો ખૂબ જૂનો છે અને બીજા માટે પણ વપરાતો હતો. વાસ્તવમાં આ શબ્દ ૧૮૦૦મી સદીમાં એક લાંબી કે ઊંચી ટોપી માટે અથવા બોનેટ માટે વપરાતો હતો. ત્યાર બાદ ૧૮૫૭માં એ કોઈક વ્યક્તિવિશેષ માટે વપરાયો. જે માણસ ખૂબ લાંબો હોય તેને સ્કાયસ્ક્રેપર કહેતા હતા.


એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, બુર્જ ખલીફા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ક્રિસલર બિલ્ડિંગ, સિયર્સ ટાવર એ બધી વિશ્વપ્રસિદ્ધ ગગનચુંબી ઇમારતો છે. આ બધી ઇમારતો હવે એટલી ઊંચાઈએ પહોંચી ચૂકી છે કે હવે તો એ શહેરોની ઓળખ બની ચૂકી છે. જાણે આપણે અને આપણું જીવન પણ એની સામે વામણું લાગે. બાંધકામ ક્ષેત્રે હવે આપણે એવી સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છીએ કે આ યાદીમાંની એકાદ-બે ઇમારતો પણ જોઈએ તો આપણે આ વિશ્વમાં એ બિલ્ડિંગ સામે કેટલા નાના છીએ એનો એહસાસ થઈ આવે. તો ક્યારેક એથી ઊલટું પણ હોય, આવી ગગનચુંબી ઇમારતો જોઈને કોઈકને એવું પણ લાગે કે મારે પણ જિંદગીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવી છે, આકાશને આંબવું છે. આપણે બધા જાણીએ છીએ કે આવી ઇમારતો બનાવવામાં લાખો-કરોડોનો ખર્ચ થાય છે.



સ્કાયસ્ક્રેપર એટલે કેવું બિલ્ડિંગ?


સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે કઈ ઇમારતને ગગનચુંબી ઇમારત ગણવી? મજાની વાત એ છે કે આ પ્રશ્ન જો તમે ૧૮૦૦ની સદીમાં પૂછ્યો હોત તો કોઈક એમ કહેત કે ‘અલ્યા ૧૦ માળનું બિલ્ડિંગ ખૂબ ઊંચું કહેવાય અને એને સ્કાયસ્ક્રેપર કહેવાય.’ વિશ્વાસ નહીં હોય તો થોડા ભૂતકાળમાં જઈ એક નાનકડો ઇતિહાસ જણાવીએ. ૧૦ માળનું બિલ્ડિંગ બનાવવાનો સૌથી પહેલો વિચાર આશરે ૧૮૬૦-૧૮૭૦ના દાયકામાં જન્મ્યો હતો. ૧૮૭૨ની સાલમાં આ વિશે અનેક મીટિંગ્સ પણ થઈ, પરંતુ કોઈ સકારાત્મક પરિણામ મળ્યાં નહીં. આખરે છેક ૧૮૭૫ની સાલમાં શિકાગોમાં એક ઇમારતને ૧૦ માળની બનાવવાનો નિર્ણય લેવાયો અને વિશ્વમાં સૌથી પહેલું ૧૦ માળનું બિલ્ડિંગ બન્યું છેક ૧૮૮૫ની સાલમાં. જી હા, શિકાગોના ઇલિનૉઇમાં બનેલું ‘હોમ ઇન્શ્યૉરન્સ બિલ્ડિંગ’ એ વિશ્વનું સૌથી પહેલું અને એ સમયનું સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગ હતું. ૪૨ મીટર એટલે કે ૧૩૮ ફુટ ઊંચું એ બિલ્ડિંગ એ સમયે શિકાગો માટે જ નહીં, પણ બીજા સ્ટેટના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને હવે આજે? આજે જો કોઈ આપણને કહે કે ૧૦ માળના બિલ્ડિંગને ‘સ્કાયસ્ક્રેપર’નું વિશેષણ લાગ્યું તો નક્કી આપણે હસી કઢીશું, ખરુંને?

સ્કાયસ્ક્રેપરની કૅટેગરીમાં ગણાવવા માટે પણ જાણે હવે તો કેટલીક મૂળભૂત શરતો આવી ગઈ છે, જેમ કે બિલ્ડિંગ કમસે કમ ૪૦ માળનું હોવું જોઈએ. એ ૧૫૦ મીટર અથવા ૪૯૨ ફીટથી વધુ ઊંચું હોવું જોઈએ. આટલું જ નહીં, એમાં પાછી કેટલીક પેટા-શરતો અને કૅટેગરીઓ પણ છે. જેમ કે ૩૦૦ મીટર એટલે કે ૯૮૪ ફુટ ઊંચી ઇમારતને ‘સુપર ટોલ’ કૅટેગરીમાં મૂકવામાં આવે છે અને ૬૦૦ મીટર અથવા ૧૯૬૯ ફુટ ઊંચાં બિલ્ડિંગ્સને ‘મેગા ટોલ’ બિલ્ડિંગ તરીકે ગણાવવામાં આવે છે. આજે આપણે આટલી મોટી ઇમારતોને સ્કાયસ્ક્રેપર તરીકે ગણાવીએ છીએ. તો એની સામે પેલું ૧૮૮૫નું હોમ ઇન્શ્યૉરન્સ બિલ્ડિંગ આજે શું કહેવાશે?


બનવા જઈ રહી છે એક કિલોમીટર ઊંચી ઇમારત

હજી સુધી તો ૮૨૮ મીટર (૨૭૧૭ ફુટ) ઊંચી બુર્જ ખલીફા જ વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે, પણ એને પાછળ છોડી દે એવું સ્કાયસ્ક્રેપર બનાવવાનું આયોજન સાઉદી અરેબિયામાં ૨૦૨૦ની સાલથી થઈ રહ્યું છે. જેદ્દાહ ટાવર અથવા તો કિંગડમ ટાવર તરીકે પ્રખ્યાત થયેલા આ પ્રોજેક્ટની કુલ ઊંચાઈ કેટલી હશે? ૩૩૦૭ ફુટ. મતલબ કે બુર્જ કરતાં પણ ૫૯૦ ફુટ ઊંચી ઇમારત. હજી વધુ માપિયું વાપરીને કહીએ તો એક કિલોમીટરથી વધુ ઊંચાઈ. સાઉદીની આ ગગનચુંબી ઇમારત બનાવવાનો અંદાજે ખર્ચ છે ૧૨૦ કરોડ ડૉલર! અલબત્ત, હજી એ અન્ડરકન્સ્ટ્રક્શન તબક્કામાં છે અને કેટલાક ટેક્નિકલ અને રાજકારણી મુદ્દાઓને કારણે હૉલ્ટ પર મુકાઈ છે.

હૉન્ગકૉન્ગ સૌથી આગળ

આજે તો હવે વિશ્વનો લગભગ કોઈ દેશ બાકી નથી જ્યાં એકાદ સ્કાયસ્ક્રેપર નહીં હોય. છતાં હૉન્ગકૉન્ગની સરખામણી બીજો કોઈ દેશ કરી શકે એમ નથી. વિશ્વમાં સૌથી વધુ સ્કાયસ્ક્રેપર અહીં બન્યાં છે અને હમણાં સુધી તો આ રેકૉર્ડ હૉન્ગકૉન્ગના નામે જ લખાયેલો છે. હમણાં સુધી કુલ ૩૦૮ જેટલી ગગનચુંબી ઇમારતો હૉન્ગકૉન્ગમાં બની ચૂકી છે.

ત્રણ રેકૉર્ડધારક છે આ બિલ્ડિંગ

આપણને એમ થાય કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ કે લિમ્કા બુક ઑફ રેકૉર્ડ જેવો વિક્રમ બનાવવાનો સિરસ્તો અને એની નોંધ માત્ર સ્પોર્ટ્સ કે બીજી વિશેષ આવડત કે કાબેલિયત માટે જ લેવાતી હશે, પરંતુ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ વિશ્વએ જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી છે. હવે જુઓને વિશ્વનું સૌથી પહેલું સ્કાયસ્ક્રેપર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના નામે ત્રણ-ત્રણ અનોખા રેકૉર્ડ નોંધાયેલા છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ વિશ્વની પહેલી એવી ઇમારત હતી જે ૧૦૦ માળ કરતાં વધુ માળની હતી અને એ પણ આજથી આશરે ૮૩ વર્ષ પહેલાં. આ બિલ્ડિંગને બનાવવામાં માત્ર ૪૧૦ દિવસ લાગ્યા હતા. જ્યારે એની સામે હમણાં સુધી વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ હોવાની જાહોજલાલી જે બુર્જ ખલીફા ભોગવી રહ્યું છે એને બનવામાં કેટલા દિવસ લાગ્યા હશે? ૨૧૮૫ દિવસ. અર્થાત, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ બનતાં લાગેલા સમય કરતાં પાંચ ગણાથી પણ વધુ સમય. અને તો પણ બન્યું તો એમ્પાયર સ્ટેટ કરતાં માત્ર ૨.૧૭ ગણું જ ઊંચું. વળી ૮૩ વર્ષ પહેલાં બનેલું આ સ્કાયસ્ક્રેપર એ બન્યાનાં ૪૦ વર્ષ સુધી વિશ્વની સૌથી ઊંચી ઇમારત તરીકેનો મોભો ભોગવી રહ્યું હતું.

ટોક્યોની મુરાદ પૂરી ન થઈ

વિશ્વની સૌથી ઊંચી ઇમારત જેને આજે આપણે સ્કાયસ્ક્રેપર કહીએ છીએ એ ઘણી બની ચૂકી છે, પરંતુ જે પ્લાનિંગ કે કલ્પના અનુસાર જે સૌથી ઊંચું સ્કાયસ્ક્રેપર બની શક્યું હોત એ વાસ્તવમાં બન્યું જ નહીં અને માત્ર કલ્પનામાં જ રહી ગયું. જી હા, આ વાત સાચી છે. સાલ હતી ૧૯૯૨, સ્થળ હતું ટોક્યો. હા, ટોક્યોમાં બેબલનું ટોક્યો ટાવર તરીકે એક સ્કાયસ્ક્રેપર બનવાનું હતું ૧૯૯૨માં. એમાં ૩૦ મિલ્યન લોકો રહેશે એવું વિચારવામાં આવ્યું હતું અને આ ગગનચુંબી ઇમારત બનાવવાનો ખર્ચ ૩ અન્ડ્રિયાલ્યન (૩ની પાછળ ૨૪ મીંડાં લગાડો ત્યારે જે રકમ થાય એ) જેટલો થવાનો હતો, પણ કમનસીબે એ સ્કાયસ્ક્રેપર ક્યારેય બન્યું જ નહીં.

ઝડપમાં ચાઇના આગળ

તો વળી બીજો એક રેકૉર્ડ ચાઇનાના નામે પણ છે. વિશ્વમાં હમણાં સુધી સૌથી વધુ ઝડપે ચાઇનાએ સ્કાયસ્ક્રેપર બનાવ્યું છે. ૫૭ માળની ગગનચુંબી ઇમારત ઝીણી આંખવાળા એ ચીનાઓએ માત્ર ૧૯ દિવસમાં ઊભી કરી દીધી હતી. આટલી ઝડપે બાંધકામ કરવા માટે ચીનાઓની એ કન્સ્ટ્રક્શન કંપનીએ કુલ ૨૭૩૬ મૉડ્યુલરનો ઉપયોગ કર્યો હતો અને પ્રતિદિન એ લોકો ૩ માળનું કન્સ્ટ્રક્શન કરતા હતા.

એવરેસ્ટને બદલે સ્કાયક્રેપર્સ સર કરવો છે?

આ બધી ઝડપ અને આટલી ઍડ્વાન્સ ટેક્નૉલૉજી જોતાં લાગે છે કે હવે એ સમય દૂર નથી જ્યારે એક-એક ઊંચા પર્વત જેટલી ઊંચી ઇમારતો બનશે. શક્ય છે કે આજે જે રીતે લોકો જિંદગીમાં એક વાર માઉન્ટ એવરેસ્ટ ચડવાનું સપનું સેવે છે અને ચડી શકે તો વિશ્વઆખા સામે ગૌરવથી જાહેરાત કરે છે. એ જ રીતે હવે કેટલાક લોકોને આવાં સ્કાયસ્ક્રેપર્સ ચડવાનું ઝનૂન વળગ્યું છે. ફ્રાન્સનો અલેન રૉબર્ટ કોઈ જ સેફ્ટી મેઝર લીધા વિના બુર્જ ખલીફા સર કરી આવવાનો રેકૉર્ડ ધરાવે છે. ધ ફ્રેન્ચ સ્પાઇડરમૅન તરીકે જાણીતા અલેનભાઈ આવી અનેક ગગનચુંબી ઇમારતો સર કરી આવ્યા છે અને એ માટે તેમને સજા પણ થઈ છે, કેમ કે સ્કાયસ્ક્રેપર્સ પર ચડવાનું ગેરકાનૂની છે.

કેમ આજે સ્કાયસ્ક્રેપર ડે?

તો ૩ સપ્ટેમ્બર એ લુઈ એચ. સુલિવનનો જન્મદિવસ છે. સુલિવનને ગગનચુંબી ઇમારતના પિતામહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે વિશ્વમાં સ્કાયસ્ક્રેપરની ડિઝાઇન સૌથી પહેલાં તેમણે જ બનાવી હતી. તો હવે સુલિવનના જન્મદિને બીજું કંઈ નહીં તો સ્કાયસ્ક્રેપર્સ વિશે કંઈક નવી માહિતી જાણવા મળે તો? ભલે આપણે સ્કાયસ્ક્રેપરમાં રહેતા હોઈએ કે નહીં, આપણે પણ કંઈ ઉજવણી કર્યા જેવું તો લાગે, ખરું કે નહીં?

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2023 12:30 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK