છતાં ભાષાનું બૅરિયર તેમને ક્યારેય નથી નડ્યું, એના બદલે ભાષાને કારણે ઘરમાં રમૂજ અને હાસ્યનું વાતાવરણ રહે છે
હાર્દિક અને જ્યોતિ પારેખ, પ્રિયંકા અને મયૂર શાહ, સંજય અને શાલિની પીપલિયા
આજે તો બધાનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે પરંતુ આજથી લગભગ ૨૫થી ૩૦ વર્ષ પહેલાં જ્યારે અંગ્રેજી માધ્યમની સ્કૂલનો ઊગતો સૂરજ હતો અને ગુજરાતી માધ્યમની સ્કૂલનો ઢળતો સૂરજ શરૂ થયો હતો. ત્યારે સિનારિયો થોડો અલગ હતો. એ વખતે ઘણા પેરન્ટ્સ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવા લાગ્યાં હતાં તો ઘણા પોતાની માતૃભાષાની સાથે જ આગળ વધવાનું પસંદ કરતા હતા. એમાં પણ એવું હતું કે એ સમયે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા ઘણી વધુ રહેતી હતી. એટલે પછી એવું થતું કે અમુક વર્ષો પછી જ્યારે જોડાં બનતાં તો હસબન્ડ અંગ્રેજી માધ્યમમાં ભણેલો હોય અને વાઇફ ગુજરાતી માધ્યમમાં ભણેલી હોય. પણ આજે આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે એવાં કપલ્સની વાત કરવાના છીએ જેમાં વાઇફ અંગ્રેજી મીડિયમમાં ભણી હોય અને હસબન્ડ ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોય અને એના લીધે રસોડાથી લઈને સાસરિયાંઓ સુધીના ગુજરાતી શબ્દોની ગેરસમજ થવાને લીધે કેવી-કેવી ગરબડો થાય અને એનાથી ઘરમાં હાસ્યનો કેવો ફુવારો ઊડે એની આજે અહીં વાત કરીશું.
શરૂઆતમાં કન્ફ્યુઝન થતું કે મીઠું એટલે સ્વીટ કે નમક?
ADVERTISEMENT
હાર્દિક અને જ્યોતિ પારેખ
કાંદિવલીમાં રહેતાં ૩૭ વર્ષનાં હાઉસવાઇફ જ્યોતિ પારેખ કહે છે, ‘હું અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ભણી છું, જ્યારે મારા હસબન્ડ હાર્દિક પારેખ દહિસરની ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણ્યા છે. અમારાં લગ્ન થયાને ૧૪ વર્ષ થઈ ગયાં છે છતાં ભાષાકીય એજ્યુકેશનને લઈને ક્યારેય અમારી વચ્ચે કોઈ વિવાદ તો શું ચર્ચા પણ થતી નથી. મારું માનવું છે ત્યાં સુધી લાઇફમાં આગળ વધવા માટે તમે કઈ ભાષામાં ભણ્યા છો એ મહત્ત્વનું નથી પણ તમને કેટલું આવડે છે, તમારામાં કેટલી હોશિયારી છે એ વધારે મહત્ત્વનું છે. હું લગ્ન કરીને આવી ત્યારે મને મારા મોટા સસરાએ થોડું-થોડું ગુજરાતી વાંચતાં શીખવ્યું હતું અને તેમની મદદથી હું થોડું-થોડું ગુજરાતી વાંચતાં પણ શીખી ગઈ છું. અમારા ઘરે ગુજરાતી પેપર આવે છે જેમાં મુખ્ય સમાચાર તો હું વાંચી જાઉં, પણ આખો આર્ટિકલ મારાથી વંચાતો નહોતો એટલે મને અધૂરું-અધૂરું લાગતું જેથી મેં ઘરે અંગ્રેજી અખબાર બંધાવ્યું. આ તો અત્યારની વાત, પણ હું જ્યારે પરણીને આવી તો મને રસોડામાં રોજ વપરાતી વસ્તુઓનાં નામ પણ ગુજરાતીમાં નહોતા આવડતાં. મારાં સાસુ મારી પાસે સાણસી માગે અને હું બે મિનિટ અટકી જાઉં અને વિચારું કે મારે શું આપવાનું છે. ઘરે કોઈ આવે અને મને કહેવામાં આવે કે આ મારી સાળાવેલી થાય તો મને કંઈ જ ખબર ન પડે કેમ કે અંગ્રેજીમાં તો ભાભી, સાળી, નણંદ બધાં માટે સિસ્ટર-ઇન-લૉ કહેવાય એટલે મારે ડીટેલમાં પૂછવું પડતું હતું. ગુજરાતી ભાષાની ઓછી સમજને લીધે લગ્ન બાદ એક વખત એવું થયેલું કે ઘરે ગેસ્ટ આવ્યા અને મને કહેવામાં આવ્યું કે મહેમાનોનું મોઢું મીઠું કરાવો તો હું મીઠાઈ લઈને આવી અને પછી જ્યારે રસોઈ ચાલતી હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે રસોઈમાં મીઠું નાખજો તો હું ગૂંચવાઈ ગઈ હતી કે રસોઈમાં શુગર કેટલી નાખું. પછી ખબર પડી કે મીઠું એટલે નમક થાય. જોકે એક-બે વર્ષમાં હું બધાં નામ શીખી ગઈ. ઘરમાં હું મારા હસબન્ડ સાથે હિન્દીમાં વાત કરું અને છોકરાઓ સાથે ગુજરાતીમાં. પણ હા, એક મહિલા અંગ્રેજી માધ્યમમાં ભણી હોય તો એનો ફાયદો આખા ઘરને થાય છે જેમ કે મારાં બાળકો આજે સેકન્ડરીમાં છે અને હું તેમને ઘરે સરખું ભણાવી શકું છું.’
દુબઈથી બોરીવલી શિફ્ટ થઈ ત્યારે થોડું ટફ લાગ્યું
પ્રિયંકા અને મયૂર શાહ
બન્ને પાત્રોનાં ઘરોમાં ગુજરાતી વાતાવરણ હોય અને આજુબાજુ પણ ગુજરાતી હોય તો તેઓ ભલે પછી ગમે તે માધ્યમમાં ભણ્યાં હોય તો પણ ગુજરાતી બોલતાં આવડી જાય છે, પણ જ્યારે ઘરમાં મિશ્ર ભાષા બોલાતી હોય અને આસપાસ પણ ગુજરાતી ન હોય ત્યારે એ વ્યક્તિ અચાનક જ ગુજરાતી વાતાવરણમાં આવી જાય તો તેને સૌથી અઘરા કહી શકાય એવા સમયમાંથી પસાર થવું પડતું હોય છે. આવી જ સ્થિતિ બોરીવલીમાં રહેતાં પ્રિયંકાની સાથે થઈ હતી. પોતાના અનુભવ વિશે જણાવતાં ૪૧ વર્ષનાં પ્રિયંકા શાહ કહે છે, ‘મારું શિક્ષણ દુબઈની સ્કૂલમાં થયું છે એટલે ગુજરાતી લોકો સાથે ઓછા ટચમાં હતી. તેમ જ મારી મમ્મી પહેલાં સેન્ટ્રલ મુંબઈમાં રહેતી હતી એટલે મરાઠી સ્કૂલમાં ભણી હતી, એથી મારું પણ મરાઠી ભાષા પર સારુંએવું પ્રભુત્વ છે. તો બીજી બાજુ હું મારા ભાઈ સાથે પણ અંગ્રેજી ભાષામાં જ વાત કરું છું. એટલે ફ્લુઅન્ટ્લી ગુજરાતી બોલવું અને વાંચવું મારા માટે થોડું ટફ હતું. લગ્ન કરીને હું મુંબઈમાં સેટલ થઈ. શરૂઆતના દિવસો મારા માટે પડકારજનક હતા કેમ કે મારું સરાઉન્ડિંગ બદલાઈ ગયું હતું. મારા હસબન્ડ મયૂર પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા એટલે તેમની ગુજરાતી ભાષા પર ફાવટ સારી હતી. ઘરમાં બધાં ગુજરાતીમાં વાત કરે અને મને સમજતાં વાર લાગે. હસબન્ડ અને ફૅમિલીના સપોર્ટને લીધે હું ધીરે-ધીરે બધું સમજતી અને બોલતી થઈ ગઈ. ઘરમાં સમાજનું મૅગેઝિન આવે તો તે મને વાંચીને સંભળાવે અથવા પેપર આવે તો મને મુખ્ય હેડલાઇન કહી જાય. આમ પણ ઇંગ્લિશ હોય કે ગુજરાતી ભાષા, છે તો માત્ર મોડ ઑફ કમ્યુનિકેશન જને? ભાષા કરતાં વધારે પરસ્પર સન્માન અને કૅર હોય અને એકબીજાની ફીલિંગને સમજે એ વધારે મહત્ત્વનું હોય છે, જે મને અહીં મળે છે. તેમ જ અલગ-અલગ ભાષાની ઘણી વખત ભેળ થઈ જાય છે ત્યારે પણ મજા આવે છે. ઘણા ગુજરાતીના કૉમન શબ્દો પણ મારે પૂછવા પડતા હતા. જેમ કે ભૂંગળાં, જે ખાધેલાં ખરાં પણ એને ગુજરાતીમાં ભૂંગળાં કહેવાય એની ખબર નહોતી.’
પત્નીને ચીડવવા જાણી જોઈને અસ્સલ ગુજરાતી શબ્દો વાપરું
સંજય અને શાલિની પીપલિયા
અમે શબ્દોથી મજાકમસ્તી કરીએ છીએ અને એમાં અમને મજા પણ આવે છે એમ જણાવતાં મલાડના અને ગાર્મેન્ટ એક્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા બાવન વર્ષના સંજય પીપલિયા કહે છે, ‘હું મલાડ ઈસ્ટમાં આવેલી નવજીવન વિદ્યાલયમાં ભણ્યો છું અને મારી પત્ની શાલિની પીપલિયા ચિલ્ડ્રન્સ ઍકૅડેમીમાં ભણી છે. અમે બધાં ભાઈ-બહેન ગુજરાતી મીડિયમમાં હતાં અને મારી પત્ની અને તેનાં ભાઈ-બહેનો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યાં હતાં. અલગ-અલગ માધ્યમનાં હોવાને લીધે ક્યારેય અમારી વચ્ચે કોઈ પ્રૉબ્લેમ આવ્યો નથી, પણ અનેક રમૂજી પ્રસંગો બન્યા છે. જેમ કે ઘણી વખત કુદરતી રીતે જ હિસાબ-કિતાબની વાત ચાલતી હોય ત્યારે આપણા મોઢામાંથી ગુજરાતી નંબર જ નીકળી જતા હોય છે. એમાંના અમુક નંબર જેમ કે નેવ્યાસી, પિસ્તાલીસ, તેત્રીસ વગેરે નંબરો એવા છે કે તેને મારે અંગ્રેજીમાં સમજાવવા જ પડે છે. વાર માટે પણ એવું છે. અમુક વાર જેવા કે બુધવાર, શુક્રવારને મારે હજી પણ અંગ્રેજીમાં કહેવું પડે છે કેમ કે તે તેના પિયરમાં ઇંગ્લિશમાં જ વધારે કમ્યુનિકેટ કરે છે એટલે તેને ગુજરાતી ભાષાના ઘણા શબ્દો સમજાતાં વાર લાગે છે. તે થોડું-થોડું ગુજરાતી વાંચી શકે છે. મેં મારાં બાળકોને ગુજરાતી વાંચતાં શીખવ્યું છે. અમારા ઘરે ચાર ગુજરાતી પેપર આવે છે અને રોજ હું તેમને પેપર વાંચવા માટે ફરજ પાડતો હતો. મને ગુજરાતી નાટકો જોવાનો ખૂબ જ શોખ પણ ગુજરાતી નાટકોમાં પાત્રો શુદ્ધ ગુજરાતી બોલતાં હોય અને ઘણી વખત એટલા ભારે શબ્દો પણ વાપરતાં હોય કે મારે પણ સમજવું પડે તો પછી તેની શું વિસાત? એટલે તેને બહુ કંટાળો આવે એટલે અડધાં નાટક તો હું એકલો જ જોવા જાઉં છું. વાતચીત કરતી વખતે ઘણી વખત હું જાણી જોઈને તેની સામે અઘરા ગુજરાતી શબ્દો વાપરું એટલે તે મને એનો અર્થ પૂછે અને હું મસ્તી કરું. આમ અમારી મીઠી નોકઝોક થાય અને એમાં અમને બહુ મજા પણ પડે. આ તો હસવાની વાત થઈ, પણ સાચું કહું તો મને મારી માતૃભાષામાં શિક્ષણ લેવાનો ખૂબ જ આનંદ છે અને આજ સુધી મને ક્યારેય એવું લાગ્યું નથી કે શું કામ હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો નથી. જીવનમાં તો શું, કરીઅરમાં પણ મને ક્યારેય માતૃભાષામાં અભ્યાસ કરવાનું અડચણરૂપ બન્યું નથી.’

