Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કારને ફ્રી રાખીને પોતેય મુક્તપણે ટ્રાવેલ કરે છે આ ખાસ મુંબઈકરો

કારને ફ્રી રાખીને પોતેય મુક્તપણે ટ્રાવેલ કરે છે આ ખાસ મુંબઈકરો

Published : 21 September, 2024 02:30 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

મુંબઈમાં કાર લઈને નીકળવું એટલે શું એના અનુભવો જાણો

અપૂર્વ મહેતા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

અપૂર્વ મહેતા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ


દુનિયા ભલે વર્ષમાં એક જ વાર એટલે કે આવતી કાલે ‘કાર ફ્રી ડે’ મનાવે, પણ કેટલાક મુંબઈગરાઓ માટે તો એ રોજનું થયું. ‘ગાડી તો ઘરમાં જ સારી’વાળો ફન્ડા ન અપનાવે તો પોણી જિંદગી ટ્રાફિકમાં જ જાય એ વાસ્તવિકતા જાણે કે સમજાઈ ગઈ હોય એમ ગાડીને પાર્કિંગમાં મૂકીને પોતે ટ્રેન, ટૅક્સી, બસ, રિક્ષા અથવા મેટ્રોમાં પ્રવાસ કરવાનું પ્રિફર કરતા મુંબઈના ગુજરાતીઓએ ‘મિડ-ડે ’ પાસે પોતાની હૈયાવરાળ ઠાલવી.  મુંબઈમાં કાર લઈને નીકળવું એટલે શું એના અનુભવો જાણો


તમારી પાસે ગાડી છે? જો જવાબ ના હોય તો તમારી જાતને સૌથી સુખી વ્યક્તિ ગણજો. ઉપરવાળાની તમારા પર વિશેષ કૃપાનું જ પરિણામ છે કે તેણે તમને ગાડી નામના દોજખથી દૂર રાખ્યા છે. અફકોર્સ પહેલાં પણ અને આજે પણ કાર એ દુનિયાભરના લોકો માટે સ્ટેટસ સિમ્બૉલ રહી છે અને સાથે કમ્ફર્ટનું સાધન ગણાતું રહ્યું છે, પરંતુ હવે આ ધારણાને બદલવી પડે એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે. માનવામાં ન આવે તો હવે પછીના આંકડાઓ પર નજર કરજો. મુંબઈ કિલોમીટરદીઠ વાહનોની બાબતમાં સર્વાધિક ઘનતા ધરાવતું શહેર છે. પ્રતિ કિલોમીટર મુંબઈ પાસે ૨૩૦૦ વાહનો છે. એમાં કાર અને ટૂ-વ્હીલરનો સમાવેશ થાય છે. ૨૦૨૪ના ઑગસ્ટના આંકડા જોઈએ તો મુંબઈમાં કુલ ૪૮ લાખ પર્સનલ વેહિકલ છે જેમાંથી ૧૪ લાખ પ્રાઇવેટ ગાડી અને ૨૯ લાખ ટૂ-વ્હીલર છે. આમાં કાળી-પીળી ટૅક્સી, રિક્ષા, ટ્રક, ટેમ્પો, બસ વગેરેનો સમાવેશ નથી થતો, એ અલગ. આપણે મુંબઈમાં કિલોમીટરદીઠ વાહનોની ઘનતાની વાત કરી એ સતત વધી રહી છે. લોકો નવી-નવી ગાડી ખરીદી રહ્યા છે, પરંતુ એને ચલાવવા માટે સડકો પર જગ્યા ઘટી રહી છે અને પરિણામે ટ્રાફિક, પ્રદૂષણ અને એ સિવાયની અઢળક સમસ્યાઓ એકધારી સતત વધી રહી છે. આવામાં ગાડી હોવી એ આશીર્વાદ છે કે અભિશાપ એ પ્રશ્ન જેમની પાસે ગાડી છે તેમને પણ થઈ રહ્યો છે.



આવતી કાલે આખી દુનિયા પ્રદૂષણ અને હેલ્થ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે એ આશયથી ‘કાર ફ્રી ડે’ની ઉજવણી કરશે અને એક દિવસ પૂરતું પોતાની ગાડીને બદલે રૂટીન ટ્રાવેલ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે, પરંતુ મુંબઈમાં એવા સેંકડો લોકો છે જેઓ બાય ડિફૉલ્ટ લગભગ દરરોજ કાર ફ્રી ડે મનાવી રહ્યા છે. જાણે કે પાર્કિંગમાં ઊભી રાખવા માટે જ ગાડી ખરીદી હોય એમ ગાડી લીધા પછી ભાગ્યે જ ચલાવે છે. રોડ પર વધી રહેલાં ટ્રાફિક, પ્રદૂષણ અને એ સિવાયના અઢળક પડકારો છે જેને કારણે તેઓ ગાડીને બહાર કાઢવાના નામથી ગભરાય છે. આવા ‍મુંબઈકરો સાથે વાત કરીને અમે જાણેલી કેટલીક ખાસંખાસ વાતો અહીં પ્રસ્તુત છે...


એનર્જી, પૈસા, પેટ્રોલ, સમય અને સ્વાસ્થ્ય : આ પાંચેપાંચ બચાવવા માટે કાર હોવા છતાં દરરોજ કાર ફ્રી ડે જ છે મારો

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અપૂર્વ મહેતા દરરોજ કાંદિવલીથી પ્રભાદેવી જવા માટે ટ્રેન પ્રિફર કરે છે. ૨૦૨૨માં જ્યારે તેમણે પોતાની બીજી ગાડી લીધી ત્યારે આશય એ જ હતો કે ગાડીમાં ઑફિસ જઈશ તો સમય બચશે અને એ સમયમાં બીજું કામ કરી શકાશે. જોકે થયું એનાથી ઊંધું. અપૂર્વભાઈ કહે છે, ‘આમ તો મુંબઈનો ટ્રાફિક નવી વાત નથી, પણ છેલ્લાં ત્રણેક વર્ષમાં એ અકલ્પનીય રીતે વધ્યો છે. સમય બચાવવા ગાડી લીધી અને સર્વાધિક સમય ગાડીને કારણે ખર્ચાવા લાગ્યો અને સાથે માનસિક ત્રાસ થતો એ જુદો. એટલે ગાડીને બદલે ટ્રેનમાં ઑફિસ જવાનું શરૂ કર્યું. પીક-અવર્સમાં જવાનું હોય ત્યારે તકલીફ થાય, પણ ચૉઇસ નથી. થોડા સમય પહેલાં એક પ્રેઝન્ટેશન માટે અંધેરી ગયો હતો. નજીકનું ડિસ્ટન્સ હતું એટલે કાર લઈને ગયો. પાછા આવવામાં ત્રણ કલાક લાગ્યા. ટ્રાફિકમાં ઊભા રહેવું એ બહુ સ્ટ્રેસફુલ હોય છે. સમય, પૈસા, એનર્જી, પેટ્રોલ અને માનસિક શાંતિ એ ત્રણેય જોઈતાં હોય તો કાર ફ્રી ટ્રાવેલ કરો. મુંબઈમાં તો જ તમે સુખેથી રહી શકશો.’


ઘરમાં ચાર ગાડી અને ત્રણ ડ્રાઇવર છે છતાં ચર્ચગેટથી ગ્રાન્ટ રોડ શાક લેવા જવું હોય તો પણ ટ્રેનમાં જ જવાનું પસંદ કરું છું

ચર્ચગેટ સ્ટેશનથી બે મિનિટના અંતરે રહેતાં દીપ્તિ મુકુલ દોશી માટે કાર એ ક્યારેય લક્ઝરીનું માધ્યમ રહ્યું નથી અને કારને કારણે દેખાડો કરવાનું કે સ્ટેટસ દેખાડવાનું તેમને ફાવ્યું નથી. અઢળક પ્રકારની સોશ્યલ ઍક્ટિવિટી સાથે સંકળાયેલાં ૬૦ વર્ષનાં દીપ્તિબહેનનું પિયર પાર્લા હતું અને લગ્ન પહેલાં જ્યારે પોતે ફાર્મા કંપનીમાં કામ કરતાં ત્યારે લગભગ ૬ વર્ષ પાર્લાથી ફોર્ટ જવા માટે ટ્રેનમાં ટ્રાવેલ કર્યું છે. દીપ્તિબહેન કહે છે, ‘જ્યાં તમારું કામ ૧૦ રૂપિયામાં થતું હોય તો તમારે પ૦૦ રૂપિયાનું પેટ્રોલ બગાડવાની શું જરૂર? જ્યાં તમે એક કલાકમાં પહોંચી શકતાં હો ત્યાં તમારે બે કલાક વેડફવાની શું જરૂર? જ્યાં તમે નેચરને નુકસાન પહોંચાડ્યા વિના પણ અનેક કામ કરી શકતા હો ત્યાં કુદરતના રિસોર્સને બગાડવાની કે અલાયદા તમારા કારણે વધારાનું પ્રદૂષણ ફેલાવવાની શું જરૂર? હું આવું વિચારું છું અને એટલે જ કારને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ જ વાપરું છું.’

લગ્ન પછી આર્થિક સ્થિતિ એવી હતી કે ઘરની બહાર પગ મૂકે એટલે કાર અને ડ્રાઇવર સેવામાં હાજર હોય છતાં કારમાં પ્રવાસ નથી કર્યો એની પાછળ સામાજિક કારણો પણ જવાબદાર હોય છે. દીપ્તિબહેન કહે છે, ‘મેં લોકોને તકલીફમાં જોયા છે અને પૈસાની વૅલ્યુ શું હોય એ તેમના જીવનમાંથી શીખી છું. હું ગ્રાન્ટ રોડ શાક લેવા જાઉં ત્યારે ઘણી વાર એવું બને કે રસ્તામાં મળતાં બાળકોને અનાજ ભરાવી આપ્યું હોય, તેમના પગમાં ચંપલ ન હોય તો ચંપલ લઈ દીધાં હોય. કદાચ કૅબના ચાર્જ લાગ્યા હોત એના કરતાં ત્રણ ગણા વધારે પૈસા ખર્ચી નાખ્યા હોય, પણ એમાં સંતોષ હોય. એ કોઈને કામ લાગ્યા. મારા હસબન્ડ પણ હવે ઘણી જગ્યાએ સમય બચાવવા માટે કારને બદલે ટ્રેનમાં જતા થયા છે. મારી દીકરી જ્યારે દાદરમાં સોશ્યલ વર્કના ભાગરૂપે સ્કૂલમાં ભણાવવા જતી ત્યારે ચર્ચગેટથી ટ્રેનમાં દાદર અને ત્યાંથી ૧૫ મિનિટ ચાલીને જતી. અહીં વાત સ્ટેટસની નહીં; સમાજ પ્રત્યેની, પ્રકૃતિ પ્રત્યેની અને આપણને મળેલા રિસોર્સિસના વપરાશમાં આપણી વિવેકબુદ્ધિની છે.’

ઘરમાં ત્રણ ગાડી છે, પરંતુ બાબુલનાથથી તાડદેવ જવા માટે પણ હું ટૅક્સી જ કરું છું

૧૯૯૬થી ડ્રાઇવિંગ કરતા ધનીશ શાહનો કન્સ્ટ્રક્શનનો અને સૉફ્ટ ડ્રિન્કનો બિઝનેસ છે. તેમને માટે ઘર અને ઑફિસનું ડિસ્ટન્સ બહુ વધારે નથી અને ધારે તો ઈઝીલી ગાડી લઈને જઈ શકે, પરંતુ ગાડીનું નામ આવે અને તેમને પાર્કિંગ યાદ આવે એટલે ગભરાટ થઈ જાય. મારે માટે ૩૬૦ દિવસ ‘નો કાર ડે’ જેવી સ્થિતિ છે એવું કહેતાં ધનીશભાઈ કહે છે, ‘વર્ષમાં એક-બે વાર લોનાવલા જાઉં ત્યારે ગાડી લઈને જાઉં. એ સિવાય ગાડીને હાથ અડાડવાનું પણ હું અવૉઇડ કરું છું. ઘરમાં વાઇફ અને દીકરી છે એ લોકો ગાડી વાપરે છે, પરંતુ મારે માટે રૂટીન ટ્રાવેલ માટે એ લાસ્ટ ઑપ્શન છે. તમે વિચાર કરો કે મારે અહીંથી મલાડ જવું હોય અને ટ્રેન જ્યાં મને ૪૦ મિનિટમાં પહોંચાડશે ત્યાં કાર બે કલાકે પહોંચાડશે તો મારે શું પ્રિફર કરાય? હું તો એ કહીશ કે કાર એ સ્ટેટસ સિમ્બૉલ છે એ કહેવાના દિવસો ગયા હવે. કાર કેવો ત્રાસ આપી શકે એનો એક લેટેસ્ટ કિસ્સો કહું તમને. હું મારી ફ્રેન્ડને ત્યાં ગણપતિનાં દર્શને થાણે ગયો હતો. રસ્તામાં ભયંકર ટ્રાફિક અને એવી સ્થિતિમાં ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું અને ધક્કો મારીને ગાડીને પેટ્રોલપમ્પ સુધી ખેંચી લઈ જવી પડી. આવું એક વાર લોનાવલામાં પણ થયું હતું. એક વાર તો ટ્રાફિકમાં એવા અટવાયા કે લોનાવલા પહોંચવામાં આઠેક કલાક લાગ્યા હતા.’

દરરોજ વસઈ કારમાં જઈશ તો પ્રદૂષણને કારણે લાઇફનાં ૧૦ વર્ષ ઓછાં થઈ જશે

અંધેરી રહેતા ભાવેશ મહેતા છેલ્લાં ત્રણેક વર્ષથી વસઈમાં પોતાની ફૅક્ટરીએ જવા માટે હવે કારને બદલે ટ્રેનમાં જાય છે. ગાડી લઈને ક્યારેક જવું પડે તો તેમને માટે એ કાળાપાણીની સજાથી પણ બદતર છે. ભાવેશભાઈ કહે છે, ‘પહેલાં ગાડી લઈને જ જતો; કારણ કે ઘરેથી સ્ટેશન જાઓ, પછી ટ્રેનમાંથી વસઈ ઊતરો એટલે ફરી રિક્ષા શોધો એ બધી મગજમારીમાં કોણ પડે અને પોતાની ગાડી હોય તો સ્વતંત્રતાપૂર્વક અવરજવર કરી શકાય; પણ સાચું કહું તો એ મારા જીવનના સૌથી વધુ ત્રાસદાયી દિવસ હતા. ચોમાસામાં તો ચાર કલાકે પણ અંધેરીથી વસઈ ન પહોંચાય એટલી હાલત ખરાબ હોય. અત્યારે પણ ઘણી વાર કોઈ મિત્ર સાથે જવાનું થાય તો બેથી અઢી કલાક સહેજેય નીકળી જાય. રસ્તો ખરાબ, ટ્રાફિક અસહ્ય અને સાથે પ્રદૂષણનો ત્રાસ. એ રૂટ પર નવો રોડ બન્યો છે પણ એટલો ખરાબ છે કે આખા રસ્તે ધૂળ જ ઊડતી હોય છે.’

છેલ્લાં અઢી વર્ષમાં ટ્રેનમાં ટ્રાવેલ કરવાની આદત ભાવેશભાઈને સમય અને એનર્જીની સાથે આર્થિક લાભ આપનારી પણ નીવડી છે. તેઓ કહે છે, ‘મારે પીક-અવર્સમાં પણ રિવર્સ રૂટ પર ટ્રાવેલ કરવાનું હોય છે એટલે હું ફર્સ્ટ ક્લાસમાં સૂતો-સૂતો જઈ શકું છું. ઘરેથી સ્ટેશન અને વસઈ ઊતર્યા પછી ફૅક્ટરીએ જવા માટે આરામથી ઑટો મળી જાય છે. રેલવેના પાસના ૬૭૦ રૂપિયા અને દરરોજના રિક્ષાનો ટોટલ ખર્ચ મળીને ડેઇલી ૧૧૫ રૂપિયા થાય. હું ગાડી લઈને જતો ત્યારે પેટ્રોલનો જ ખર્ચ ગણતો તો લગભગ મહિને ૧૬,૫૦૦ રૂપિયા થઈ જતા. ગાડી સર્વિસિંગ અને અન્ય ફાઇન કે પેનલ્ટી લાગે એ અલગ. અત્યારે ઘરથી ફૅક્ટરી અને ફૅક્ટરીથી ઘર એમ બધું મળીને કુલ ખર્ચ મહિને ૨૩૦૦ રૂપિયા થાય છે. જ્યાં હું દોઢ-બે કલાકે પહોંચતો ત્યાં હું હવે એક કલાકની અંદર પહોંચી જાઉં છું. અત્યારે તો એવી સ્થિતિ છે કે શનિ-રવિ ઘરે હોઉં ત્યારે પણ ગાડી કાઢવાને બદલે રિક્ષા કે કૅબ પ્રિફર કરું છું. ગાડી પરિવાર માટે રાખી છે, પરંતુ હવે તો ટ્રાફિકના ડરને કારણે તેઓ પણ ગાડી બહાર કાઢતાં ડરે છે. અમે તો લગભગ દરરોજ કાર ફ્રી ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ.’

અમારા બિલ્ડિંગના ઘણા સિનિયર સિટિઝનોએ પોતાને ત્યાંની ગાડી વેચીને હવે કૅબમાં અવરજવર શરૂ કરી છે

અંધેરીમાં રહેતા પરાગ દેસાઈએ દર એકાંતરે દિવસે સાઉથ મુંબઈ અને ભિવંડી આવવા-જવાનું થાય. સાઉથ મુંબઈ તો તેઓ ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં જાય, પણ ભિવંડી તેમણે નાછૂટકે કારમાં જવું પડે અને એ ક્ષણો તેમને ત્રાહિમામ પોકારાવી દે છે. ઑટોમૅટિક ગાડીમાં ઓછો થાક લાગશે એવું કોઈકે કહ્યું એટલે તેમણે પાંચ મહિના પહેલાં નવી ગાડી લીધી, પણ એનાથી તેમને કોઈ ખાસ ફરક પડ્યો નથી. મુંબઈના રસ્તા અને ટ્રાફિકની વાત આવે ત્યાં જ આક્રોશમય બની જતા પરાગભાઈ કહે છે, ‘બુધવારે હું ભિવંડી ગયો અને મારા જે હાલ થયા છે એની કલ્પના તમે ન કરી શકો. સાડાત્રણ કલાકે દુનિયાભરના ટ્રાફિકને પાર કરતાં હું ભિવંડીથી અંધેરી પહોંચ્યો છું. એમાં તો કેવા ખૂણેખાંચરેથી મેં ગાડી પસાર કરી છે એ મારું મન જાણે છે. અત્યારે જો આવી સ્થિતિ છે તો આવતા બે દાયકામાં કદાચ લોકો બિલ્ડિંગમાં એક ગેટથી ગાડી બહાર કાઢશે અને બીજા ગેટથી અંદર લેશે એમાં જ આખો દિવસ પૂરો થઈ જશે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, કોઈ કાયદો કે વ્યવસ્થા નહીં. ઝીબ્રા ક્રૉસિંગ માર્ક ન હોય એવી જગ્યાએ તમારી ગાડી ઊભી હોય અને તમને ૧૫૦૦ રૂપિયાના ફાઇનનું ચલણ લાગે. અરે એવાં રિલેટિવ્સ છે જેઓ કહે છે કે મળવા આવવું હોય તો ભલે આવો, પણ ગાડી લઈને ન આવતા. સાઉથ મુંબઈમાં તો પાર્કિંગ શબ્દ બોલીએ તો ગાળ જેવો લાગે એવા હાલ છે.’

૬૬ વર્ષના પરાગભાઈ અમેરિકાનું ગ્રીન કાર્ડ છોડીને પાછા ભારત આવ્યા છે. પંચાવન વર્ષથી ફાયર એક્સ્ટિંગ્વિશરનાં મશીન બનાવતાં પરાગભાઈનાં સંતાનો, તેમનાં ઘણાં રિલેટિવ્સ અમેરિકામાં રહે છે. તેઓ કહે છે, ‘અહીંની હાલત જોઈને કોઈને અહીં રહેવું નથી. હું તો ખાતરી સાથે કહું છું કે ઘણા લોકો અહીં બુલેટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. જે દિવસે બુલેટ ટ્રેન બની એ દિવસે ઘણા લોકો મુંબઈ છોડીને ચાલ્યા જશે. અમારા બિલ્ડિંગમાં ઘણા વડીલોએ પોતાની ગાડી વેચી નાખી. હવે તો તેઓ જ્યાં જવું હોય ત્યાં કૅબ બુક કરી લે છે.’

પરાગભાઈના બનેવી રાજેશ પરીખ પણ મુંબઈના ટ્રાફિકથી કંટાળ્યા છે. અત્યારે તેમનાં વાઇફ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે અને દરરોજ તેમણે અંધેરીના લોખંડવાલાથી સાઉથ મુંબઈ ટ્રાવેલ કરવું પડે છે. પહેલાં તેઓ ડ્રાઇવરને લઈને પોતાની ગાડીમાં જતા, પણ પાર્કિંગ અને સાવ ખોટેખોટા ફાઇનથી કંટાળીને તેમણે કૅબમાં જવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, ‘બાંદરાથી અંધેરી પહોંચવામાં બે કલાક લાગે સાંજે એ કોઈ રમતવાત છે? મારો ડ્રાઇવર કારમાં બેઠો હતો અને તે ગાડી કાઢે એ પહેલાં તેના પર નો પાર્કિંગમાં પાર્ક કરવાના ગુના હેઠળ ૧૫૦૦ રૂપિયા ફાઇન મારી દેવામાં આવ્યો. ઝીબ્રા લાઇન ન દોરી હોય ત્યાં ગાડી ઊભી રાખી અને ફાઇન મારી દેવાયો. ખૂબ ખરાબ હાલત છે. આમાં શું ગાડી બહાર કાઢવી? એવી ઉંમર નથી જ્યાં તમે ટૂ-વ્હીલર લઈને નીકળી શકો. જોકે એમ ઘરેથી કોઈ કરવા ન દે, પણ આજે ૭૩ વર્ષની ઉંમરે રોડ-ટ્રાફિક અને પ્રદૂષણનો જે ત્રાસ થાય છે એ વધુ મેન્ટલ સ્ટ્રેસ આપે છે. અત્યારે લોખંડવાલા એરિયાની વાત કરું. જ્યાં જુઓ ત્યાં રીડેવલપમેન્ટ ચાલે છે. પાંચ-સાત માળનાં બિલ્ડિંગો તોડીને પચીસ-પચીસ માળના ટાવર બની રહ્યા છે. હવે તમે વિચારો કે આ ટાવરમાં જે લોકો રહેવા આવશે એ બધાના ઘરે ઍવરેજ બે ગાડી તો હશે જ. આ બધા લોકો જો ગાડી લઈને બહાર નીકળશે તો ચાલવાની જગ્યા જ નહીં રહે.’

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2024 02:30 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK