તમારા અંગત જીવનને કેટલું એક્સપોઝ કરવું જોઈએ એની સમજણનો અભાવ હવે ધીમે-ધીમે વિસ્તરતો જતો હોય એવું સ્પષ્ટ દેખાય છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
દિવસ કેવી રીતે શરૂ થયો અને આખા દિવસમાં શું કર્યું એની વાતો બીજા સાથે શૅર કરવી એ હવે એક પ્રકારનો બિઝનેસ થઈ ગયો છે. આખો દિવસ વિડિયો ઉતાર્યા કરો અને રાત પડ્યે એ વિડિયો એડિટ કરી વ્લૉગ તરીકે યુટ્યુબ પર અપલોડ કરો. જાહેરખબર મળે તો રેવન્યુ થશે અને રેવન્યુ થશે તો ખર્ચ પણ નીકળશે. બસ, આ જ માનસિકતા છે, પણ આ જે માનસિકતા હતી એ કોવિડના લૉકડાઉન દરમ્યાન વાજબી હતી, પણ હવે એવું નથી રહ્યું. હવે તો અનેક લોકોનું આ જ પ્રોફેશન થઈ ગયું છે અને આ પ્રોફેશન સાથે કામ કરનારાઓના મનમાં ૨૪ કલાક વિડિયો જ ચાલ્યા કરે છે. બાએ આજે આ બનાવ્યું અને પત્નીએ આજે આમ કર્યું. બાપુજીએ આજે આ કપડાં પહેર્યાં અને અમારા ટબુડિયાએ આજે પહેલી વાર કેળું ખાધું. હદ છે યાર, શું માંડ્યું છે આ તમે?
તમારા અંગત જીવનને કેટલું એક્સપોઝ કરવું જોઈએ એની સમજણનો અભાવ હવે ધીમે-ધીમે વિસ્તરતો જતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. ઘણાની એવી દલીલ પણ છે કે આ બધું યાદગીરી તરીકે ઊભું થતું જાય છે. ના નહીં, પણ ભવિષ્યની આ યાદગીરીને પબ્લિક વચ્ચે શું કામ મૂકવાની. જો તમને મન થતું હોય કે બા-બાપુજી કે નાનાં બાળકો સાથેની વાતો સલામત રીતે સચવાયેલી રહે તો એ કાર્ય તમે એમ જ કરી શકો છો અને તમે એને માટે લૅપટૉપનો પણ ઉપયોગ કરી શકો છો. અરે, પર્સનલ ડ્રાઇવ પર અપલોડ પણ કરી શકો છો. કોણ કહે છે કે તમે એ બધું યુટ્યુબ પર મૂકી દુનિયાની સામે તમારી પર્સનલ લાઇફને ખુલ્લી કરો? અરે, એક મહાશય તો મૅરેજ ફંક્શનનો પણ વ્લૉગ બનાવીને યુટ્યુબ પર મૂકી ચૂક્યા છે! હા, પોતાનાં જ મૅરેજનો ફંક્શનનો વિડિયો. મૅરેજ ચાલતાં હતાં એ દરમ્યાન એ બેશરમ માણસ વિડિયો ઉતારી વ્લૉગ તૈયાર કરતો હતો. કહેવાનું મન થાય કે તને શરમ નથી આવતી કે આ રીતે તું તારા જ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે એને માણવાને બદલે અત્યારે આ શૂટિંગ કરે છે? એ જ મહાશયે પછી તો રિસેપ્શનનું પણ શૂટિંગ કર્યું અને સ્ટેજ પર આવતા બીજા મહેમાનો અને વ્લૉગર્સ સાથેનો વ્લૉગ પણ બનાવ્યો. ખબર નથી પડતી કે આ જે માનસિકતા છે એ પૈસા કમાવાની માનસિકતા છે કે પછી ફેમ મેળવવા માટેની બીમારી છે?
ADVERTISEMENT
અંગત જીવન અંગત રહે એ જ હિતાવહ છે. તમારી વાતો, તમારી અંગત વાતો, તમારા ઘરનું જીવન શું કામ દુનિયા સામે આવે અને શું કામ એના પર લોકો કમેન્ટ કરે એ વિશે સૌથી પહેલો વિચાર તો તમને જ આવવો જોઈએ. જો તમને એ વિચાર ન આવવાનો હોય તો પછી તમે દુનિયા માટે જોકરથી સહેજ પણ ઓછા નથી પુરવાર થતા. જોકરને તેના પર હસનારાઓ પણ ભગવાન લાગતા હોય છે, કારણ કે એ તેનો ધર્મ છે, એ જ તેનું કર્મ છે, પણ તમારો ધર્મ અને તમારાં કર્મ ક્યાંય આ વ્લૉગ નથી. તમારી પાસે હાથ અને પગ બન્ને છે, તમને સ્કિલ પણ આપી છે. બહેતર છે કે પારિવારિક વાતોને પરિવાર વચ્ચે જ રાખો અને દીકરાએ આજે શું ખાધું એવું દેખાડવાને બદલે કે પછી મોઢામાંથી લાળ પાડતી દીકરી સામે કૅમેરા ધરી રાખવાને બદલે સાચી દિશામાં તમારું ફોકસ ધરો.