પીત્ઝા, પાસ્તા, નૂડલ્સ અને બર્ગર જેવી અનહેલ્ધી કહી શકાય એવી વાનગીઓ ખાતી યુવાપેઢીને દાદા-દાદીની જેમ સ્વસ્થ જીવન જીવવું હશે તો તેમનાં ફુટસ્ટેપ્સ પર ચાલવું પડશે. ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ છે ત્યારે વડીલો પોતાની યુવાનીમાં જન્ક ફૂડના નામે શું ખાતાં હતાં જાણો
વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે
પ્રતીકાત્મક તસવીર
ભારતીયોની ફૂડ હૅબિટ પર અઢળક રિસર્ચ થયાં છે અને મોટા ભાગના અભ્યાસનું તારણ નીકળ્યું છે કે હેક્ટિક લાઇફસ્ટાઇલ અને રેસ્ટોરન્ટમાં જમવાની દેખાદેખીના કારણે જન્ક ફૂડ તરફ ઝુકાવ વધ્યો છે. ખાસ કરીને યુવાપેઢીમાં પીત્ઝા, પાસ્તા, નૂડલ્સ અને બર્ગર જેવી ટોટલી અનહેલ્ધી કહી શકાય એવી ડિશ ખાવાનો ચસકો છે. વેઇટ ગેઇન, ઓબેસિટી તેમ જ અનેક પ્રકારના રોગો માટે જન્ક ફૂડ જવાબદાર છે. બહારનું ખાવાની શોખીન યુવાપેઢીને આરોગ્યપ્રદ આહાર તરફ વાળવાનો સમય પાકી ગયો છે. જીવનની સમી સાંજ સુધી તબિયતને ટકાટક રાખનારા વડીલો આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે પ્રસંગે યુવાપેઢીને સ્વસ્થ જીવનની ચાવી આપતાં શું કહે છે જુઓ.
મમ્મીઓ રવિવારે રસોઈ બનાવે
ADVERTISEMENT
‘હું એકદમ નાના સિટીમાં ઊછરી છું. બાળપણમાં અમને ભાખરી અને ગોળ ખાવા મળતાં. ગોળપાપડી, લાડુ અને ગળ્યા સક્કરપારા અમારાં મનગમતાં મિષ્ટાન્ન હતાં. આઠ-નવ ભાઈ-બહેન માટે રાંધવામાં અમારી માને કંટાળો નહોતો આવતો. સામાજિક પ્રસંગોમાં માતા-પિતાને બહાર જવાનું થાય ત્યારે પાડોશીઓ સાચવી લેતા. વસુધૈવ કુટુંબની ભાવના હતી તેથી પાડોશીનું ઘર અમને પોતીકું લાગતું. બધાનાં બાળકો ભેગાં મળીને ઉજાણી કરતાં. એમાંય ઘરની બનાવેલી વાનગીઓ જ રહેતી. કોઈક વાર પાણીપૂરી ખાવા મળતી એમાં તો આનંદનો પાર નહોતો રહેતો. હવેની પેઢીને તો બ્રેડ-પાંઉના ડૂચા જ વાળવા છે. જોકે એમાં મમ્મીનો દોષ છે,’ કાંદિવલીમાં રહેતાં ૭૮ વર્ષનાં કોકિલાબહેન ધોળાભાઈ આવો બળાપો કાઢતાં કહે છે, ‘આજની પેઢી જન્ક ફૂડના રવાડે ચડી છે એમાં મમ્મીની આળસ છે. બાળપણથી ઘરના બનાવેલા નાસ્તા અને મિષ્ટાન્ન આપો તો સંતાનો શું કામ ન ખાય? મમ્મીને જ રવિવારે રસોડાને તાળું મારવું છે. હોટેલની બહાર બે કલાક વેઇટિંગ હોય તોય ઊભા રહે ને પછી કચરો ખાઈને ઘરે આવે. અઠવાડિયે એક વાર બહાર ખાવાનો ટ્રેન્ડ બનાવી દીધો છે એમાં યુવાપેઢીને સમતોલ આહાર નથી મળતો. જન્ક ફૂડ ખાવાથી ઉપર-ઉપરથી પેટ ભરાઈ જાય છે, ફાઇબર બિલકુલ નથી મળતું. બ્રેડની આઇટમ મને જરાય પસંદ નથી. આજની આપણી લાઇફ ઘણી ટેન્શનવાળી હોવાથી ન્યુટ્રિશનની વધારે જરૂર પડે છે, પણ આપણે શરીરને નુકસાન થાય એવું ખાઈએ છીએ. યુવાપેઢીએ આંતરડાંને માફક આવે એવી વાનગીઓ ખાવા માટે પ્રેરિત કરવાનો સમય પાકી ગયો છે. મારા દીકરાને પૂરણપોળી ખૂબ ભાવે છે. શરૂઆતથી આરોગ્યપ્રદ આહાર આપ્યો હોવાથી બહારનું ખાવાનો શોખ વિકસ્યો નથી.’
મૅગી છે કે સાપોલિયાં?
બ્રેડ તો દીઠી નથી ગમતી એવો કકળાટ કરતાં બોરીવલીમાં રહેતાં ૮૮ વર્ષનાં તારાબહેન ઠક્કર કહે છે, ‘શરીર માટે સૌથી નુકસાનકારક બ્રેડ છે. એને જોઈને મારું તો મોઢું બગડી જાય ત્યાં ગળે ક્યાંથી ઊતરે. યુવાપેઢીનો બ્રેડ પ્રેમ જોઈને મનમાં વિચાર આવે કે આગળ જતાં શરીર કેમ ચાલશે. ભૂખ લાગે તો બે મિનિટમાં બની જતી મૅગી ખાય. મૅગીનો દેખાવ જોઈને મને હસવું આવે કે સાપોલિયાં શું ખાવાનાં. ફાસ્ટ ફૂડ ખાવાની ના નથી. દહીંવડાં ખાઓ, ભેળ અને સેવપૂરી ખાઓ. ઇડલી-ઢોસા શું ખરાબ છે કે પીત્ઝા ખાવા પડે? અમારા જમાનામાં માતા-પિતા સાથે ફરવા જવાનો નિયમ હતો. બહાર નીકળીને પણ તેઓ જે ખવડાવતાં એ ખાઈ લેતાં. તમારા જેવડાં હતાં ત્યારે વર્ષમાં એક વાર પિકનિક પર જતાં. તમે મિત્રો સાથે જાઓ છો અને અમે કાકા-મામાનાં ભાઈ-બહેનો સાથે ફરતાં. મને હજીયે યાદ છે, વેકેશનમાં વિરારમાં રહેતા મામાના ઘરે રોકાવા જતાં ત્યારે એક દિવસ જીવદાની માતાનાં દર્શન કરવાનો કાર્યક્રમ રાખીએ. મામી અમને થેપલાં અને સૂકી ભાજીનો ડબ્બો ભરીને આપતાં. આજનાં બાળકોને ઘરેથી ડબ્બો લઈને નથી જવું. તેમને બહારનો નાસ્તો જ ભાવે છે. બજારમાં પૅકેટમાં મળતા તૈયાર નાસ્તા ખાવાની કુટેવ ઓવરઈટિંગ તરફ દોરી જાય છે. આમ તો યુવાનો ઘણા ડાયટ કૉન્શિયસ થઈ ગયા છે. શાકમાં તેલ ઝાઝું નાખીએ તો બૂમાબૂમ કરશે. નૉનસ્ટિક વાસણમાં ઓછા તેલમાં શાક બનાવવાની સલાહ આપશે. વાસ્તવમાં બટર અને ચીઝ કરતાં તેલ-ઘી શરીર માટે સારાં કહેવાય. શાકમાં ઉપર તેલ તરતું હોય એવાં શાક ખાઈને પણ અમારી તબિયત ક્યારેય બગડી નથી. જુવાર-બાજરાના રોટલા ખાધા છે એટલે શરીર આજ સુધી ટકી રહ્યું છે. શિયાળામાં મારા બાપુજી ઘરમાં કંદોઈને બોલાવીને અડદિયાપાક બનાવડાવતા. એમાં મેથીનું પ્રમાણ વધુ રખાવે જેથી બાળકોના પેટમાં કડવાશ જાય. આજનાં બાળકો કડવું તો ખાતાં જ નથી, ઉપરથી શુગરનું પ્રમાણ વધારે હોય એવી વાનગીઓ વધારે ઝાપટે છે. યુવાનોને મારી સલાહ છે કે અમારી ઉંમરના થાઓ ત્યાં સુધી સ્વસ્થ રહેવું હોય તો ધાન ખાઓ. ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાશો તો સારી રીતે પાચન થઈ જશે.’
ઘરના રોટલા ખાઓ
માટુંગામાં રહેતાં ૮૨ વર્ષનાં શારદાબહેન પડિયાનું બાળપણ મુંબઈમાં જ વીત્યું હોવાથી તેમની રહેણીકરણી અને ખાણીપીણીની પસંદગીમાં મેટ્રો સિટીની અસર જોવા મળે ખરી પણ બે યુવાન પૌત્રને પીત્ઝા કે બર્ગર ખાતાં જુએ ત્યારે મોઢું મચકોડીને કહેશે, ‘ઘરના રોટલા ખાઓને! મેંદાના લોંદા ખાઈને તબિયત બગાડશો. આપણું માટુંગા મિની મદ્રાસ છે. બહારનું ખાવું જ છે તો ઇડલી-ઢોસા ખાઓ.’
પૌત્રોને કોઈક વાર આવી સલાહ આપવી પડે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘આમ તો મારી વહુ ઘરમાં જ તમામ વાનગીઓ બનાવે છે. બહારથી પાર્સલ મંગાવવાનો કે હોટેલમાં ખાવા જવાનો વારો ઓછો આવે, પરંતુ આજના સમયમાં આઉટસાઇડ ફૂડ સદંતર બંધ કરવાની સલાહ કોઈને આપી ન શકાય. મને પોતાને જુદી-જુદી દક્ષિણ ભારતીય વાનગીઓ ઉપરાંત પાણીપૂરી-ભેળપૂરી, રગડા-પૅટીસ ખૂબ ભાવે છે. બાળપણમાં બહેનપણીઓ સાથે ચોપાટી પર ભેળપૂરી ખાવા જતાં હતાં એવું હજીયે સાંભરે છે. આપણા પરંપરાગત ચાટમાં જાતજાતની ચટણીઓનો ઉપયોગ થાય છે. કોથમીર, લીલાં મરચાં, ખજૂર, આમલી, લીંબુ આ બધાના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ છે. જ્યારે આજના સ્પાઇસી ફૂડથી ઍસિડિટી થઈ જાય. આજીનો મોટો અને મેંદો તો શરીરના દુશ્મન છે. યુવાનીમાં કરડકરડ કરતી તીખાં મરચાં ખાતી’તી તોય કોઈ દિવસ તકલીફ થઈ નથી; કારણ કે સામે દૂધ, છાશ, માખણ પણ આરોગતાં. સ્વાસ્થ્ય માટે દેશી આહાર શ્રેષ્ઠ છે. પૌત્રોને બન્ને પ્રકારના ફાસ્ટ ફૂડ વચ્ચેનો તફાવત સમજાવું છું. વિદેશી જન્ક ફૂડ કરતાં ભેળપૂરી બેટર ઑપ્શન છે એવું સમજાતાં તેઓ ડાઇવર્ટ પણ થયા છે.’