‘મહિલાઓની બુદ્ધિ પગની પાનીએ હોય’, ‘મહિલાઓ પંચાતિયણ જ હોય’, ‘મહિલાઓના પેટમાં વાત ન ટકે’, ‘ચાર મળે ચોટલા ભાંગે કોઈના ઓટલા’, ‘મહિલાઓનું ડ્રાઇવિંગ ખરાબ જ હોય
પ્રતીકાત્મક તસવીર
‘મહિલાઓની બુદ્ધિ પગની પાનીએ હોય’, ‘મહિલાઓ પંચાતિયણ જ હોય’, ‘મહિલાઓના પેટમાં વાત ન ટકે’, ‘ચાર મળે ચોટલા ભાંગે કોઈના ઓટલા’, ‘મહિલાઓનું ડ્રાઇવિંગ ખરાબ જ હોય’, ‘મહિલાઓ વાત-વાતમાં રડવા માંડે’ કે પછી ‘મહિલાઓને આર્થિક બાબતોમાં ખબર ન પડે’ જેવી માન્યતાઓ, કહેવતો કે ઉક્તિઓનો આજે પણ કેટલાક લોકો મનફાવે એમ ઉપયોગ કરે છે. જે બાબતો સાર્વજનિક છે અને જેને જેન્ડર સાથે કોઈ નિસબત જ ન હોય એને શું કામ મહિલાઓના માથે થોપી બેસાડવામાં આવી? ઍટ લીસ્ટ હવે આવી તુચ્છ સંકુચિત માન્યતાઓને છોડીએ
મહિલાઓની બુદ્ધિ પગની પાનીએ હોય એવી કહેવત બનાવનારને ગાલ પર તમાચો મારતા એક રિસર્ચથી જ વાતની શરૂઆત કરીએ. નૉર્વેની બર્ગન યુનિવર્સિટીના રિસર્ચરોએ લગભગ સાડાત્રણ લાખ લોકોનાં વર્ષોના ડેટાનો અભ્યાસ કરીને તારણ કાઢ્યું કે મહિલાઓનું મગજ પુરુષો કરતાં વધુ તેજ હોય છે, તેમની બ્રેઇનની કાર્યક્ષમતા એટલી સતર્ક હોય છે કે તેઓ ૫૦ વર્ષ પહેલાં બોલાયેલા શબ્દોને પણ યાદ રાખી જાણે છે, મલ્ટિટાસ્કર મહિલાઓની આયોજનક્ષમતા પણ પુરુષોના મગજ કરતાં વધુ તેજ હોય છે જેથી મગજને કસવાની બાબતમાં મહિલાઓ પુરુષો કરતાં મુઠ્ઠીઊંચેરી છે.
ADVERTISEMENT
ખેર, અહીં પુરુષ કે સ્ત્રી વચ્ચે કોઈ તુલના કરવાનો કે તેમની ક્ષમતાઓ વચ્ચે સ્પર્ધા કરવાનો આશય નથી, પરંતુ જે રીતે અમુક બાબતો મહિલા પર થોપી બેસાડવામાં આવી છે એની પોકળતા પર આજે વાત કરવી છે. સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય એવું કહેનારા જે-તે બુદ્ધિશાળીઓએ આવાં અઢળક રિસર્ચોનો સ્ટડી કરવો જોઈએ. ધારો કે બહારની યુનિવર્સિટીના સર્વેમાં તેમની બુદ્ધિ સાથ ન આપે તો ઘરમાં જ પોતાની મા, પત્ની કે બહેનની આયોજનક્ષમતા, મૅનેજમેન્ટ-સ્કિલ્સ, મલ્ટિટાસ્કિંગ એબિલિટી વગેરે જોઈને પણ ચકાસી લેવું કે બુદ્ધિના નામે મહિલાઓની હાંસી ઉડાડતું આ વાક્ય કેટલું વાહિયાત અને બેબુનિયાદ છે.
દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નામે મહિલાઓનું મહિમામંડન કરીએ છીએ અને વિમેન એમ્પાવરમેન્ટની સો-કૉલ્ડ વાતો કે ફેમિનિઝમના ટેમ્પરરી ઝંડા લઈને નીકળી પડીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આજે પણ મહિલા સશક્તીકરણની કહેવાતી વાતો વચ્ચે એવી ઘણી બાબતો છે જેમાં લોકોની માનસિકતા નથી બદલાઈ. ગાડી ચલાવવાની બાબતમાં મહિલાઓની મજાક થતી આવી છે તો એ જ રીતે મહિલાઓ ખૂબ ઇમોશનલ હોય, પૈસાના મામલે મહિલાઓને ખબર ન પડે, મહિલાના પેટમાં વાત ન ટકે, મહિલાઓ ગૉસિપ ખૂબ કરે, મહિલાઓ વાત-વાતમાં રડી પડે જેવી વાતો દ્વારા આજે પણ મહિલાઓની આવડતોને હાંસિયામાં નાખી દેવામાં આવે છે. ‘મિડ-ડે’એ એટલે જ વિચાર્યું કે આજે એવી જ કેટલીક ભ્રાંતિઓનો છેદ ઉડાડીએ અને બદલાયેલા સિનારિયોની દિશામાં વધુ જાગૃતિ લાવીએ.
નક્કી કોણે કર્યું?
મહિલાઓ ફલાણું કરી શકે અને ઢીંકણું ન કરી શકે એ નક્કી કોણે કર્યું? આ પ્રશ્ન પૂછતાં સ્ત્રીસાહિત્યમાં ભરપૂર કામ કરનારાં વર્ષા અડાલજા બહુ જ વૅલિડ પ્રશ્ન સાથે વાતને આગળ વધારતાં કહે છે, ‘એક જૂઠ પણ સો વાર બોલો તો સાચું બની જતું હોય છે એ જ રીતે કોઈકે આવી વાતો ઉડાડી અને મહિલાઓને સૉફ્ટ ટાર્ગેટ બનાવીને આગળ વધારી એટલે આ માન્યતાઓ વધુ પાક્કી થઈ. આજે નાસામાં મહિલાઓ કામ કરે છે. ઍરોપ્લેન જ નહીં, આખેઆખા સ્પેસશટલને સુનીતા વિલિયમ્સ અવકાશમાં લઈ જાય એવી મહિલાઓ હોય ત્યારે હજીયે તમે તેના ડ્રાઇવિંગ પર પ્રશ્ન ઉઠાવો? પાંચમું ભણેલી મહિલા તેને હાથમાં અપાતા પૈસાનું એવું મૅનેજમેન્ટ કરીને ઘર ચલાવે અને છતાં પૈસા બચાવે અને તમે એવું કહો કે તેને આર્થિક બાબતોમાં ખબર નથી પડતી તો એમાં મહિલાનું નહીં પણ આવું બોલનારાનું અજ્ઞાન છતું થાય છે. આજે બે ટર્મથી દેશનાં ફાઇનેન્સ મિનિસ્ટર એક મહિલા છે એ મહિલાની ઇકૉનૉમિક્સની સમજનું જ પ્રતિબિંબ છે. ૧૯૩૦માં મુંબઈમાં કન્યાશાળા ખૂલી જેમાં મધ્યમવર્ગીય પરિવારોની દીકરીઓ ભણવા જવા માંડી. એ સમયમાં એવું કહેવાતું કે છોકરીઓને ભણાવો તો તે વિધવા થઈ જાય. આ માન્યતા જેમ હવે ભૂંસાઈ છે એમ ધીમે-ધીમે બૅડ ડ્રાઇવર કે ગૉસિપ-ક્વીન જેવી વાતો પણ ભૂંસાશે. અફકોર્સ, એમાં આપણાં પ્રસારમાધ્યમોએ બદલાવું પડશે. આજે પણ બાથરૂમ ક્લીનરની ઍડમાં ક્લીનિંગની પ્રોડક્ટ પુરુષ લઈ આવે અને તેની સામે તાળી પાડવા માટે મહિલાઓ હોય. શું કામ ભાઈ? બાથરૂમ સાફ કરવાની જવાબદારી માત્ર મહિલાની જ શું કામ? પુરુષ એ નથી વાપરતા? ફાઇવ સ્ટારમાં કામ કરતા શેફને દેખાડવા માટે પુરુષ હોય અને ઘરનું રસોડું દેખાડવા માટે મહિલા જ હોય. શું કામ? આ જાહેરખબરો થકી પરોક્ષ રીતે જે કામનું વર્ગીકરણ થોપવામાં આવે છે એમાં બદલાવ આવશે ત્યારે લોકો પણ ઘણી રીતે બદલાશે.’
રડી તો બતાવો
મહિલાઓ નાજુક હોય, વાતે-વાતે રડી પડે એ તેમની મર્યાદા નહીં પણ સ્ટ્રેન્ગ્થ છે એ વિશે જાણીતાં લેખિકા, વક્તા, ઍક્ટ્રેસ કાજલ ઓઝા વૈદ્ય કહે છે, ‘રડવું એ નબળાઈ નહીં પણ સ્ટ્રેન્ગ્થ છે અને પુરુષોએ પણ રડવું જ જોઈએ એવું હું દૃઢતાથી માનું છું અને અવારનવાર કહેતી પણ રહી છું. તમે રડી તો બતાવો. તમે જ્યારે મુક્તપણે તમારી સંવેદનાઓને આંસુરૂપે બહાર કાઢો છો ત્યારે તમે કેટલા સામર્થ્યવાન છો એ જ દર્શાવો છો. સહજ રીતે આવેલાં આંખનાં આંસુઓને વ્યક્ત કરવા માટે હિંમત જોઈએ. મહિલાઓ વજન ઉપાડવા માટે પુરુષોનો સહારો લે છે એટલે તે નબળી છે એવું કહેનારાઓને કહેવું છે કે કોણે કહ્યું કે વજનદાર વસ્તુ ઉપાડી દેખાડો એમાં જ બળ રહેલું છે? મહિલાઓની નજાકત પણ તેની સ્ટ્રેન્ગ્થ જ છે. કોઈ ફરક નથી પડતો તેણે માળિયા પર પડેલી બૅગને ઉતારવા માટે પતિ કે દીકરાને બોલાવી લીધો હોય તો. ‘હું થાકી ગઈ છું’, ‘મારાથી આ નહીં થાય’, ‘આમાં મને મદદ જોઈશે’ જેવું સહજપણે સ્ત્રીઓ કહી શકે અને ઇનસિક્યૉરિટીની પરવા કર્યા વિના; એ તેમની સ્ટ્રેન્ગ્થ છે, નબળાઈ નહીં.’
મહિલાઓના પેટમાં વાત ન ટકે એ વાતને રદિયો આપતાં કાજલબહેન કહે છે, ‘તમને કહું કે ધારો કે એક્સ્ટ્રા-મૅરિટલ અફેર હોય તો એક મહિલા ધારે તો મહિનાઓ સુધી નહીં પણ વર્ષો સુધી એ છુપાવી શકે. પુરુષને ભનક સુધ્ધાં ન પડે. પુરુષ પકડાઈ જશે. મહિલાઓ ઇચ્છશે નહીં ત્યાં સુધી નહીં પકડાય. જો તેમના પેટમાં વાત ન ટકતી હોય તો આ સંભવ છે? બીજી વાત, કોઈ મહિલા ક્યારેય પોતાના પતિની નબળાઈ, પોતાના પરિવારની અંગત વાતો બહાર નહીં કહે. તેમને જે કહેવું હોય એ જ કહેશે. મહિલાઓ જેટલું રહસ્ય કોઈ એટલે કોઈ જાળવી ન શકે.’
અર્થતંત્રની ડ્રાઇવિંગ સીટ પર
આજથી ૪૮ વર્ષ પહેલાં દેશમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની એક્ઝામમાં સેકન્ડ આવેલાં ભાવના દોશી ટૅક્સેશન અને કૉર્પોરેટ રીસ્ટ્રક્ચરિંગના ફીલ્ડમાં ઍડ્વાઇઝર તરીકે છેલ્લાં ત્રીસ વર્ષમાં અઢળક નૅશનલ અને મલ્ટિનૅશનલ કંપનીનાં ઍડ્વાઇઝર રહી ચૂક્યાં છે. ઘણીબધી લિસ્ટેડ કંપનીમાં બોર્ડ ઑફ ડિરેક્ટર તરીકેની ફરજ અદા કરતાં ભાવનાબહેન કહે છે, ‘આજની મહિલાઓને જેટલું ફાઇનૅન્સ વિશે સમજાય છે એટલું કોઈને નહીં સમજાય. બહુ જ જવાબદારીપૂર્વક આ સ્ટેટમેન્ટ કરી રહી છું. તમે જુઓ, આજની કેટલી બધી યંગ છોકરીઓ સ્ટાર્ટઅપમાં છે. અને માત્ર શહેરોમાં જ નહીં, ગામડાની મહિલાઓ પણ ફાઇનૅન્સને લઈને ખૂબ અવેર છે. તેમને કૉસ્ટિંગ, ટૅક્સેશન, પ્રાઇસિંગ, માર્કેટિંગ, ફાઇનૅન્સિંગ એમ દરેક ફીલ્ડની ખબર પડે છે.’
અહીં ઉલ્લેખનીય છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં ભાવનાબહેનના ઘરે કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નહોતું. પિતા એન્જિનિયર અને મમ્મી ટીચર અને છતાં ચૅલેન્જિંગ ફીલ્ડના નાતે તેમણે ચાર્ટડ અકાઉન્ટન્સી પસંદ કરેલું. તેઓ કહે છે, ‘આજે જ નહીં, પહેલાં પણ મહિલાઓ ફાઇનૅન્સને લઈને અવેર હતી. ખબર નથી પડતી એવું કહેવાને બદલે તેમણે ખબર પાડવી નહોતી. હસબન્ડ કરે છે તો ભલે કરે એમ વિચારીને તેઓ પોતે જ એ ફીલ્ડમાં ઇન્વૉલ્વ નહોતી થતી. મેં જ્યારે CAની એક્ઝામ આપી ત્યારે મારી સાથે બીજી ત્રણ ફ્રેન્ડ્સ હતી જે CA બની. મહિલાઓ પર એવું થોપી બેસાડવામાં આવ્યું છે કે પૈસાની બાબતમાં તેમને ખબર ન પડે, પરંતુ તેમને બધી જ સમજણ હોય છે.’
પાવરલિફ્ટિંગ પછી પણ
૩૪ વર્ષની ઉંમરે પાવરલિફ્ટિંગ શરૂ કર્યું અને આજે પણ ૧૦૦ કિલો વજન આરામથી ઊંચકી શકનારી હેતલ ગલિયાની દૃષ્ટિએ શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ મહિલાઓ ખૂબ સ્ટ્રૉન્ગ છે. હેતલ કહે છે, ‘મેં જ્યારે શરૂ કર્યું ત્યારે લડકી હોકે તૂ કૈસે કરેગી એવો પ્રશ્ન ઘણાને થયો હતો, પણ મેન્ટલી હું સ્ટ્રૉન્ગ હતી કે મારે મારી જાતને ચૅલેન્જ કરવી છે અને મેં કરી બતાવ્યું. પુરુષોને તાજ્જુબ કઈ વાતનું થાય એ મને નથી સમજાતું. મને ખરેખર થતું કે શું કામ તેમને એવું લાગે કે હું નહીં કરી શકું. મોટા ભાગની મહિલાઓએ સમાજના આ મેન્ટલ સ્ટેટનો સામનો કરવો જ પડતો હોય છે. જો તમે જાતને ટ્રેઇન કરો તો બધું જ પૉસિબલ છે. બીજી ખાસ વાત એ કે લોકો મહિલાઓને ટ્રેઇન નથી થવા દેતા, કારણ કે તેઓ માને છે કે જો તે વર્કઆઉટ કરશે તો ભાયડા જેવી લાગશે, મૅસ્ક્યુલિન થઈ જશે. હું
બૉડી-બિલ્ડર છું છતાં સ્ત્રી જેવી નમણાશ પણ અકબંધ છે. જો તમે નૅચરલ ફૂડ સાથેની ટ્રેઇનિંગ કરો તો ફિઝિકલી સ્ટ્રૉન્ગ થયા પછી પણ તમારી ફેમિનાઇન ક્વૉલિટી અકબંધ રહે છે.’
ડ્રાઇવિંગ વિશે આમને પૂછો
મલાડમાં રહેતી પૂજા જોગી આજથી પંદર વર્ષ પહેલાં મુંબઈ-લદ્દાખ-મુંબઈની સોલો ટ્રિપ પર ગયેલી, એ પણ રૉયલ એન્ફીલ્ડ પર. ૧૮ વર્ષની ઉંમરે પહેલી જ બાઇક રૉયલ એન્ફીલ્ડ ચલાવનારી પૂજાએ ‘મહિલાઓને ડ્રાઇવિંગ ન આવડે’વાળા સમાજના અભિગમનો ડગલે ને પગલે સામનો કર્યો છે. મજાની વાત એ છે કે પૂજાએ પોતાના હસબન્ડને કાર અને બાઇક રાઇડ કરતાં શીખવ્યું છે. તે કહે છે, ‘આજે પણ તમે ૧૦૦ પુરુષો લાવો એમાંથી માંડ ૨૦ પુરુષને રૉયલ એન્ફીલ્ડ ચલાવતાં આવડતું હશે. ડ્રાઇવિંગ અને જેન્ડરને કોઈ લેવાદેવા નથી. આ તો માત્ર થપ્પો મારી દેવામાં આવ્યો છે. ઘણી વાર એવું બન્યું છે મારી સાથે જેમાં અચાનક ગાડી ક્યાંક ફસાઈ જાય અને સામે પુરુષ ટૂ-વ્હીલરમાં આવે તો બોલે કે રહને, દો આપ નહીં કર પાઓગે અને હું રીતસર તેના કરતાં બહેતર રીતે ગાડીને બહાર કાઢું. પુરુષોએ મહિલાઓના ડ્રાઇવિંગને અન્ડરએસ્ટિમેટ કરવાનું હવે બંધ કરવું જોઈએ. ઇન ફૅક્ટ હું મારી ૧૮ મહિનાની દીકરીને લઈને બાઇક અને કારમાં લદ્દાખ ટ્રિપ પર જઈ આવી છું. મારી દીકરી ફીડિંગ કરતી હતી ત્યારે બાઇક અને કારની લૉન્ગ ડ્રાઇવ ટ્રિપ કરી ચૂકી છું.’
મહત્ત્વનું છે કે...
આખી ચર્ચાના અંતે કાજલ ઓઝા વૈદ્ય બહુ જ મર્મપૂર્ણ વાત કરતાં કહે છે, ‘મોટા ભાગની બાબતો વ્યક્તિગત છે, સબ્જેક્ટિવ છે. એને જેન્ડર સાથે કનેક્ટ કરીને ભેદભાવ અને કમ્પૅરિઝનના માપદંડો ઊભા કરવાની કોઈ આવશ્યકતા જ નથી. કોઈ એક મુદ્દામાં તમે આખી સ્ત્રીજાતને કે પુરુષજાતને થપ્પો મારો એ વાત જ અયોગ્ય છે. એ વાત યાદ રાખવી જોઈએ કે સફરજન અને નારંગી જુદી વસ્તુ છે. બન્નેના જુદા જ ગુણધર્મો છે. એમની વચ્ચે કમ્પૅરિઝન ન હોય. સફરજને નારંગી બનવાના પ્રયાસ ન કરાય અને નારંગીએ સફરજનની દેખાદેખી ન કરવાની હોય. સ્ત્રીઓએ પોતાની ખાસિયતોને એન્જૉય કરવાની હોય. કોઈના સમોવડા બનવાની લુખ્ખી અને બેબુનિયાદ ફેમિનિઝમની હવામાંથી બહાર નીકળીને પોતાના ફેમિનિસ્ટ સ્વરૂપને એન્જૉય કરવું જોઈએ.’
પુરુષોએ મહિલાઓના ડ્રાઇવિંગને અન્ડરએસ્ટિમેટ કરવાનું હવે બંધ કરવું જોઈએ. ઇન ફૅક્ટ હું મારી ૧૮ મહિનાની દીકરીને લઈને બાઇક અને કારમાં લદ્દાખ ટ્રિપ પર જઈ આવી છું. મારી દીકરી ફીડિંગ કરતી હતી ત્યારે બાઇક અને કારની લૉન્ગ ડ્રાઇવ ટ્રિપ કરી ચૂકી છું.
- પૂજા જોગી
પાંચમું ભણેલી મહિલા પૈસાનું એવું મૅનેજમેન્ટ કરીને ઘર ચલાવે અને પૈસા બચાવે અને તમે એવું કહો કે તેને આર્થિક બાબતોમાં ખબર નથી પડતી તો એમાં મહિલાનું નહીં પણ આવું બોલનારાનું અજ્ઞાન છતું થાય છે. આજે બે ટર્મથી દેશનાં ફાઇનૅન્સ મિનિસ્ટર એક મહિલા છે એ મહિલાની ઇકૉનૉમિક્સની સમજનું જ પ્રતિબિંબ છે.
- વર્ષા અડાલજા, સાહિત્યકાર
તમને કહું કે ધારો કે એક્સ્ટ્રા-મૅરિટલ અફેર હોય તો એક મહિલા ધારે તો મહિનાઓ સુધી નહીં પણ વર્ષો સુધી એ છુપાવી શકે. પુરુષને ભનક સુધ્ધાં ન પડે. પુરુષ પકડાઈ જશે. મહિલાઓ ઇચ્છશે નહીં ત્યાં સુધી નહીં પકડાય. જો તેમના પેટમાં વાત ન ટકતી હોય તો આ સંભવ છે?
- કાજલ ઓઝા વૈદ્ય, લેખિકા, વક્તા, ઍક્ટ્રેસ
આજની મહિલાઓને જેટલું ફાઇનૅન્સ વિશે સમજાય છે એટલું કોઈને નહીં સમજાય. તમે જુઓ, આજની કેટલી બધી યંગ છોકરીઓ સ્ટાર્ટઅપમાં છે. અને માત્ર શહેરોમાં જ નહીં, ગામડાની મહિલાઓ પણ ફાઇનૅન્સને લઈને ખૂબ અવેર છે. તેમને કૉસ્ટિંગ, ટૅક્સેશન, પ્રાઇસિંગ, માર્કેટિંગ, ફાઇનૅન્સિંગ એમ દરેક ફીલ્ડની ખબર પડે છે.
- ભાવના દોશી, ફાઇનૅન્શ્યલ એક્સપર્ટ
લોકો મહિલાઓને ટ્રેઇન નથી થવા દેતા, કારણ કે તેઓ માને છે કે જો તે વર્કઆઉટ કરશે તો ભાયડા જેવી લાગશે, મૅસ્ક્યુલિન થઈ જશે. હું બૉડી-બિલ્ડર છું છતાં સ્ત્રી જેવી નમણાશ પણ અકબંધ છે. જો તમે નૅચરલ ફૂડ સાથેની ટ્રેઇનિંગ કરો તો ફિઝિકલી સ્ટ્રૉન્ગ થયા પછી પણ તમારી ફેમિનાઇન ક્વૉલિટી અકબંધ રહે છે.
- હેતલ ગલિયા, પાવરલિફ્ટર
સોશ્યલ મીડિયા પરથી મળેલી એક સુંદર વાત
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે? કોઈએ સવાલ ઉઠાવ્યો કે.. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશથી આ કહ્યું હોય પણ
ભૂલથી પણ સત્ય જ કહ્યું છે...
દરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગની પાનીએ છે એ વાપરી પોતાનું ભાગ્ય લઈ એ જ પગથી પુરુષના ઘરમાં પ્રવેશ કરે છે... એટલે સ્ત્રીનાં ચરણમાં પુરુષનું ભાગ્ય છે એ પુરવાર થાય છે.
આ થયું સ્ત્રીનું પત્ની રૂપ
પગ છે એ કોઈ પણ વ્યક્તિને પોતાની મંઝિલ સુધી પહોંચાડવા માટે જરૂરી છે. આનો મતલબ એ જ થયો કે પુરુષની અક્કલ નહીં પણ સ્ત્રીનું માર્ગદર્શન પુરુષને મંઝિલ સુધી પહોંચાડવા આવશ્યક છે. દોડી-દોડીને ઘરના એકેક ખૂણે પોતાના કામની છાપ છોડનારી સ્ત્રી જ છે; કારણ કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે.
એટલે આ થયું સ્ત્રીનું કાર્યેષુ મંત્રી રૂપ
જ્યારે પિતા તેને છાતીસરસી જ ચાંપે છે, જ્યારે માતા તેનું છાતીથી પોષણ કરે છે. બુદ્ધિ પગની પાનીએ છે એટલે જ દરેક વ્યક્તિનું શીશ માતાનાં ચરણમાં ઝૂકે છે.
આ થયું સ્ત્રીનું માતૃ રૂપ
માનું છું કે આટલાં કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રીની બુદ્ધિ ખરેખર ઈશ્વરે પગની પાનીએ રાખી...

