મનોરંજનનાં સાધનોમાં સૌથી પુરાણું જો કોઈ સાધન હોય તો એ રેડિયો છે, પણ દિવસે-દિવસે એ વધુ યંગ બનતો જાય છે. શું છે એનું કારણ અને શું કામ આજની યંગ જનરેશન પણ રેડિયોની ફૅન છે એ જાણવા જેવું છે
પ્રતિકાત્મક તસવીર
‘ઑલમોસ્ટ એક વર્ષથી ઉપર સમય થઈ ગયો છે રેડિયો ઇન્ડસ્ટ્રી છોડ્યાને અને એ પછી પણ કહું છું કે રેડિયોની મજા કંઈક જુદી જ છે અને એ જ કારણ છે કે લિસનર દિવસે-દિવસે વધી રહ્યા છે. એ વાત જુદી છે કે રેડિયોએ જે કામ કરવું જોઈએ એ કામ નથી થઈ રહ્યું પણ એ પ્રોગ્રામિંગ સાઇડનો ઇશ્યુ છે, એનાથી રેડિયોના ઇમ્પોર્ટન્સમાં કોઈ ફરક નથી પડ્યો. ગીતો સાંભળવા માટે અનેક માધ્યમ હોવા છતાં પણ રેડિયોમાં જે સરપ્રાઇઝ તત્ત્વ છે એની મજા કંઈક જુદી જ છે.’
ગુજરાતી આરજેમાં સુપરસ્ટાર સ્તર પર પહોંચેલા આરજે ધ્વનિત રેડિયો વિશે વાત કરતાં-કરતાં આ જે સરપ્રાઇઝ તત્ત્વની વાત કરે છે એ જ વાતને આગળ વધારતાં સાઇકોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘જ્યારે સૉન્ગ્સ સાંભળવાનાં અઢળક માધ્યમો છે એવા સમયે લિસનરને સાઇકોલૉજિકલી ખબર હોય છે કે કયા સૉન્ગ પછી કયું સૉન્ગ આવશે અને એને લીધે તેની મેન્ટલ રિધમ એક ચોક્કસ સાઇકલ પર રહે છે. પણ રેડિયો એ રિધમ તોડે છે. એક સૉન્ગ પછી આવનારા બીજા સૉન્ગમાં સરપ્રાઇઝ અકબંધ રહે છે અને એ સરપ્રાઇઝ જ ક્યાંક ને ક્યાંક બંધાયેલા એક માઇન્ડસેટને ચેન્જ કરવાનું કામ કરે છે, જે તમારો મૂડ પણ બદલે છે. મૂડ બદલાતો રહે એ બ્રેઇન માટે વર્કઆઉટ જેવું છે એટલે નૅચરલી વર્કઆઉટ દરમ્યાન જે ફ્રેશનેસ આવે એ જ ફ્રેશનેસ રેડિયોમાં આવતી હોય છે.’
ADVERTISEMENT
એક સમય હતો કે રેડિયો સાંભળવાને લક્ઝરી કહેવાતી અને એ લક્ઝરી માટે લાઇસન્સ પણ લેવું પડતું. ૧૮૦૦ના અરસામાં ઇન્ટ્રોડ્યુસ થયેલા રેડિયો પર બ્રિટિશ શાસન દરમ્યાન લાઇસન્સ લાગુ કરવામાં આવ્યું અને એ પ્રથા હિન્દુસ્તાની સરકારે પણ આગળ વધારી, જે છેક સિત્તેરના દશકના પૂર્વાર્ધ સુધી ચાલુ રહી. લાઇસન્સ પ્રથા જ્યારે ચરમસીમા પર હતી ત્યારે મનોરંજનનું હાથવગું સાધન માત્ર રેડિયો જ હતું એટલે એ માટે રીતસર લોકો બજેટ બનાવતા અને લાઇસન્સ ખરીદતા, પણ રેડિયો-સેવા ફ્રી થયા પછી રેડિયો પોતાના એક નવા મુકામ પર પહોંચ્યો. એ પછી ટીવી અને ટીવી સાથે આવેલા દૂરદર્શનના કારણે એવું માનવામાં આવતું હતું કે રેડિયોનું આયુષ્ય ખતમ થશે. પણ ના, એ અકબંધ રહ્યું. પર્ટિક્યુલરલી કહેવું હોય તો ફિલ્મ ગીતો અને કૉમેન્ટરીએ રેડિયોને અકબંધ રાખ્યો પણ એ પછી પ્રાઇવેટ ચૅનલનું આક્રમણ થયું અને દુનિયા વધારે ટૂંકી બની. રેડિયોનો વિકાસ થોડો સ્થગિત થયો, પણ સ્થગિત થયેલા એ વિકાસને નવજીવન આપવાનું કામ એફએમ રેડિયો કરી ગયું.
એફએમ થકી બન્યા ફાસ્ટ
એફએમ પર જ્વલંત કારકિર્દી બનાવી ચૂકેલા અને પોતાની રેડિયો જૉકીની કરીઅરની પૉપ્યુલારિટીના કારણે જ ફિલ્મસ્ટાર બની ગયેલા આરજે ધ્વનિત કહે છે, ‘રેડિયોનો એક વર્ગ હતો, પણ એફએમ અને એના રેડિયો જૉકીના કારણે એફએમ તરફ યંગસ્ટર્સ વળ્યા અને રેડિયોને બહુ મોટું બૂસ્ટ મળ્યું એ સ્વીકારવું જ રહ્યું. રેડિયો જૉકીએ પોતાના ફૅન્સ ઊભા કર્યા અને એ ફૅન-ફૉલોઅર્સે ઑનેસ્ટી સાથે રેડિયોને ઇમ્પોર્ટન્સ આપ્યું, જેને કારણે ટીવી અને ઇન્ટરનેટ વચ્ચે પણ રેડિયો અકબંધ તો રહ્યો જ પણ નવેસરથી એ ચલણમાં પણ આવી ગયો.’
રેડિયો પર પોતાની કરીઅર શરૂ કરી ઇન્ડિયાના પહેલા રેડિયો-સુપરસ્ટાર બનનારા અમિન સાયાનીએ એક વાર કહ્યું હતું, ‘રેડિયો ક્યારેય મરશે નહીં, ટેકનોલોજીના આક્રમણને પણ એ સહન કરી ચૂક્યો છે અને દરેક આક્રમણ સમયે રેડિયો વધારે ફોર્સ સાથે બહાર આવ્યો છે એટલે હું કહીશ કે રેડિયો ક્યારેય મરશે નહીં. ટીવીનું આક્રમણ આવ્યું ત્યારે એફએમ સ્ટેશને રેડિયોને બચાવી લીધા તો ઇન્ટરનેટ સમયે મોબાઇલમાં રેડિયોએ પોતાનું સ્થાન બનાવીને જગ્યા અકબંધ રાખી. આવતાં સમયમાં પણ એવું જ બનશે. ટેક્નૉલૉજીના દરેક નવા આક્રમણ સમયે રેડિયો યેનકેન રીતે નવું રૂપ લઈને ફરીથી ઊભો થઈ જશે.’
આ પણ વાંચો: એરો ઈન્ડિયા માત્ર શૉ નથી, ભારતની તાકાત છે : વડાપ્રધાન મોદી
રેડિયો છે મૂડ ચેન્જર
આગળ કહ્યું એમ, રેડિયો પર આવતા સૉન્ગમાં રહેલું સરપ્રાઇઝ એલિમેન્ટ મૂડ ચેન્જ કરવાનું કામ બહુ અસરકારક રીતે કરે છે અને એટલે જ આજે જ્યારે ગીતો સાંભળવા માટે અઢળક ઑપ્શન હોવા છતાં પણ ગીતો સાંભળવા માટે રેડિયો સૌથી સબળ માધ્યમ બની રહ્યો છે અને હવે એને સબળ બનાવી રાખવાનું કામ યંગસ્ટર્સ કરે છે. આર. જે. ધ્વનિત કહે છે, ‘આજનો રેડિયો જૉકી પ્રેઝન્ટર તો છે પણ સાથોસાથ એ કમ્યુનિકેટર બન્યો છે, જેને લીધે એ વાતો એવી રીતે લિસનર પાસે પહોંચે છે જાણે કે કમ્યુનિકેશન ચાલતું હોય. આ કમ્યુનિકેશન યંગસ્ટર્સને એકલતામાંથી દૂર કરે છે અને જાણે કે કોઈ કંપની આપતું સાથે આવતું હોય એવી સ્ટેટ ઊભી થાય છે.’
રેડિયો જૉકીએ પોતાના ફૅન્સ ઊભા કર્યા અને એ ફૅન-ફૉલોઅર્સે ઑનેસ્ટી સાથે રેડિયોને ઇમ્પોર્ટન્સ આપ્યું, જેને કારણે ટીવી અને ઇન્ટરનેટ વચ્ચે પણ રેડિયો નવેસરથી એ ચલણમાં પણ આવી ગયો. - RJ ધ્વનિત
સાઇકોલૉજિસ્ટ ડૉ. વિજય નાગેચા પણ આ જ વાતને કન્ટિન્યુ કરતાં કહે છે, ‘તમે ખુશ હો ત્યારે કોઈની કંપની ન હોય તો ચાલે પણ સ્ટ્રેસફુલ હો એવા સમયે કોઈની કંપની તમને મળે તો એ તમને રિલૅક્સ કરવાનું કામ કરે. રેડિયો જૉકીએ ઘણા કેસમાં એવું કામ કર્યું છે. બીજી વાત, સામાન્ય રીતે વ્યક્તિ જે મૂડમાં હોય એ મૂડનાં સૉન્ગસ પસંદ કરે. અપસેટ હોય ત્યારે સૅડ સૉન્ગ અને દુખી ગીતો તમારી સૅડનેસ વધારવાનું કામ કરે, પણ રેડિયોને તો એવી ખબર નથી એટલે એ તો પોતાના પ્લે-લિસ્ટ મુજબ જ આગળ વધશે. પરિણામે તમારા મૂડને જુદી દિશામાં લઈ જવાનું કામ આપોઆપ રેડિયો કરે છે અને મૂડ-ચેન્જરના રોલમાં આવી જાય છે, જે સરવાળે સારું છે.’
રેડિયો અને આઝાદી
રેડિયો માત્ર મનોરંજનનું સાધન બનીને રહેવાને બદલે સંદેશાવ્યવહારમાં પણ જબરદસ્ત ઉપયોગી હતો તો એક સમય એવો પણ હતો કે દેશના વડા પ્રધાનથી માંડીને દેશ પર શાસન કરનારી બ્રિટિશ સરકાર પણ આ રેડિયોનો ઉપયોગ રાજા-રજવાડાંના સમયમાં પીટવામાં આવતા ઢંઢેરાના ઢોલ તરીકે કરતા.
બ્રિટિશ સલ્તનત સમયે રેડિયો પર કઈ વાત રિલે થશે એની તમામ સત્તા અંગ્રેજોના હાથમાં હતી એવા સમયે સુરત પાસે આવેલા સરસ નામના ગામનાં ઉષા મહેતાએ અન્ડરગ્રાઉન્ડ રહી રેડિયો કૉન્ગ્રેસ નામનું રેડિયો સ્ટેશન ચાલુ કર્યું હતું, જેનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં પણ થતો અને લોકોને આઝાદીની લડતમાં જોડવા માટે પણ કરવામાં આવતો. ૧૯૪૨માં ઉષા મહેતાએ અનઑફિશ્યલી શરૂ કરેલા રેડિયો કૉન્ગ્રેસના મેગાહર્ટ્ઝ પકડી બ્રિટિશ ગવર્નમેન્ટ રેઇડ પાડતી પણ દર વખતે ઉષા મહેતા અને તેમની ટીમ નીકળી જતી. જોકે એક વખત એક ટેક્નિશ્યન ફૂટી જતાં ઉષા મહેતા સહિત કેટલાક લોકો રંગેહાથ પકડાઈ ગયા, જેમાં ઉષાબહેનને ચાર વર્ષની સખત કેદની સજા થઈ અને તેમને યેરવડા જેલમાં રાખવામાં આવ્યાં. બ્રિટિશરો સામે શરૂ થયેલી ચળવળમાં સાવ નવી જ રીતે, રેડિયો દ્વારા હિસ્સેદારી લેવા બદલ આઝાદ ભારતની સરકારે ઉષા મહેતાને પદ્મવિભૂષણથી સન્માનિત પણ કર્યાં.
ચાલીસના દશકમાં પહેલી વાર આઝાદીની લડતમાં રેડિયોનો ઉપયોગ થયો, જેને કારણે રેડિયોનું ઇન્ડિયામાં વેચાણ બે જ વર્ષમાં ઑલમોસ્ટ આઠગણું થઈ ગયું હતું. અચાનક વધતું રેડિયોનું વેચાણ શંકાસ્પદ લાગતાં બ્રિટિશ સરકારે રેડિયો લાઇસન્સ ફી પણ રાતોરાત વધારીને ડબલ કરી નાખી. જોકે એ પછી પણ રેડિયોનું વેચાણ અટક્યું નહીં એટલે અંગ્રેજોએ લાઇસન્સ ફી વધારવાનું ચાલુ રાખી એક જ વર્ષમાં ૬ વખત વધારો કર્યો.

