આજે ‘વર્લ્ડ એનર્જી ડે’ છે ત્યારે આખું બ્રહ્માંડ જેનાથી નિર્મિત થયેલું છે એવી ઊર્જાના વિજ્ઞાનથી વ્યક્તિનો ઇલાજ કઈ રીતે સંભવ છે એની આછેરી ઝલક મેળવીએ
રોજેરોજ યોગ
પ્રતીકાત્મક તસવીર
આ અનુભવ તમને પણ ઘણી વાર થયો હશે જેમાં તમે કોઈક જગ્યાએ જાઓ અને તમને ત્યાં એટલું ગમી જાય કે વાત ન પૂછો અને અમુક જગ્યાએ ગયા પછી ક્યારે ત્યાંથી બહાર નીકળો એવું લાગવા માંડે. અમુક લોકોને વગર ઓળખાણે પણ આપણે સહજ રીતે આદર આપતા હોઈએ અને અમુક લોકોને પહેલી વાર મળ્યા હોઈએ ત્યારે જ કોઈક પ્રકારની અણગમાની લાગણી તમારી અંદર ઘર કરી જાય. આપણે કહેતા હોઈએ છીએ ફલાણા સાથે મારી વેવલેન્ગ્થ મળે છે, વાઇબ્સ સારી છે. આ શબ્દપ્રયોગો શું સૂચવે છે? જવાબ છે એનર્જી. આ બ્રહ્માંડમાં જે કંઈ છે એ ઊર્જાનો પુંજ છે. બધું જ એનર્જી છે. તમને ગમતી બાબત પણ અને તમને ન ગમતી બાબત પણ. જડ વસ્તુ પણ અને ચેતન વસ્તુ પણ. બધું જ સૂક્ષ્મ અણુ અને પરમાણુઓથી બનેલું છે અને બધું જ સતત વાઇબ્રેટ થયા કરે છે. અમુક સ્પંદનો પ્રત્યેક પદાર્થમાંથી બહાર નીકળતાં રહે છે. કદાચ એ જ કારણ છે કે મંદિરમાં મન પ્રફુલ્લિત થઈ જાય છે અને હૉસ્પિટલ ફાઇવસ્ટાર હોય તો પણ ત્યાં મન વ્યાકુળ રહે છે. આજે ‘વર્લ્ડ એનર્જી ડે’ નિમિત્તે સૂક્ષ્મ સ્તરે આપણી સાથે સંકળાયેલી એનર્જીને સમજીએ અને આપણા હીલિંાગ માટે આ એનર્જી સાયન્સનો ઉપયોગ કઈ રીતે હજારો વર્ષથી થઈ રહ્યો છે એને પણ ટૂંકમાં જાણવાની કોશિશ કરીએ.
બહુ જ મજેદાર વિજ્ઞાન
ADVERTISEMENT
આજે પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપવાની પરંપરા આપણે ત્યાં છે એ પણ આ ઊર્જા વિજ્ઞાનની જ શાખ પૂરે છે. હજારો વર્ષોથી ઊર્જાનું વહન કરીને લોકોની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યા દૂર કરવાના પ્રયાસો થતા રહ્યા છે. જાણીતાં ઑલ્ટરનેટ થેરપિસ્ટ બબીતા કકરાનિયા આ સંદર્ભે કહે છે, ‘આપણે માત્ર ફિઝિકલ બૉડીને જોઈ શકીએ છીએ પરંતુ આ ફિઝિકલ બૉડીનું ફાઉન્ડેશન આપણું એનર્જી બૉડી છે. પાંચ જુદા-જુદા લેયર શરીરના હોય છે. આપણી આસપાસ દરેકેદરેક બાબતમાં એનર્જી છે. તમે બોલો છો ત્યારે તમારી વાણીમાં એનર્જીનું કન્વર્ઝન છે અને તમે ક્યાંક જુઓ તો એ નજરમાં પણ એનર્જીનું કન્વર્ઝન છે. તમે હસતા હો, રમતા હો, બોલતા હો, રડતા હો, ઝઘડતા હો એ દરેક ક્રિયામાં એનર્જી સિસ્ટમ સૌથી વધારે પ્રભાેવિત થતી હોય છે. તમે એને ફીલ પણ કરી શકો. તમે ઉદાસ વ્યક્તિને મળો ત્યારે તમે પણ ઉદાસ થઈ જાઓ છો તો એ કેવી રીતે બને? એનર્જીનું આદાનપ્રદાન થાય. એ જ રીતે તમે કોઈ ખુશનુમા વ્યક્તિને મળો, બાળકોને મળો ત્યારે કેવી ખુશી તમે પણ ફીલ કરવા માંડો છો! આ એનર્જીનું જ આદાનપ્રદાન છે. તમારું ફિઝિકલ બૉડી પહેલાં તમારાં એથિકલ બૉડી, ઇમોશનલ બૉડી, મેન્ટલ બૉડી અને કોઝલ બૉડી આ ચાર પ્રકારનાં સૂક્ષ્મ શરીર પ્રભાવિત થાય છે. પછી ધીમે-ધીમે એની અસર શારીરિક સ્થિતિ પર પડતી હોય છે. જ્યારે તમારા સૂક્ષ્મ શરીરમાં ઊર્જા બ્લૉક થાય ત્યારે એની ધીમે-ધીમે અસર તમારી ફિઝિકલ બૉડી પર પડે. ધારો કે સૂક્ષ્મ શરીરના લેવલ પર જ તમે એનર્જી સ્ટક થયેલા એનર્જી ફ્લોને અનબ્લૉક કરી નાખો તો એવી પૂરી સંભાવના છે કે શરીર સુધી એ રોગ આવે જ નહીં. એનર્જી હીલિંગમાં આપણે એ જ કામ કરવાનું હોય છે.’
હીલરનો રોલ શું હોય?
તમે ઇચ્છો કે ન ઇચ્છો, સમહાઉ તમારી એનર્જી એક્સચેન્જની પ્રોસેસ વ્યક્તિથી લઈને વસ્તુ સુધી સતત ચાલતી રહે છે. આ જ કામ હીલર કૉન્શિયસલી કરે છે. બબીતાજી કહે છે, ‘તમે સાત્ત્વિક આહાર ખાઓ અને તમારામાં એક જુદા પ્રકારની એનર્જી આવે અને તમે કોઈક તામસિક આહાર લો તો પણ તમે ડાઇજેશનથી લઈને અનેક બાબતમાં અનઈઝી ફીલ કરતા હો છો. એનર્જી હીલર અમુક મેથડથી હીલિંગ એનર્જી જુદા-જુદા માધ્યમે વ્યક્તિમાં ટ્રાન્સફર કરતા હોય છે. સાથે આહાર, વિહાર અને વ્યવહારમાં પણ હીલર કાઉન્સેલિંગથી વ્યક્તિને મદદ કરે છે અને કોશિશ કરતા હોય છે કે વ્યક્તિ જાતે જ એનર્જી સિસ્ટમમાં બ્લૉકેજિસનાં કારણોમાંથી બહાર આવી જાય. ક્યારેક મ્યુઝિક, ક્યારેક ટચ, ક્યારેક પૉઝિટિવ ઍફર્મેશન, ક્યારેક ક્રિસ્ટલ, ક્યારેક એસેન્શિયલ ઑઇલ એમ જુદી-જુદી મેથડનો ઉપયોગ કરીને વ્યક્તિની ફ્રીક્વન્સીને વધારવાનો, એનાં એનર્જી બ્લૉકેજિસને દૂર કરવાનો અને એના રોગોમાંથી એને મુક્ત કરવાની દિશામાં હીલર લઈ જાય છે. આ પ્રકારનું કામ કરતા હીલર પોતે પણ સક્ષમ હોય, તેમની પોતાની મેડિટેશનની સાધના પ્રબળ હોય એ અતિશય જરૂરી છે. તમે પારસ નામના પથ્થર વિશે સાંભળ્યું હશે. એ પથ્થરની એનર્જી એટલી હાઈ છે કે જેને એ સ્પર્શ કરે એ સોનું બની જાય. આ પણ એક જાતનું એનર્જી એક્સચેન્જ જ છે, જે મેથડ હીલર પણ ફૉલો કરતા હોય છે.’
એનર્જીનું સંવર્ધન કરવાનો આ સૌથી મૂલ્યવાન નિયમ છે કે કોઈ પણ ઘટના ઘટે ત્યારે તરત રીઍક્ટ કરવાને બદલે રિસ્પૉન્સ આપવાની આદત કેળવો. તેમ જ મેડિટેશન, યોગ, પ્રાણાયામ, ચૅન્ટિંગ, ડિવોશન આ બધું જ એનર્જી સિસ્ટમને સ્ટ્રૉન્ગ કરીને બ્લૉકેજિસ દૂર કરે છે.
૯૦ ટકા કરતાં વધુ રોગો સ્ટ્રેસને કારણે છે પરંતુ સ્ટ્રેસ છે શું? તમારા મનમાં રહેલો ક્રોધ ઍસિડિટી આપે તો એ ક્રોધ સ્ટ્રેસ છે. દબાવેલી પીડા કૅન્સર આપે તો એ વસવસો સ્ટ્રેસ છે. એનર્જી સિસ્ટમ આ નકારાત્મક ભાવોને અને ઊર્જાના પ્રવાહમાં આવેલી રુકાવટને દૂર કરવાનું કામ કરે છે. બબીતા કકરાનિયા, ઑલ્ટરનેટિવ થેરપી હીલર
આ પણ વાંચો : જે સિસ્ટમ તમને વાઇરસથી બચાવે છે એને બચાવવા માટે તમે શું કરો છો બોલો?
જાણીએ પાંચ એનર્જી હીલિંગ થેરપી વિશે
રેકી
જૅપનીઝ હીલિંગ મેથડ તરીકે ઓળખાતી આ હીલિંગ ટેક્નિકમાં ‘રે’નો અર્થ થાય ઈશ્વરનું વિઝડમ અને કીનો અર્થ થાય છે એનર્જી. ટ્રેડિશનલ મેડિસિન સાથે અનેક પ્રકારની હાથોની મૂવમેન્ટ સાથે યુનિવર્સની એનર્જી દ્વારા વ્યક્તિની બૉડીને હીલ કરવાના પ્રયાસ થાય છે. શરદી, તાવ, પેટના દુખાવા, માથાનો દુખાવો જેવી સામાન્ય તકલીફોથી લઈને હાર્ટને લગતા પ્રૉબ્લેમ અને કૅન્સર જેવી સમસ્યામાં પણ રેકી હીલર્સને લાભ થયો હોવાનું કહેવાય છે.
પ્રાણિક હીલિંગ
આ દુનિયામાં જે કંઈ છે એ બધું જ પ્રાણ ઊર્જાથી બનેલું છે. આ સિસ્ટમમાં વ્યક્તિની પ્રાણ ઊર્જામાં સંતુલન લાવવાના પ્રયાસો થાય છે. એનર્જીનો ઉપયોગ શરીરનાં ટૉક્સિન્સને દૂર કરવા માટે થાય છે. આપણા શરીરનાં મુખ્ય સાત ચક્રો આ પ્રાણ ઊર્જાનો સ્રોત કહેવાય છે. હીલર વિવિધ સ્ટોન, એસેન્શિયલ ઑઇલ, બીજ મંત્ર દ્વારા પ્રાણ ઊર્જામાં સંતુલન લાવવાના પ્રયાસ કરે છે.
ક્રિસ્ટલ હીલિંગ
દરેક સ્ટોન અને ક્રિસ્ટલ પણ વિશેષ પ્રકારની ઊર્જાને એમિટ એટલે કે એનું ઉત્સર્જન કરતા હોય છે. આપણે ત્યાં જ્યોતિષમાં પણ અમુક પથ્થર પહેરવાથી અમુક ગ્રહોની અસર વધે કે ઘટે એવું કહેવા પાછળ પણ આ એનર્જી સાયન્સનો જ ફન્ડા છે. શરીરના અમુક એનર્જી પૉઇન્ટ્સ પર એને લાગતા-વળતા સ્ટોન્સ અને ક્રિસ્ટલ રાખીને હીલિંગ કરવાની પ્રોસેસને ક્રિસ્ટલ હીલિંગ કહે છે, જેમાં ક્રિસ્ટલ પોતાની પૉઝિટિવ એનર્જી વ્યક્તિને આપે છે અને નેગેટિવ એનર્જી ઍબ્સૉર્બ કરી લે છે.
ક્વૉન્ટમ હીલિંગ
તમારા શ્વાસ અને વિઝ્યુઅલાઇઝેશનથી શરીરમાં ઊર્જાનું પ્રમાણ વધારવાની પ્રોસેસ ક્વૉન્ટમ હીલિંગ દ્વારા થતી હોય છે. ઇમ્યુન સિસ્ટમ માટે પણ આ થેરપી બહુ ઉપયોગી સાબિત થઈ છે.
ચિગૉન્ગ
શરીરમાંથી જ્યારે બૅલૅન્સ ખોરવાઈ ગયું હોય ત્યારે આ ચાઇનીઝ તિબટન હીલિંગ પદ્ધતિમાં શરીરના અવયવોની મૂવમેન્ટને તમારા શ્વસન સાથે જોડીને મેડિટેશન કરવામાં આવે છે જે તમારામાં હેલ્થ અને અધ્યાત્મની વૃદ્ધિ કરે છે. ચાઇનીઝ મેડિસિન પરંપરામાં આ પદ્ધતિને પાયા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.